તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMCનો સપાટો:5 દિવસમાં BU વગરનાં 2076 એકમ સીલ, પણ ગેરકાયદે બાંધકામ સામે આંખ આડા કાન કરનારા એક પણ અધિકારી સામે પગલાં નહીં

અમદાવાદ10 દિવસ પહેલા
AMCએ બી.યુ પરમીશન વિનાની 4 સ્કૂલોને સીલ કરી
  • શહેરમાં બી.યુ પરમીશન વિના ચાલતા એકમો પર AMCની કાર્યવાહી.
  • પશ્ચિમ ઝોનમાં 54 યુનિટ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 20 યુનિટ્સ અને દક્ષિણ ઝોનમાં 28 યુનિટ સીલ કરાયા.
  • સિલિંગ ઝુંબેશમાં માત્ર નાના વેપારી દંડાય છે, મોટા બિલ્ડર, અધિકારી કે ભલામણો કરનારા રાજકારણીઓ છટકી જાય છે

મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા બીયુ પરમિશન વગર ઉપયોગ કરવામાં આવતી મિલકતો સામે સિલિગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં આજે પશ્ચિમ ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા વેલીડ બી.યુ. પરમિશન ચાલતા કુલ 12 જેટલા મકાનોમાં 124 યુનિટ સીલ કરી દીધા છે. જેમાં પશ્ચિમ ઝોનમાં 54 યુનિટ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 20 યુનિટસ, મધ્ય ઝોનમાં 2 યુનિટ, પૂર્વ ઝોનમાં 20 યુનિટ અને દક્ષિણ ઝોનમાં 28 યુનિટ સીલ કરાયા છે. જેમાં 6 સ્કૂલો અને 1 ક્લાસિસ સામેલ છે.

5 દિવસમાં 2076 યુનિટ સીલ કરાયા
મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા 31મી મેથી 4 જૂન સુધીમાં કોમર્શીયલ વપરાશકર્તાઓની 1052 દુકાનો/ઓફિસ/ક્લાસીસ, હોટલના 507 રૂમો, રેસ્ટોરાંના 66 યુનિટો, 30 સ્કૂલના 447 રૂમ અને 1 ઈન્ડસ્ટ્રીયલ એકમ થઈને કુલ 2076 યુનિટ સીલ કરવામાં આવેલા છે. આગામી દિવસોમાં પણ આ સીલિંગની કાર્યવાહીની ઝૂંબેશ ચાલુ રહેશે.

સીલ કરેલા એકમનું લિસ્ટ
સીલ કરેલા એકમનું લિસ્ટ

પશ્ચિમ ઝોનમાં 9 સ્કૂલો સીલ
આ પહેલા ગઈકાલે શહેરના પશ્ચિમઝોનમાં આવતા રાણીપ, નવાવાડજ અને વાડજ સહિતના વિસ્તારમાં આવતી 9 સ્કૂલ અને 1 કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિત 10 બિલ્ડીંગને સીલ કરવામાં આવી છે. સિલિગ ઝુંબેશ અંતર્ગત કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે અલગ અલગ વિસ્તારમાં 30થી વધુ કોમ્પ્લેક્સની 500 જેટલી દુકાનો, 10થી વધુ હોટલ,12 જેટલી સ્કૂલને સીલ મારી દીધી છે. AMCએ ચાર દિવસમાં 1010 કોમર્શિયલ, હોટેલના 507 રૂમ, રસ્ટોરન્ટના 48 યુનિટ,23 સ્કૂલોના 383 રૂમ એક ઈન્ડસ્ટ્રીયલ થઈ કુલ 1952 યુનિટ સીલ કર્યા હતા.

ટ્યુશન ક્લાસને પણ સીલ વાગ્યું
ટ્યુશન ક્લાસને પણ સીલ વાગ્યું

રાણીપમાં મારૂતિ કોમ્પલેક્ષ સીલ
મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારી અને વહીવટદારોની મિલીભગતથી શહેરમાં આવેલી અનેક બિલ્ડીંગ બીયુ પરમિશન વગર ચાલતી હતી. જો કે ગુજરાત હાઇકોર્ટના કડક આદેશ થતા જ હવે કોર્પોરેશનને ના છૂટકે સિલિગ કરવાની ફરજ પડી છે. જેથી હવે મિલકતધારકો પૈસા આપ્યા અને સીલ પણ થતાં ભોગવવાનો વારો આવ્યો છે. બીયુ લેવા અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતાં હવે કડક કાર્યવાહી કરાઈ છે. આજે ગુરુવારે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે શહેરના વાડજ અને નવાવાડજ વિસ્તારમાં આવેલી 9 સ્કૂલ અને રાણીપ શાકમાર્કેટમાં આવેલું મારૂતિ કોમ્પ્લેક્સ સીલ કર્યું છે.

​​​​વસ્ત્રાલમાં 88 ઓફિસ અને દુકાનો સીલ
અગાઉ રાણીપ વિસ્તારમાં આવેલી ગાયત્રી સ્કૂલ, સાબરમતી જનપથ હોટલ, મોટેરા વિસ્તારમાં આવેલી મારૂતિનંદન કાઠિયાવાડી હોટલ સહિત 7 જગ્યાઓને સીલ કરી હતી. પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે વસ્ત્રાલમાં આવેલા ઓમ આર્કેડની 88 ઓફિસ અને દુકાનો સીલ કરી હતી. જ્યારે ઓઢવ વિસ્તારમાં આવેલા નિર્મિત સ્કવેર બિલ્ડીંગમાં 266 જેટલી દુકાનો ઓફિસ સીલ કરવામાં આવી હતી.

પાર્કિંગ-બીયુ વગર દોઢ વર્ષ પહેલાં સીલ થયેલું યુનિવર્સિટી પ્લાઝા ફરી સીલ
અનેક એવા પણ બિલ્ડિંગ છે જે આવી ઝુંબેશમાં સીલ થાય છે પરંતુ તે બાદ ફરીથી પાછલા બારણે તેના સીલ ખુલી જાય છે. તેમજ તેમણે સીલ ખોલતાં સમયે આપેલી બાંહેધરીનું શું થયું તે પૂછવાની પણ તસ્દી લેવામાં આવતી નથી. દોઢ વર્ષ પહેલા પાર્કિંગ-બીયુ મુદ્દે યુનિવર્સિટી પ્લાઝા સીલ થયું હતું જે ફરી સીલ કરાયું છે.

2014ના પરિપત્રમાં અધિકારી સામે પગલાં લેવાનો ઉલ્લેખ કરાયો હતો
મ્યુનિ. કમિશનરે 3 સપ્ટેમ્બર 2014ના પરિપત્રમાં સ્પષ્ટતા કરી હતી કે, ગેરકાયદે બાંધકામ તોડવાની જવાબદારી સંબંધિત ઝોનના ડે. કમિશનરની રહેશે. ગેરકાયદે બાંધકામના શરૂઆતમાં જ બાંધકામ તોડવાની નિષ્કાળજી દાખવનારા સામે ઝોનલ કક્ષાએ કડક પગલાં લેવાના રહેશે. જોકે અત્યાર સુધી કોઈ પગલાં લેવાયાં નથી.

શહેરમાં ગેરકાયદે બિલ્ડિંગોનું આખું જંગલ ઊભું થઈ ગયું છે
મ્યુનિ. અધિકારીઓ ગેરકાયદે બાંધકામો સામે આંખઆડા કાન કરે છે. શહેરમાં ગેરકાયદે અને બીયુ પરમિશન વગરના બિલ્ડિંગનું જંગલ છે. હાઇકોર્ટ સમક્ષ રજૂઆત થઈ છે કે, શહેરમાં 1000 જેટલા ઇજનેરો બીયુ પરમિશન વિનાની બિલ્ડિંગ શોધવા નિકળે તો પણ તે કામગીરી અશક્ય જણાઈ રહી છે.

માંડ બેઠા થતાં નાના વેપારી ફરી મુશ્કેલીમાં
કોરોના પછી માંડ બેઠા થતાં વેપાર-ધંધાને હવે સિલિંગ ઝુંબેશથી મોટો ફટકો પડી રહ્યો છે. ઓફિસો અને દુકાનો શરૂ થતાની સાથે જ સિલિંગ પણ શરૂ થતાં નાના વેપારીઓ અત્યંત કફોડી હાલતમાં મુકાઈ ગયા છે.

12 બિલ્ડિંગના 124 યુનિટ સીલ
મ્યુનિ.એ 31 મેથી શરૂ કરેલી સિલિંગ ઝુંબેશ હેઠળ શુક્રવારે વધુ 12 બિલ્ડિંગના 124 યુનિટ સીલ કરાયા હતા. સૌથી વધુ 54 યુનિટ પશ્ચિમ ઝોનના છે.

બિલ્ડીંગયુનિટ
બાઇટ એન્ડ નાઇટ ફૂડ પાર્ક, ભાડજ સર્કલ16
અમદાવાદ જુનિયર પ્રી-સ્કૂલ, સીમંધર સ્ટેટસ4
સુમન સ્કૂલ, નારણપુરા12
કોમ. શોપ, નારણપુરા8
નવસર્જન કોમ્પ્લેક્સ, નવાવાડજ34
હોક્કો ઇટરી, ખાડિયા1
સ્ટાર રેસ્ટોરાં, ખાડિયા1
ગ્યાન સાગર પ્રી-સ્કૂલ, ગોમતીપુર16
હારૂન એકેડેમી, ગોમતીપુર4
રેઇનબો ઇંગ્લિશ સ્કૂલ, નારોલ8
ઉન્નતી સ્કૂલ, હેવન ઇંગ્લિશ સ્કૂલ, નારોલ10
સન ઇંગ્લિશ સ્કૂલ અને ડીડી તોમર સ્કૂલ, નારોલ10

​​​​​​​ધોરણ 10-12નું પરિણામ તૈયાર કરવા સ્કૂલના સીલ ખોલવા માગ

અમદાવાદ વડોદરા, રાજકોટ, સુરત, જામનગરમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોય તેવી સ્કૂલોને મહાનગરપાલિકાએ સીલ કરી છે. અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે કે, ધો.10-12માં આપેલા માસ પ્રમોશનને કારણે વિદ્યાર્થીઓના રેકર્ડ સ્કૂલમાં હોવાથી પરિણામો તૈયાર કરવા સીલ ખોલવા જરૂરી છે. હાલમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોય તેવી બિલ્ડિંગોને કોર્પોરેશન સીલ કરી રહી છે. સીલ કરાયેલી બિલ્ડિંગોમાં ઘણી સ્કૂલોનો પણ સમાવેશ થાય છે. જેથી સંચાલકોએ સ્કૂલોને સીલ ન મારવા અને હાલમાં જે સ્કૂલોને સીલ માર્યા છે તે ખોલવા અરજી કરી છે. મંડળે સરકારને જણાવ્યું છે કે, મહાનગરોમાં આવેલી ઘણી સ્કૂલો બી.યુ પરમિશનનો કાયદો આવ્યો તે પહેલાની હોવાથી તેમની પાસે મંજૂરી નથી.