ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનનારા લોકો તાત્કાલિક ફરિયાદ કરી શકે તે માટે ટોલ ફ્રી નંબર 1930 શરૂ કરાયો છે, જેના પર રોજ 1300 લોકો ફોન કરી છેતરપિંડીની ફરિયાદ નોંધાવી રહ્યા છે. જોકે સાઇબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના પૈસા પાછા મળે તે માટે પોલીસે 216 બેંક અને ઓનલાઇન કંપનીઓ સાથે જોડાણ કર્યંુ છે, જેના ભાગરૂપે 10 મહિનામાં જ 15 હજાર લોકોના 40 કરોડ પાછા અપાવાયા છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 1.27 લાખ લોકો સાઈબર ક્રાઇમનો ભોગ બન્યા હતા, જેમાં ગઠિયા તેમની પાસેથી 800 કરોડ પડાવી ગયા હતા. તેમાંથી પોલીસે 80 કરોડ ફ્રીઝ કરાવી 40 કરોડ રૂપિયા લોકોને પાછા અપાવ્યા છે. જે લોકોને પૈસા પાછા મળ્યા છે તેમની સંખ્યા 15 હજાર છે. ઓનલાઇન છેતરપિંડીના જે પણ લોકોના પૈસા જાય છે તે પૈસા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાય છે અથવા તો તે પૈસાથી ઓનલાઇન ખરીદી કરવામાં આવે છે અથવા બિલ ભરવામાં આવે છે. આથી આ પૈસા ફ્રીઝ કરાવવાની ચેઇન ગોઠવવા સીઆઈડી ક્રાઇમના સાઇબર સેલે 216 બેંકો, ઓનલાઇન કંપની સાથે જોડાણ કર્યું છે.
લોકોના ગુમાવેલા પૈસા પાછા અપાવવા પોલીસે 216 બેંક અને ઓનલાઈન કંપનીઓ સાથે જોડાણ કરી રૂ. 80 કરોડ ફ્રીઝ કરાવ્યા
છેલ્લાં ત્રણ વર્ષમાં સાઇબર ફ્રોડમાં ત્રણ ગણો વધારો
વર્ષ | ફરિયાદ | છેતરપિંડીની રકમ | ફ્રીઝ રકમ | પાછા મળેલા પૈસા |
2020 | 23,055 | 95,29,27,240 | 11,07,12,974 | 8,43,94,237 |
2021 | 28,908 | 3,66,88,64,927 | 25,57,06,405 | 11,51,89,666 |
2022 | 66,997 | 3,06,40,79,414 | 62,10,85,375 | 12,03,71,113 |
2023 | 8,731 | 46,63,85,251 | 8,06,64,891 | 1,21,99,100 |
બેંકો આનાકાની કરે તો નોટિસ આપી ગુનો નોંધાય છે
ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં જે પણ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, તે એકાઉન્ટમાંથી મોટા ભાગનાં ડમી એકાઉન્ટ હોવાનું અત્યાર સુધીની પોલીસ તપાસમાં પુરવાર થયું છે. આથી બેંકોએ એકાઉન્ટ ખોલતાં પહેલાં જે તે વ્યક્તિની પૂરેપૂરી ચકાસણી કરવી જોઈએ તેવી સૂચના અવારનવાર પોલીસ દ્વારા બેંકોને આપવામાં આવે છે. તેમ છતાં જે પણ બેંકો અથવા કંપની પૈસા પાછા આપવામાં અથવા તો સંકલન કરવામાં આનાકાની કરે તો તેમને નોટિસ આપીને તેમની સામે ગુનો નોંધવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવે છે.
45 હજારમાંથી 30 હજાર ફોન નંબર બ્લોક કરવામાં આવ્યા
ત્રણ વર્ષમાં જે 1.27 લાખ લોકો સાથે ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી હતી, જેમાં ગઠિયાઓએ 45 હજાર મોબાઇલ ફોન નંબરનો ઉપયોગ કર્યો હતો, તે પૈકી 30 હજાર નંબર પોલીસે બ્લોક કરાવી દીધા છે. જ્યારે બાકીના નંબર બ્લોક કરાવાની પ્રક્રિયા ચાલુ છે. સ્ટેટ સાઇબર સેલના ડીવાયએસપી બી. એમ. ટાંકે જણાવ્યું કે, 1930 નંબર પર ફરિયાદ કરનારનું નામ, મોબાઈલ નંબર, સરનામંુ જાણીને પોલીસ તે નંબર પર વળતો ફોન કરે છે, જેમાં બેંકની ડિટેલ તેમ જ કેટલા પૈસા ગયા તે જાણીને બેંક-કંપનીઓ સાથેનું સંકલન કરતી 9 હેલ્પ ડેસ્ક ટીમને તે વિગત અપાય છે. તે હેલ્પ ડેસ્ક લાગતી - વળગતી બેંક - કંપનીને પોર્ટલ પર જ ઓનલાઇન જાણ કરીને પૈસા ફ્રીઝ કરાવવા પ્રક્રિયા શરૂ કરી દે છે.
એક ખાતામાંંથી બીજામાં જતા પૈસા પાછા મળે
જો પૈસા એક બેંક એકાઉન્ટમાંથી બીજા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય તો પોલીસ બંને બેંક સાથે સંકલન કરીને પૈસા ફ્રીઝ કરાવી દે છે. આવા કિસ્સામાં સાઇબર ફ્રોડનો ભોગ બનનારને તાત્કાલિક પૈસા પાછા મળી જાય છે. તેવી જ રીતે ઓનલાઇન ખરીદી થઈ હોય, પરંતુ ડિલિવરી ન થઈ હોય તો તેવા કિસ્સામાં પણ પૈસા ફ્રીઝ કરવામાં આવે છે. આ કિસ્સામાં પણ પોલીસ બેંક તેમ જ કંપનીઓ સાથે મળી પૈસા પાછા અપાવે છે.
ATMથી પૈસા ઊપાડી લે તો રિકવરી થતી નથી
ઓનલાઇન છેતરપિંડી કરતા સાઇબર ગઠિયા જો કોઈ પણ વ્યક્તિના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા બાદ એટીએમમાંથી ઉપાડી લે તો પૈસા પાછા મળતા નથી. આ ઉપરાંત ઓનલાઇન ટ્રાન્સફર થયેલા પૈસામાંથી જો કોઈ વસ્તુ ખરીદી લે અને તેની ડિલિવરી થઈ ગઈ હોય તો તેવા કિસ્સામાં પણ પૈસા પાછા મળતા નથી. આ સિવાય સાઇબર ગઠિયા છેતરપિંડીના પૈસાથી ઇલેક્ટ્રિક બિલ તેમ જ અન્ય કોઈ બિલ ભરી નાખે તો તેવા કિસ્સામાં જે તે કંપનીઓ પૈસા પાછા આપતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.