દેશમાં પ્રાચીનકાળથી મૂર્તિ, ભવન, મિનારો અને નકશી કામ સોમપુરા સમાજ દ્વારા કરાઈ રહ્યું છે, પરંતુ હવે સમાજના યુવાનો શિક્ષિત થવાની સાથે નોકરી-ધંધા તરફ વળી રહ્યા છે, જેના પગલે તેમની આ પ્રાચીન મૂર્તિકળા ધીમે-ધીમે લુપ્ત થઈ રહી છે. આ લુપ્ત થતી મૂર્તિકળાને બચાવવા સોમપુરા ફાઉન્ડેશન દ્વારા સમાજના યુવાનોને મૂર્તિકળાની તાલીમ આપવાની કામગીરી શરૂ કરાઈ છે.
આ અભિયાનના ભાગરૂપે ફાઉન્ડેશન આગામી 2 વર્ષમાં 120 જેટલા યુવાનોને મૂર્તિકળાની ટ્રેનિંગ આપશે. સોમપુરા ફાઉન્ડેશનના ટ્રસ્ટી મનોજ સોમપુરાએ જણાવ્યું કે, હાલમાં સોમપુરા સમાજના 200 જેટલા મૂર્તિકરો રાજ્યમાં વિવિધ જગ્યા પર કામ કરી રહ્યા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ, વઢવાણ અને ધ્રાંગધ્રામાં કામ કરી રહ્યા છે.
ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે નવા મૂર્તિકારોને ખજૂરાની પોળ, મોઢેરા સૂર્યમંદિર, દેલવાડાના દેરાં જેવી પ્રસિદ્ધ જગ્યાએ લઈ જવામાં આવે છે, જ્યાં તેમને આ કાર્યની તાલીમ આપવામાં આવે છે. આગામી સમયમાં પણ દેશ-વિદેશમાં અનેક મંદિરોનું નિર્માણ થવાનું છે, ત્યારે નવા મૂર્તિકારોની સાથે અનેક યુવાનોને રોજગારી પણ મળી રહેશે.
યુવાનોને નવી ટેક્નોલોજીથી તાલીમ અપાશે
રાજેશ સોમપુરાએ જણાવ્યું, આજે ઝડપથી બદલાતા વિશ્વમાં પ્રાચીન કળા-કારીગરી સાથે નવી ટેક્નોલોજીને સાંકળવી અત્યંત જરૂરી છે. સમાજની યુવાપેઢીને સોમપુરા સમુદાય દ્વારા વર્ષોથી કરાયેલી કામગીરીથી અવગત કરાવવા અમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત યુવાનોને નિષ્ણાતોના માર્ગદર્શન, નવીન ટેક્નોલોજી, ઇનોવેશન તથા માહિતીસભર પુસ્તકોની સુવિધા પૂરી પાડવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.