ભાજપે બળવાખોરોને સસ્પેન્ડ કર્યા:અપક્ષ ઉમેદવારી કરનાર મધુ શ્રીવાસ્તવ, દિનુમામા, ધવલસિંહ ઝાલા સહિત 12ને સસ્પેન્ડ કર્યા

અમદાવાદ16 દિવસ પહેલા
મધુ શ્રીવાસ્તવે ભાજપ વિરુદ્ધ જઈ વાઘોડિયામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.

ભાજપ વિરુદ્ધ જઈ અપક્ષ ઉમેદવારી કરનાર મધુ શ્રીવાસ્તવ, દિનુમામા, ધવલસિંહ ઝાલા સહિત 12ને સસ્પેન્ડ કર્યા છે. ભાજપ વિરુદ્ધ ગયેલાને બરખાસ્ત કરવાની ચીમકી અગાઉ સીઆર પાટીલે આપી હતી. આ પહેલા પણ 7 જેટલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 19ને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કેતન ઈનામદાર સૌથી મોટા ખનન માફિયા: કુલદીપસિંહ રાઉલજી
વડોદરા જિલ્લાની સાવલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કુલદિપસિંહ રાઉલજીએ ભાજપના ધારાસભ્ય અને આ બેઠક પર ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર કેતન ઇનામદાર પર આકરા વાકપ્રહાર કરતા કહ્યું છે કે, વડોદરાના જિલ્લામાં સૌથી મોટા ખનન માફિયા આપણા ધારાસભ્ય છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સાવલી બેઠક પર ભાજપના ઉમેદવાર કેતન ઇનામદાર છે. તો બીજી તરફ ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા કુલદિપસિંહ રાઉલજીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કુલદિપસિંહે મેવલી ગામ ખાતે ચૂંટણી સભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, કેતન ઇનામદાર નોકરી વાંચ્છુકોને બંગલે બોલાવી ચા પીવડાવી ધક્કા ખવડાવે છે. તેમને ખબર છે કે, તે યુવકો બે કે ત્રણ વખત ધક્કાખાઇ પછી પાછા નહીં આવે. મહીસાગર નદીમાં જે રેતી ખનન થઇ રહ્યું છે, તેમાં વડોદરા જિલ્લામાં સૌથી મોટા ખનન માફિયા આપણા ધારાસભ્ય છે.

કોંગ્રેસના ઉમેદવાર કુલદિપસિંહ રાઉલજી
કોંગ્રેસના ઉમેદવાર કુલદિપસિંહ રાઉલજી

જ્યાં પણ જાઉં છું, બધા મને બહારનો કહે છેઃ અલ્પેશ ઠાકોર
ગાંધીનગર દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર પોતાના ચૂંટણી કાર્યાલય ટાણે હાજર ન રહેતાં ચર્ચાનો વિષય બન્યા હતા. ત્યારે રાધનપુરમાં ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન હાજર રહ્યા હતા. ત્યારે અલ્પેશ ઠાકોરનું દર્દ છલકાયું હતું અને જણાવ્યું હતું કે. હું જ્યાં જઉ ત્યાં બધા મને કહે છે હું બહારનો છું, મને ખબર નથી કે હું ક્યાંનો છું? મારાં અને શંકર ચૌધરી ઉપર વિશ્વાસ કરીને લવિંગજીની જે તે ભૂલોને માફ કરીને એમને જીતાડો. તમે મને પોતાનો માન્યો હોય તો મારાં ઠાકોર સેનાના છોકરાઓને પણ પોતાનો માની લેજો. મારાં ઠાકોરસેનાના છોકરાઓ ખૂબ સારા છે,તમને સહકાર આપવામાં ક્યાંય કચાશ નહી રાખે. આ લોકો તોફાની લોકો નથી.

શંકર ચૌધરીને સરકારમાં સ્થાન આપવા ‘અમિત શાહ’નો ઈશારો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે બનાસકાંઠાના થરાદમાં સભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે, તમે શંકર ચૌધરીને ધારાસભ્ય બનાવો અમે તેમને મોટું સ્થાન અપાવીશું. અમિત શાહે શંકર ચૌધરીને સરકારમાં મોટું સ્થાન આપવામાં આવશે તેવો ઈશારો કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બનાસકાંઠાને કોંગ્રેસે અગાઉ દાણચોરીનું હબ બનાવી દીધું હતું. ભાજપ સત્તામાં આવી અને આ સ્થિતિમાં બદલાવ આવ્યો છે.

અમિત શાહે થરાદમાં સભા સંબોધી હતી
અમિત શાહે થરાદમાં સભા સંબોધી હતી

કોંગ્રેસના કામિનીબા હવે ભાજપમાં જોડાઈ ગયાં
ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં વધુ એક ભંગાણ થયું છે. મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પોતાના મજબૂત નેતાઓ પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે. દહેગામ બેઠકના દાવેદાર અને પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ આજે ભાજપમાં જોડાઈ ગયાં છે. તે ઉપરાંત મહેસાણા બેઠક પર ગત લોકસભાની ચૂંટણીના ઉમેદવાર એ.જે.પટેલ ભાજપમાં જોડાયા છે. કામિનીબાએ કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમજ તેમણે અપક્ષ તરીકે નોંધાવેલી ઉમેદવારી પણ પાછી ખેંચી લીધી છે. અગાઉ કામિનીબાએ એક વીડિયો મારફતે દહેગામની ટિકિટ માટે એક કરોડ માંગ્યા હોવાનો કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો.

મહામંત્રી પ્રદીપસિંહે કામિનીબાને કેસરિયો ખેસ પહેરાવ્યો હતો
મહામંત્રી પ્રદીપસિંહે કામિનીબાને કેસરિયો ખેસ પહેરાવ્યો હતો

માલધારીઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે
ઢોર નિયંત્રણ કાયદો લાવ્યા બાદ ગુજરાત સરકારની સામે માલધારી સમાજે અનેક વખત રજૂઆતો કરી હતી. એ ઉપરાંત માલધારી વસાહતો અને પશુપાલન કરતા માલધારીઓ સામે પોલીસની કનડગત સહિતના મુદ્દાઓનું નિરાકરણ નહીં આવતાં માલધારી સમાજ રોષે ભરાયો છે. હવે માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ એક વીડિયો મારફત જાહેરાત કરી છે કે સમગ્ર ગુજરાતના માલધારીઓ ભાજપના વિરોધમાં મતદાન કરશે. આ જાહેરાતને પગલે ભાજપમાં ભારે સોપો પડી ગયો છે. માલધારીઓને હવે કેવી રીતે મનાવવામાં આવશે એના પર સૌની નજર છે.

સૌરાષ્ટ્રના 15થી વધુ ઉમેદવારોને નોટિસ ફટકારી
રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠકમાં 65 જેટલા ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે. તેઓ દ્વારા દરરોજ સમયસર હિસાબ ચૂંટણી વિભાગને રજૂ કરવાના હોય છે, પરંતુ 15થી વધુ ઉમેદવારો એવા છે, જેમણે ચૂંટણીખર્ચનો હિસાબ રજૂ નથી કર્યો, જેથી ચૂંટણીપંચ દ્વારા હિસાબ માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારોને નોટિસ ફટકારવામાં આવી છે. જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાએ તા.14થી 17 સુધીનો કુલ રૂ.3,58,180નો ખર્ચ રજૂ કર્યો હતો, જ્યારે રાજકોટના ભાજપના ઉમેદવાર ડો. દર્શિતા શાહને ભાજપે ખર્ચ માટે 25 લાખ આપ્યા છે.

ભાજપનું આજે 93 બેઠક પર કાર્પેટ બોમ્બિંગ
ગુજરાતમાં પ્રથમ અને બીજા તબક્કામાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે આજે ભાજપ દ્વારા પ્રચંડ પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપે બીજા તબક્કાની 93 બેઠક પર સભા ગજવી હતી. ભાજપે આ માટે કેન્દ્રના 13 અને પ્રદેશના 4 નેતાને જવાબદારી સોંપી છે. એ ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને સાંસદોની ફોજ પણ પ્રચારના મેદાનમાં ઉતારી દીધી છે.

અલ્પેશ ઠાકોરના કાર્યાલયનું ઉદઘાટન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું.
અલ્પેશ ઠાકોરના કાર્યાલયનું ઉદઘાટન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું.

ભાજપના અલ્પેશ ઠાકોર પોતાના કાર્યાલયના ઉદઘાટનમાં ના ફરક્યા
ગાંધીનગરમાં દક્ષિણ બેઠક પરથી ભાજપે આ વખતે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપીને મેદાને ઉતાર્યા છે. જોકે તેમના નામની જાહેરાત પહેલાં જ સ્થાનિક કાર્યકરોએ વિરોધ કર્યો હતો. આ વચ્ચે ગાંધીનગર દક્ષિણ બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટનમાં અલ્પેશ ઠાકોર પોતે જ ગેરહાજર હતા. ગાંધીનગરના રાંદેસણ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ કાર્યાલયનું ઉદઘાટન કર્યું. ખુદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યાલયના ઉદઘાટનના ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા, જેમાં અલ્પેશ ઠાકોરનાં પોસ્ટર તો દેખાયાં, પણ અલ્પેશ ઠાકોર પોતે ક્યાંય દેખાયા જ નહીં. ખાસ વાત છે કે બે દિવસ પહેલાં જ ચિલોડા ખાતે કાર્યાલયના ઉદઘાટન દરમિયાન જ અલ્પેશ ઠાકોર વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયા હતા અને અલ્પેશ ગો બેકના નારા લાગ્યા હતા.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હવે ગુજરાત આવશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હવે ગુજરાત આવશે.

છેલ્લી ઘડીએ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ગુજરાત આવશે
કોંગ્રેસના રાષ્ટ્રીય નવા અધ્યક્ષ આગામી 26 અને 28 નવેમ્બરે ગુજરાતમાં ચૂંટણીપ્રચાર કરશે. મલ્લિકાર્જુન ખડગે 26 નવેમ્બરે અમદાવાદમાં જાહેરસભાને સંબોધશે અને 28 નવેમ્બરે ગાંધીનગર નજીક જાહેરસભાને સંબોધશે. કોંગ્રેસ-અધ્યક્ષ 27 નવેમ્બરે મધ્યપ્રદેશના ઈન્દોરમાં ‘ભારત જોડો યાત્રા’માં હાજરી આપશે અને એક સભાને સંબોધશે.

રાજુ કરપડાએ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા.
રાજુ કરપડાએ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા.

ચોટીલા આપના ઉમેદવારનો ધડાકો
ચોટીલા બેઠક પર આમ આદમી પાર્ટીમાં ચૂંટણી લડી રહેલા રાજુ કરપડાએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરી કહ્યું હતું કે ભાજપના નેતાએ મને સાત કરોડ રૂપિયાની ઓફર કરી હતી. જો હજી તેઓ કહેતા હોય કે ઓફર નહોતી કરી તો અહીં આવો... હું પુરાવાઓ આપવા તૈયાર છું. આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ કરપડાએ આજે મૂળી તાલુકાના દાણાવાડા ગામે પ્રચાર દરમિયાન ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે એક ભાજપના નેતાએ મને સાત કરોડ રૂપિયાની ઓફર કરી હતી. જો તેઓ કહેતા હોય કે ઓફર નહોતી કરી તો અહીં આવો... હું પુરાવાઓ આપવા તૈયાર છું.

વડાપ્રધાન મોદી પૂર્વ અમદાવાદમાં રોડ શો કરશે.
વડાપ્રધાન મોદી પૂર્વ અમદાવાદમાં રોડ શો કરશે.

પહેલીવાર પૂર્વ અમદાવાદમાં PMનો રોડ શો
નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે અમદાવાદ પૂર્વ વિસ્તાર સાથે તેમનો ઘણો ઘરાબો હતો. એક સમયે અમદાવાદના મણિનગર વિસ્તારથી ચૂંટણી પણ નરેન્દ્ર મોદી લડ્યા હતા. અમદાવાદના પૂર્વ વિસ્તાર સાથે અનેક સંબંધ ધરાવતા નરેન્દ્ર મોદી આ વખતે વિધાનસભા 2022થી ચૂંટણીમાં વડાપ્રધાન તરીકે રોડ શો કરવાના છે એવી વિગત ઉચ્ચ સ્તરીય સૂત્રો પાસેથી મળી રહી છે. 27-28 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રોડ શો કરે એ માટે કેટલીક જગ્યાએ સૂચના પણ આપી દેવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. આ વખતે નરેન્દ્ર મોદી પૂર્વ વિસ્તારમાં રોડ શો કરવાના છે. આ રોડ શો કેટલા કિલોમીટર લાંબો હશે એ માટે પ્લાનિંગ કરવા માટે પણ પ્રયાસ હાથ ધરાયા છે.

કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતમાં લોકો વચ્ચે પ્રચાર કરી રહ્યા છે.
કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતમાં લોકો વચ્ચે પ્રચાર કરી રહ્યા છે.

ધાનાણીના ગઢમાં કેજરીવાલનો હુંકાર
અમરેલી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો અહીં ભાજપ, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાને છે. આજે કોંગ્રેસના ગઢ કહેવાતા અમરેલીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે રોડ શો કર્યો હતો. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જ્યારે પૃથ્વી પર પાપ વધે છે ત્યારે ઉપરવાળો પોતાનું ઝાડુ ચલાવે છે. આજે હું ગુજરાતના દરેક પરિવારનો ભાગ બની ગયો છું. અમારી સરકાર બનશે તો હું તમારો ભાઈ બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળી લઈશ. સમગ્ર ગુજરાતમાં હું જ્યાં પણ જાઉં છું ત્યાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. પેપર ફૂટતા નથી, પેપર વેચાય છે તેવો આક્ષેપ કર્યો હતો. અમારી પ્રામાણિક સરકાર છે, અમે એકપણ પેપર ફૂટવા નહીં દઈએ. મેં દિલ્હીમાં જે કામ કર્યું છે, મેં જે કામ કરીને બતાવ્યું છે એ જ કામ કરવાની વાત કરી રહ્યા છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનો દાવો- ગુજરાતમાં કોંગ્રેસ આવશે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનો દાવો- ગુજરાતમાં કોંગ્રેસ આવશે.

ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી માહોલ બન્યો: અશોક ગેહલોત
ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દિગ્ગજ નેતાઓ ગુજરાત ખૂંદી રહ્યા છે, જેમાં કોંગ્રેસનેતા રાહુલ ગાંધી પણ આજે ચૂંટણીપ્રચારમાં જોડાયા છે. રાહુલ ગાંધીએ ચૂંટણીપ્રચારની શરૂઆત સુરતથી કરી અને એ બાદ હવે તેઓ રાજકોટ પહોંચ્યા છે. આ સભામાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે જણાવ્યું હતું કે રાજ્યમાં સરકારવિરોધી જુવાળ છે, જેને લીધે કોંગ્રેસ રાજ્યમાં સરકાર બનાવશે તેમજ રાજ્યમાં કોંગ્રેસતરફી માહોલ બન્યો છે. ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે.

અન્ય સમાચારો પણ છે...