કોરોના કાબૂ બહાર:સિવિલમાં કોરોનાના 25 દર્દીમાંથી 12 ઓક્સિજન-બાયપેપ પર, ખાનગીમાં 9 દર્દી આઈસીયુમાં સારવાર હેઠળ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશ્ચિમમાં કોરોના પોઝિટિવ દર્દીઓનું પ્રમાણ વધતાં શહેરમાં 24 કલાકમાં કેસ 34 ટકા વધીને 3843 થયાં
  • સિવિલમાં ડોક્ટર્સ, સ્ટાફ મળીને કુલ 35 લોકો સંક્રમિત

શહેરમાં બુધવારે એક જ દિવસમાં કોરોનાના કેસો 34 ટકા વધીને 3843 થયા હતા. જ્યારે બે દિવસની તુલનાએ કેસ બમણાં કરતાં પણ વધી ગયા છે. શહેરના પશ્ચિમી વિસ્તારોમાં કેસ અચાનક વધીને 60 ટકાથી વધુ નોંધાયા હતા. બુધવારે કોરોનાના આવેલા 3843 કેસોની સામે 1637 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ અપાયા હતા. જ્યારે કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી. શહેરમાં બુધવારે મંગળવાર કરતાં 982 જેટલા વધુ કેસ આવ્યા છે. શહેરમાં બુધવારે 20 હજાર કરતાં વધારે ટેસ્ટ કરાયા હતા, જેમાંથી 3843 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે, એટલે કે દર 5મી વ્યક્તિ કોરોના પોઝિટિવ આવી રહી છે. શહેરમાં કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવવાની ટકાવારી 19 ટકા પર આવી ગઈ છે.

સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 25 દર્દી દાખલ છે, જેમાંથી 13 દર્દીની સ્થિતિ સ્થિર છે. જ્યારે 12 દર્દી ઓક્સિજન અને બાયપેપ પર સારવાર હેઠળ છે. જ્યારે હોસ્પિટલમાં ફરજ બજાવતાં વર્ગ-1થી 4ના કર્મચારીઓમાં ડોક્ટર્સ અને સ્ટાફ મળી 35 લોકો સંક્રમિત થયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં નવું કોઈ દર્દી દાખલ થયું ન હોવાથી હાલમાં પાંચ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં સૌથી વધુ 94 દર્દી આઇસોલેશન પર તેમ જ 9 દર્દી આઈસીયુમાં સારવાર હેઠળ છે. જ્યારે 25 દર્દી એચડીયુમાં તેમ જ 1 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ હોવાનું અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન્સના આંકડા પરથી જાણવા મળ્યું છે. જ્યારે એસવીપીમાં કોરોનાના 50 દર્દી દાખલ છે.

સિવિલના સુપરિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું કે, કોરોનાના 12 દર્દીમાં 5 લિટરથી ઓછા ઓક્સિજન પર હોય તેવાં 6 દર્દી, 7થી 8 લિટર ઓક્સિજન પર હોય તેવા 3 તેમ જ 3 દર્દી બાયપેપ પર છે. 8 દિવસ પહેલાં હોસ્પિટલમાં દાખલ કરાયેલી થાઈલેન્ડની મહિલાના બે રિપોર્ટ નેગેટિવ આવતાંં રજા અપાઈ છે. જ્યારે દર્દીની સારવાર કરતાં ડોક્ટર્સ, સ્ટાફ મળી કુલ 35ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે સોલા સિવિલમાં હાલમાં 5 દર્દી સારવાર હેઠળ છે, જેમાંથી હોસ્પિટલની એક લેબ આસિસ્ટન્ટ પોઝિટિવ આવતાં તેને દાખલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...