અમદાવાદીઓને સારવાર:દિલ્હીના મહોલ્લા ક્લિનિક જેવા અમદાવાદમાં 129 દિન દયાળ ક્લિનિક, એક વર્ષમાં 6.13 લાખ દર્દીઓએ લાભ લીધો

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં લોકોને સારી આરોગ્ય વ્યવસ્થા મળી રહે તેના માટે અર્બન હેલ્થ સેન્ટરો તેમજ સરકારી હોસ્પિટલો બનાવવામાં આવી જ છે. તેની સાથે હવે દિલ્હીના આપ મોડેલ પર મહોલ્લા ક્લિનિક જેવા દિન દયાળ ક્લિનિક શરૂ કરવામાં આવ્યા છે. કોરોનાની બીજી લહેર બાદ સપ્ટેમ્બર 2021માં અમદાવાદમાં દિન દયાળ ક્લિનિક શરૂ કરવામાં આવ્યા છે. જેમાં હાલમાં 129 જેટલા ક્લિનિક શહેરના જુદાજુદા વિસ્તારમાં કાર્યરત છે. 1 સપ્ટેમ્બર 2022 સુધીમાં 6.13 લાખ જેટલા દર્દીઓએ સારવાર લીધી છે.

સાંજે 5થી રાતના 9 સુધી ક્લિનિક ખુલ્લા રહે છે
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ દિન દયાળ ક્લિનિક ગરીબ અને સ્લમ વિસ્તારમાં જ્યાં 1 કિલોમીટર સુધીના વિસ્તારમાં કોઈ અર્બન હેલ્થ સેન્ટર કે સરકારી હોસ્પિટલ ન હોય ત્યાં શરૂ કરવામાં આવ્યા છે. સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી આ ક્લિનિક ચાલે છે. જેમાં એક એમબીબીએસ અથવા આયુષ ડોક્ટર હોય છે. જે પણ દર્દી આવે છે, તેની આરોગ્યની તપાસ કરી યોગ્ય દવા આપવામાં આવે છે. જરૂર પડે તેને નજીકની હોસ્પિટલમાં રીફર પણ કરવામાં આવે છે.

31 ક્લિનિક કાર્યરત નહીં
સપ્ટેમ્બર 2021માં આ ક્લિનિક શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારે 160 જેટલા ક્લિનિક હતા. જેમાંથી અત્યારે 129 જેટલા કાર્યરત છે, એક વર્ષમાં 6.13 લાખ જેટલા દર્દીઓએ તેનો લાભ લીધો છે. 31725 દર્દીઓએ બ્લડ પ્રેશર સ્ક્રીનિંગ કરાવ્યું છે. ક્લિનિક પર વેક્સિનેશન અને રાષ્ટ્રીય યોજનાઓની માહિતી અને અમલીકરણ પણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...