કોરોનાએ બાળકોને પણ નિરાધાર કરી દીધા હતા. રાજ્યમાં 1283 બાળકોએ માતા-પિતા બન્નેનો સહારો ગુમાવી દીધો હતો જ્યારે 20 હજાર બાળકોના માથેથી એક વાલીનો હાથ ગુમાવી દીધો હતો.
દિવ્ય ભાસ્કર દ્વારા કરાયેલી આરટીઆઇમાં ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સમગ્ર રાજ્યમાંથી બાળ સેવા યોજના હેઠળ સહાય મેળવવા માટે ડિસેમ્બર 2021 સુધી 27674 અરજીઓ આવી હતી. જેમાંથી 21 હજારથી વધારે અરજીઓ મંજૂર પણ કરી દેવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધી કુલ 17 કરોડની સહાય આપી દેવામાં આવી છે.
કોરોનાના કારણે સૌથી વધારે અરજીઓ અમદાવાદ જિલ્લામાંથી આવી હતી. જોકે, સૌથી વધારે અરજીઓ રાજકોટ જિલ્લામાંથી મંજૂર કરવામાં આવી હતી. અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, નવસારી જિલ્લાઓમાં એક હજારથી વધારે અરજીઓ મંજૂર કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં એક વાલી ગુમાવનાર 1845 બાળકોને જ્યારે બન્ને વાલી ગુમાવનાર 104 બાળકોને સહાય ચુકવવામાં આવી છે. અગાઉ વિધાનસભા સત્રમાં પણ આ બાબતે કેટલીક વિગતો બહાર આવી હતી.
આ જિલ્લાઓમાં બાળકો પર કોરોનાનો કેર સૌથી વધારે
જિલ્લો | કુલ અરજી | મંજૂર | એક વાલી ગુમાવનાર | બન્ને વાલી ગુમાવનાર |
અમદાવાદ | 2500 | 1,726 | 1515 | 68 |
રાજકોટ | 2137 | 1,993 | 1845 | 104 |
સુરત | 1431 | 1,126 | 1038 | 66 |
ભાવનગર | 1359 | 1,097 | 1012 | 59 |
નવસારી | 1384 | 1,079 | 971 | 64 |
વડોદરા | 1026 | 759 | 695 | 52 |
ભરૂચ | 1970 | 890 | 851 | 30 |
બનાસકાંઠા | 1007 | 784 | 730 | 50 |
કચ્છ | 1009 | 771 | 605 | 61 |
રાજ્યમાં કુલ | 27674 | 20970 | 19075 | 1283 |
બન્ને વાલી ગુમાવનાર બાળકોને 3.11 કરોડ સહાય
મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ કોરોનામાં અનાથ કે નિરાધાર બનેલા માતા-પિતા ગુમાવનાર બાળકોને સહાય આપવામાં આવે છે. બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી અનાથ બાળકોને મહિને રૂપિયા 4 હજાર અને એક વાલી ગુમાવનાર બાળકોને રૂપિયા 2 હજાર સહાયની રકમ આપવામાં આવશે. એક વાલી ગુમાવનાર બાળકોને અત્યાર સુધી રૂપિયા 14.45 કરોડ જ્યારે બન્ને વાલી ગુમાવનાર બાળકોને રૂપિયા 3.11 કરોડ સહાય ચુકવાઇ છે. આરટીઆઇમાં એ માહિતી માટે કહેવામાં આવ્યું હતું કે કોરોનામાં અનાથ થયેલા બાળકો પૈકી કોઇને કોઇ તરફથી દત્તક લેવામાં આવ્યા છે? જવાબમાં જણાવાયું છે કે આવા બાળકોમાંથી કોઇ બાળકને દત્તક લેવામાં આવ્યું નથી.નોંધનીય છે કે કેટલાક રાજકીય નેતાઓ દ્વારા ગામડાંઓ દત્તક લેવાયા છે. પરંતુ કોરના મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર માસુમ બાળકોને કોઇ જ રાજકીય કે સામાજિક આગેવાનો હજીસુધી આગળ આવ્યાં નથી!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.