બોટાદ લઠ્ઠાકાંડ:12 દર્દીઓને અમદાવાદ સિવિલમાં ઇમરજન્સી ICUમાં રાખવામાં આવ્યા, કોંગ્રેસના નેતાઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
12 દર્દીઓ સ્ટેબલ થાય પછી પોલીસ નિવેદન લેશે - Divya Bhaskar
12 દર્દીઓ સ્ટેબલ થાય પછી પોલીસ નિવેદન લેશે

બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી 24 લોકોનાં મોત થયા છે. 30 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. જેમા અમુકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતને સ્તબ્ધ કરનાર આ ઘટના સોમવારે બની હતી. લઠ્ઠાકાંડના જયેશ નામના મુખ્ય આરોપીની પીપળજથી ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ 600 લીટર કેમિકલ પૂરું પાડ્યું હતું. AMOS કેમિકલ કંપનીમાંથી મેથિનોલ લવાયુ હતુ. ATS,ક્રાઈમ બ્રાંચની ટીમ કંપની સુધી પહોંચી છે. આજે 12 જેટલા દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યાં છે.

ડાયાલિસિસ સહિતની ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે
અમદાવાદ સિવિલના તબીબો દ્વારા તેમને ડાયાલિસિસ સહિતની ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. તેમની તબિયત સ્ટેબલ થયા બાદ પોલીસ દ્વારા તેમનું નિવેદન લેવામાં આવશે. હાલ તેમને ઇમરજન્સી ICUમાં રાખવામાં આવ્યા છે. બીજી તરફ અન્ય કેટલાક દર્દીને પણ થોડા સમયમાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે.આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું હતું કે ગઈ કાલ રાત્રે 11 વાગેથી સવારે 6 વાગે સુધીમાં 12 લોકોને અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે.

કોંગ્રેસના નેતાઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
કોંગ્રેસના નેતાઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનો આક્ષેપ
કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, પોલીસ તંત્ર અને ભાજપ સરકારે આ લઠ્ઠાકાંડને દબાવી રાખ્યો છે.પોલીસ અને ભાજપના લોકો દારૂના ધંધામાં 30 ટકાના ભાગીદાર છે. આ મારો આક્ષેપ નથી ગૃહમંત્રી મારી સાથે આવે તો સાબિત કરી શકું છું કે ગુજરાતમાં કન્ટેનરમાં દારૂ આવે છે.કન્ટેનર આવે ત્યારે 100 ગાડીઓ તેનું કટિંગ કરીને લઈ જાય છે.દારૂનું કટિંગ થાય ત્યારે કોણ હોલસેલર બનશે તેની સિન્ડિકેટ ગુજરાતમાં ચાલે છે. પોલીસ 30 ટકા, ભાજપના લોકો 30 ટકા અને બાકી બુટલેગર એમ ત્રણ લોકોની ભાગીદારીથી ગુજરાતમાં દારૂ વેચાય છે.

કોંગ્રેસના નેતાઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલા દર્દીઓને મળવા અમદાવાદના કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલ, ઇમરાન ખેડાવાલા, નીરવ બક્ષી અને શહેઝાદખાન પઠાણ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયાં છે. હિંમતસિંહ પટેલે કહ્યું હતું કે, સરપંચે કરેલ રજુઆત ગંભીરતાથી ના લેવામાં આવે. પોલીસ વિભાગ હપ્તા લે છે અને ઉપર સુધી પહોંચાડે છે.ACB એ જે કામ કરવું જોઈએ તે થતું જ નથી. સરકારના કારણે આજે નિર્દોષ લોકોના મોત થયા છે. કોરોનામાં ડ્રોન ઉડાવીને લોકોને પકડતા હતા અને અત્યારે બુટલેગર પકડવા ખોટા પ્રયત્ન કરે છે. રાજ્યમાં ડ્રગ્સ પણ મોટા પ્રમાણમાં આવી રહ્યું છે જેના મૂળિયા સુધી હજી સરકાર પહોંચી શકી નથી. જવાબદાર અધિકારી સામે પગલાં લેવા જોઈએ અને ગૃહમંત્રીએ જવાબદારી સ્વીકારી રાજીનામુ આપવું જોઈએ.

દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરાઈ
દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરાઈ

સિવિલનો સ્ટાફ સતત મોનિટરીંગ કરી રહ્યો છે
દહેગામની આસપાસના ખરાડી, અણિયાળી અને ઉચળ ગામના દર્દીઓને સિવિલમાં લાવવામાં આવ્યા છે. 6 દર્દીઓની તબિયત હાલ સ્ટેબલ છે. 30 વર્ષની ઉંમરના 2 દર્દી, 40 વર્ષની ઉંમરના 5 દર્દી અને 5 દર્દી 50 વર્ષની ઉંમરનાં છે. કેટલાક દર્દીઓને આંખે અંધારા આવવા તો કેટલાક દર્દીઓને વોમિટની સમસ્યા થઈ રહી હતી. હાલ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ તેમનું સતત મોનીટરીંગ કરી રહ્યો છે.હાલ 6 લોકોને ડાયાલીસીસની જરૂર છે જેમની સારવાર કરવામાં આવી રહી છે.

એકસાથે 5-5 મૃતદેહની અંતિમયાત્રા નીકળી
લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે જેમા રોજિદ ગામમાં મોતનો આંકડો 9 એ પહોંચ્યો છે. વહેલી સવારથી રોજિદ ગામમાં મૃતકોના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે. ગામમાં એકસાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળી છે. ગામના સ્મશાનમાં માત્ર બે જ ચિતા હોવાથી કેટલાકની અંતિમ વિધિ જમીન પર કરવામાં આવી રહી છે. બીજીતરફ અંતિમયાત્રા સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયું છે. હાલમાં ગામમાં માત્ર મૃતકોના પરિવાર જ નહિ પણ ગામ લોકોમાં પણ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે.

એકસાથે 5-5 મૃતદેહની અંતિમયાત્રા નીકળી
એકસાથે 5-5 મૃતદેહની અંતિમયાત્રા નીકળી

ઘટનાને પગલે SITની રચના કરવામાં આવી
આ બનાવને પગલે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DySPની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે. FSLને પણ દારૂની અસર થયેલા લોકોના તેમજ મૃતકોના સેમ્પલ આપવામાં આવ્યા છે જે બાદ જ મૃત્યુનું સાચુ કારણ આધિકારિક રીતે બહાર આવી શકે છે.