ભારતીય રિઝર્વ બેન્કે વધુ એક મોંઘવારીનો ડામ આપ્યો છે. આરબીઆઇએ ઓચિંતો રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરીને ઝટકો આપ્યો છે, જેની સીધી અસર સામાન્ય લોનધારકો પર પડશે. આરબીઆઇના વ્યાજદર વધારા પાછળ દેશની તમામ બેન્કો હોમ-ઓટો, પર્સનલ તથા અન્ય લોનના વ્યાજદર સરેરાશ 0.50-0.75 ટકા સુધી વધારી દેશે એ નક્કી છે. જો બેન્કો દ્વારા 0.50 ટકાનો પણ વ્યાજદર વધારો અમલી કરવામાં આવે તો ગુજરાતીઓ પર વાર્ષિક ધોરણે 3600 કરોડનો બોજ વધી જશે. વૈશ્વિક સ્તરે મોંઘવારી સતત વધી રહી છે ત્યારે વિશ્વના મોટા ભાગના દેશોની સેન્ટ્રલ બેન્કોએ તબક્કાવાર વ્યાજદર વધારાની શરૂઆત કરી હતી, પરંતુ દેશની સરકારને મોંઘવારી નડતી ન હોય તેમ વેઇટ એન્ડ વોચ અત્યારસુધી અપનાવ્યો.
એપ્રિલ માસમાં મળેલી બેઠકમાં સતત 11મી વખત વ્યાજદરમાં કોઇ બદલાવ ન લાવ્યા અને ઓચિંતો વ્યાજવધારાનો આંચકો આપી દીધો. ગુજરાતીઓએ કુલ 7.23 લાખ કરોડની હોમ-ઓટો, પર્સનલ તથા અન્ય પ્રકારની લોન લીધી છે, જેના પર 0.50 ટકાનો બોજો પડે તો ગુજરાતીઓ પર વાર્ષિક ધોરણે 3600 કરોડનો બોજો પડશે. રિઝર્વ બેન્કે ભલે મોડો વ્યાજવધારો આપ્યો હોય, પરંતુ મોટા ભાગની બેન્કોએ લિક્વિડિટીને ધ્યાનમાં રાખીને વ્યાજદરમાં ફેરફારની શરૂઆત કરી દીધી છે.
વૈશ્વિક સ્તરે બોન્ડ યિલ્ડ વધી રહ્યા છે ત્યારે ભારતીય રિઝર્વ બેન્ક શા માટે વ્યાજદરમાં વધારો કરવાનું ટાળી રહી છે એ મુદ્દે અત્યારસુધી મૌન સેવાઇ રહ્યું હતું. કો-ઓપરેટિવ બેન્કના ઉચ્ચ અધિકારીએ અગાઉ જણાવ્યું હતું કે વ્યાજવધારો આપવો જ પડશે, વૈશ્વિક બજારો સાથે તાલ મિલવવા જ પડે એવી સ્થિતિ છે. અત્યારસુધી ભારતીય ગ્રોથ મજબૂત છે, જીએસટી કલેક્શન વધી રહ્યું છે એને કારણે આરબીઆઇ વ્યાજદર વધારો ટાળી રહી હતી.
વ્યાજદરમાં 0.50%નો વધારો થતાં લોનધારકોનો બોજો વધશે
ગુજરાતીઓએ કુલ 7.23 લાખ કરોડની હોમ-ઓટો, પર્સનલ તથા અન્ય પ્રકારની લોન લીધી છે, જેના પર 0.50 ટકાથી વધુ બોજો ગુજરાતીઓ પર પડશે.
50 લાખની હોમ લોન પર મહિને 1515નો બોજ
વિગત | 7 % | 7.50 % | માસિક વૃદ્ધિ |
25 લાખ | 19382 | 20140 | 758 |
50 લાખ | 38,765 | 40280 | 1,515 |
1 કરોડ | 77,530 | 80559 | 3,029 |
15 લાખની ઓટો લોન પર મહિને 403નો બોજ
વિગત | 8.50% | 9 % | માસિક વૃદ્ધિ |
5 લાખ | 6199 | 6334 | 135 |
15 લાખ | 18,598 | 19001 | 403 |
25 લાખ | 30,996 | 31669 | 673 |
15 લાખની પર્સનલ લોન પર મહિને 375નો બોજ
વિગત | 11.00% | 11.50% | માસિક વૃદ્ધિ |
5 લાખ | 10871 | 10996 | 125 |
10 લાખ | 21,742 | 21993 | 251 |
15 લાખ | 32,614 | 32989 | 375 |
ગુજરાતીઓ પાસે 7.23 લાખ કરોડની લોન
વિગત | હિસ્સો | રકમ |
હોમ | 45-47% | 3.26 |
ઓટો | 15-16% | 1.08 |
પર્સનલ | 10-11% | 0.73 |
MSME | 23-25% | 1.66 |
વિગત | હિસ્સો | રકમ |
એગ્રી | 3-4% | 0.22 |
અન્ય | 4-5% | 0.29 |
(નોંધ : રકમ લાખ કરોડમાં, સ્ત્રોત : બેન્કિંગ સેક્ટર) |
બીજી બાજુ... એફડીના અચ્છે દિન વ્યાજદરમાં વધારો થશે
આરબીઆઇએ રેપો રેટમાં વધારો કરતાં હોમ, ઓટો સહિતની લોન મોંઘી થશે તથા ઇએમઆઇમાં વધારો થશે. જોકે એક રાહત એ છે કે એફડી સહિતની જમા રકમ પર વ્યાજમાં વધારો થશે. કેન્દ્રીય બેન્કે વધી રહેલી મોંઘવારીને કાબૂમાં લેવા માટે આ નિર્ણય કર્યો છે. રિટેલ ફુગાવો ત્રણ માસના લક્ષ્યની મહત્તમ સીમા 6 ટકાથી વધારે થઈ ગયો છે. ગત માર્ચમાં રિટેલ ફુગાવો 6.95 ટકા હતો. આરબીઆઇનું લક્ષ્ય ફુગાવાના દરને 4 ટકાએ લઈ જવાનો છે. આરબીઆઇ હવે 6-8 જૂને ફરી નાણાં નીતિની સમીક્ષા કરશે.
ભાસ્કર એક્સપ્લેનર - આદિલ શેટ્ટી, CEO, બેન્કબાઝાર
ડિપોઝિટના વ્યાજદર વધવાથી આવકમાં વધારો થશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.