સ્કૂલે જવું મહત્ત્વનું કે બાળકોનું જીવન:કોરોનાની ત્રીજી લહેરનાં ડાકલાં વચ્ચે રાજ્યમાં 15 દિવસમાં 122 વિદ્યાર્થી સંક્રમિત છતાં ઓફલાઇન શિક્ષણનો દુરાગ્રહ

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 વર્ષથી નીચેનાનું વેક્સિનેશન ક્યારે શરૂ થશે એ નક્કી નથી, બાળકો સૌથી વધુ ભયજનક સ્થિતિમાં
  • મોટા ભાગના વિદ્યાર્થીઓને સ્કૂલમાં જ ઈન્ફેક્શન, સુરતમાં સૌથી વધુ 70 બાળકો સંક્રમિત થયાં

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનાં ડાકલાં વચ્ચે છેલ્લા 15 દિવસમાં જ સ્કૂલે જતા 122 વિદ્યાર્થી સંક્રમિત થઈ ચૂક્યા છે. દિવાળી પછી સ્કૂલોને ઓફલાઈન શરૂ કરવા સ્કૂલોના અને હવે ઓમિક્રોન કહેર વચ્ચે પણ ચાલુ રાખવા સરકારના દુરાગ્રહનું જ આ પરિણામ છે. વધુ જોખમી બાબત એ છે કે હજી પણ 15 વર્ષથી નીચેનાનું વેક્સિનેશન ક્યારે શરૂ થશે એ નક્કી જ નથી. જે વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે તેમાંથી મોટા ભાગનાને સ્કૂલમાં જ ઈન્ફેક્શન લાગ્યું છે. ત્યારે હવે સ્કૂલોને ફરી ઓનલાઈન કરવી પડે એવી સ્થિતિ છે. એમ છતાં શિક્ષણમંત્રી હજુ હાથ પર હાથ રાખીને બેસી રહ્યા છે અને આ મામલે કોઈ નિર્ણય લઈ શક્યા નથી.

અમદાવાદની સ્કૂલોમાં અત્યારસુધી 21 વિદ્યાર્થી સંક્રમિત
શહેરમાં બુધવારે ઉદગમ અને ઝેબર સ્કૂલમાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ગુરુવારે એક જ દિવસમાં 12 વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળ્યા હતા, જેમાં સી.એન. વિદ્યાલયમાં 1 અને સંત કબીર સ્કૂલમાં 2, ઉદગમ સ્કૂલમાં વધુ 1 તથા વેજલપુરની લોટસ સ્કૂલમાં 1, મહારાજા અગ્રસેન સ્કૂલમાં 3, DPS સ્કૂલમાં 1 વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગ્યો હતો. અમદાવાદની સ્કૂલોમાં 17 ડિસેમ્બરે 4 કેસ નોંધાયા, જે આંક 30 ડિસેમ્બરે 21 સુધી પહોંચી ગયો છે. આ સાથે જ સુરત, રાજકોટ તથા વડોદરા જેવાં શહેરોમાં પણ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સંક્રમિત આવ્યા છે.

અમદાવાદની સ્કૂલોમાં 30 ડિસેમ્બર સુધી આવેલા કેસ

નિરમા સ્કૂલ4
નવકાર સ્કૂલ1
ઉદગમ સ્કૂલ4
ટર્ફ સ્કૂલ1
સી એન વિદ્યાલય1
સંત કબીર સ્કૂલ2
ઝેબર સ્કૂલ1
સત્ત્વ વિકાસ સ્કૂલ1
લોટસ સ્કૂલ1
DPS સ્કૂલ1
મહારાજા અગ્રેસન4

રાજકોટની સ્કૂલોમાં પણ કોરોના

માત્ર અમદાવાદ જ નહીં, રાજ્યનાં અન્ય મહાનગરોની સ્કૂલોમાં પણ બાળકો સુધી કોરોનાનું સંક્રમણ ફેલાઈ ગયું છે. રાજકોટની સ્કૂલ 5 જેટલી સ્કૂલોમાં 7 કોરોના સંક્રમિત વિદ્યાર્થી મળી ચૂક્યા છે. જોકે હજુ પણ ઓફલાઈન શિક્ષણ ચાલુ હોવાથી આગામી દિવસોમાં આ કેસોમાં વધારો થવાની શક્યતાને નકારી ન શકાય. વિદ્યાર્થીઓને કોરોના થતાં વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

વડોદરામાં સ્કૂલ-કોલેજોમાં સંક્રમણ
સંસ્કારી નગરી વડોદરામાં ઓફલાઈન શિક્ષણ શરૂ થયા બાદ સ્કૂલોમાં કોરોનાનો પગપેસારો થઈ ગયો છે. વડોદરાની શાળા-કોલેજોમાં 4 વિદ્યાર્થી-વિદ્યાર્થિની અત્યારસુધીમાં કોરોના સંક્રમિત થઈ ચૂક્યાં છે, જેમાં નવરચના સ્કૂલમાં ધો-8નો એક વિદ્યાર્થી, શૈશવ સ્કૂલમાં ધો-12નો એક વિદ્યાર્થી, સિગ્નસ સ્કૂલનો ધો-6નો એક વિદ્યાર્થી તથા એમ.એસ.યુનિ.માં સોશિયલ વર્ક ફેકલ્ટીમાં એક વિદ્યાર્થિની પોઝિટિવ આવી છે.

સુરતમાં સૌથી વધુ 70 બાળક સંક્રમિત.
સુરતમાં સૌથી વધુ 70 બાળક સંક્રમિત.

સુરતમાં સૌથી વધુ બાળકો સંક્રમિત
સુરતની સ્કૂલોમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ ફેલાયું છે. અહીંની સ્કૂલોમાં જનારા અત્યારસુધીમાં 70 જેટલા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ કોરોનાથી સંક્રમિત મળ્યાં છે. કોરોનાની બીજી લહેર વખતે પણ સુરતમાં સંક્રમણ ખૂબ વધારે ફેલાયું હતું, જેમાં હોસ્પિટલોમાં બેડ તથા દવાઓ ખૂટી જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. એવામાં હવે સુરતની સ્કૂલોમાં સંક્રમણ વાલીઓ પણ સંતાનોને લઈને ચિંતિત છે.

અન્ય જિલ્લાઓમાં પણ બાળકો સંક્રમિત
રાજ્યનાં મોટાં શહેરો ઉપરાંત નાનાં શહેરોમાં પણ સ્કૂલોમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. વલસાડ, ભુજ, ગાંધીનગર, ભરૂચ સહિતનાં શહેરોમાં અત્યારસુધીમાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળ્યા છે. વલસાડમાં 7, ભુજમાં 1, ગાંધીનગરમાં 10 અને ભરૂચની સ્કૂલોમાં 2 કેસ આવ્યા છે.

ઓફલાઈન સ્કૂલ બંધ કરવા અંગે શિક્ષણમંત્રીની તૈયારી નથી.
ઓફલાઈન સ્કૂલ બંધ કરવા અંગે શિક્ષણમંત્રીની તૈયારી નથી.

ઓફલાઈન શિક્ષણ બંધ કરવાની હજુ કોઈ વિચારણા નહીં
બાળકો સંક્રમિત થતાં વાલીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. પરિણામે, વાલીઓની સ્થિતિ કપરી બની છે. આ સંજોગોમાં સંચાલકો અને સરકાર શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી ફરી ઓનલાઈન ચાલુ કરવાને બદલે વાલીઓના ભરોસે શાળાઓ ચલાવતા હોય એવું દેખાઈ રહ્યું છે. રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ રાજકોટના પ્રવાસ દરમિયાન દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 'શાળામાં વાલીઓએ સહમતીપત્ર આપ્યા જ છે અને હવે ફરીથી સંમતિપત્ર લેવામાં આવશે'.

સ્કૂલોમાં કોરોનાનો પ્રવેશ થયો છે
આ ઉપરાંત દિવ્ય ભાસ્કરે પૂછ્યું હતું કે રાજકોટની સ્કૂલોમાં કોરોનાનો પ્રવેશ થયો છે તો હવે સ્કૂલ બંધ કરશો કે નહિ, આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે શાળામાં વાલીઓએ સહમતીપત્ર આપ્યા જ છે અને ફરીથી સંમતિપત્ર લેવામાં આવશે, એવું જણાવ્યું હતું. જિતુ વાઘાણીના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક સમયથી શાળાનાં બાળકો કોરોના સંક્રમિત થવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈ શાળાઓમાં કોવિડ ગાઇડલાઈન્સનું ચુસ્ત પાલન કરવાના આદેશો અપાયા છે તેમ જ જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા આ મામલે ખાનગી શાળાઓમાં ચેકિંગ ડ્રાઈવ યોજવા જણાવાયું છે.