ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે ગમેત્યારે જાહેર થઈ શકે છે. આમ તો ભાજપમાં ટિકિટવાંચ્છુઓનું લોબિંગ ક્યારનુંય પ્રત્યક્ષ-પરોક્ષ રીતે શરુ થઈ ગયું છે. પરંતુ સૌથી કફોડી હાલત તો મૂળ કોંગ્રેસી ગોત્રના, પરંતુ બે-પાંચ વર્ષમાં વંડી ઠેકીને ભાજપમાં આવેલા નેતાઓની થઈ છે. કુવંરજી બાવળિયા, જવાહર ચાવડાનું મંત્રીપદ ગયું ને અલ્પેશ ઠાકોર જેવા તો પેટાચૂંટણીમાં જ હારી જતાં તેમનું રાજકારણ પૂરું થઈ જાય તેવી સ્થિતિ નિર્માઈ છે. આવામાં મૂળકોંગ્રેસી નેતાઓ ભાજપ ટિકિટ ન આપે તો ઘરવાપસી કરવાના મૂડમાં છે. કેટલાક નેતાઓને તો હવે કોંગ્રેસ પણ નહીં સંઘરે, જે સ્થિતિમાં તેમના માટે આમ આદમી પાર્ટી (AAP) મજબૂત વિકલ્પ બની શકે છે.
ભાજપની નો-રિપિટ થિયરી જ ડરનું સૌથી મોટું કારણ
વિધાનસભાની ચૂંટણી આવતાં જ ભાજપમાં નો-રિપીટ થિયરીની સૌથી વધુ વાતો થવા લાગે છે. અત્યારે ખુદ ભાજપના જ 2-3 ટર્મથી ધારાસભ્ય રહેલા નેતાઓમાં ફફડાટ પેઠો છે ત્યાં કોંગ્રેસમાંથી આવેલાની સ્થિતિ કલ્પી શકાય છે. આવું થશે તો 100થી વધુ નેતાએ રાજકીય સંન્યાસ લેવો પડશે. પરિણામે આવા નેતાઓની હાલત કફોડી બની શકે છે અને તેમના ચૂંટણી લડવાના અભરખા અધૂરા જ રહી શકે છે.
કોંગ્રેસમાં પાછા ફરવા અંદરખાને ચાલતી વાટાઘાટો
2022ની ચૂંટણી આમેય હાથવેંતમાં હોવાના પૂરેપૂરા સંકેત છે. ભાજપ માટે નો-રિપીટ થિયરી કાંઈ મોટી વાત નથી. આવું થશે તો ભાજપના જ કેટલાંય દિગ્ગજ અને જૂનાજોગી નેતાઓએ ઘરભેગા થવું પડશે. હાલ ભાજપના ધારાસભ્યો હોય તેવા 100થી વધુ નેતાજીઓની ટિકિટ કપાઈ જશે. આમ થશે તો તેમની રાજકીય કારકિર્દી પૂરી થઈ જશે તે નક્કી છે. જો કે, કોંગ્રેસમાંથી આવેલા મોટાભાગના નેતાઓને ઘેર બેસાડવાની તૈયારીઓ થઈ હોવાની શક્યતાના આધારે કોંગ્રેસના આવા નેતાઓ પાછો પંજો પકડી શકે છે. કેટલાકની તો વાટાઘાટો પણ અંદરખાને શરૂ થઈ ચૂકી છે.
ભાજપને પણ આયાતી નેતાઓ પર વિશ્વાસ નથી
હાલ નવરા પડેલા કેટલાય કોંગ્રેસના નેતાઓને ભાજપમાં ગૂંગળામણ થઈ રહી છે, કેમકે હજુ ભાજપની નેતાગીરી આવા આયાતી કૉંગ્રેસના નેતાજીઓ પર એટલો બધો વિશ્વાસ રાખી શકતી નથી. આવામાં આ કોંગ્રેસીઓ પણ ભાજપમાં આવીને ભરપેટ પસ્તાઈ રહ્યા છે. હાલ તો આ બધા વંડીઠેકુ નેતાઓ વિધાનસભા ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે. ભાજપ ટિકિટ નહીં આપે તો તેઓ કોંગ્રેસમાં ઘરવાપસી કરી શકે છે.
કોંગ્રેસ ના સંઘરે તો આમ આદમી પાર્ટી ક્યાં નથી?
કોંગ્રેસમાંથી પક્ષાંતરણ કરી મોટાઉપાડે ભાજપમાં હારતોરા કરાવનારા નેતાઓ અત્યારે તો ક્યાંયના નથી રહ્યા. મંત્રીપદ અને અગત્યના હોદ્દા જતા રહ્યા બાદ નવરા પડેલા આ નેતાઓ કોંગ્રેસ પાછા ન લે તો આમ આદમી પાર્ટી (AAP)માં જવાનું પણ વિચારી રહ્યા છે. AAP પાસે અત્યારે નથી 182 મજબૂત ઉમેદવારો કે નથી તેમને ચૂંટણી લડાવવાનું પૂરતું ફંડ. આવામાં કોંગ્રેસી ગોત્રના આ નેતાઓ પોતાના ખર્ચે AAPમાંથી ચૂંટણી લડવાની વાત કરે તો બંનેની સમસ્યા ઉકેલાઈ શકે છે.
સત્તાનો સ્વાદ ચાખવા ગયા પણ કૂવે જઈ તરસ્યા રહ્યા
વર્ષોથી સત્તા વિનાની કોંગ્રેસ પાર્ટીમાં રહેલા આ વંડીઠેકુ નેતાઓને ધારાસભ્યપદ તો મળ્યું પણ સત્તા ના મળી. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સત્તાનો સ્વાદ ચાખવા ભાજપમાં ભળી ગયા હતા. પરંતુ વિધાનસભા ચૂંટણી પેહલા કોંગ્રેસમાંથી આવેલા અને સત્તા સુધી પહોંચી ગયેલાને હવે ભાજપના જ મોવડીઓ વીણી-વીણીને ઘરભેગા કરી રહ્યા છે. ભાજપની ગાઈડલાઈન મુજબ આવા આયાતી ધારાસભ્યોને ટિકિટ મળવી પણ મુશ્કેલ બની શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.