કોંગ્રેસની કડક કાર્યવાહી:પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે તોડફોડ કરનાર NSUI અને યુથ કોંગ્રેસના 12 કાર્યકરો સસ્પેન્ડ, યુવા નેતાઓમાં રોષ

અમદાવાદ3 મહિનો પહેલા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં એક બાદ એક વિવાદ વધી રહ્યા છે, થોડા દિવસ અગાઉ ટિકિટની વહેંચણી બાબતે NSUI અને યુથ કોંગ્રેસના આગેવાનોએ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી વિરુદ્ધ આક્ષેપ કરીને કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી હતી. જે મામલે 12 કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કાર્યકરોને સસ્પેન્ડ કરાતા યુવાન નેતાઓમાં વધુ રોષ ફેલાયો છે. જે બેઠક માટે આ નેતાઓ માંગણી કરી રહ્યા હતા, ત્યાં અન્ય ઉમેદવારને ફાળવણી કરતા હવે કોંગ્રેસના જ ઉમેદવારનો યુવા નેતા વિરોધ કરશે.

નારાજ કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયે તોડફોડ કરી હતી
કોંગ્રેસમાં ઉમેદવારોના નામ જાહેર થતાં જ અનેક ઉમેદવારો તથા આગેવાનોએ બળવો કરીને પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું, ત્યારે અમદાવાદમાં પણ ઉમેદવારોના નામ જાહેર થયા તે અગાઉ જમાલપુર અને ધંધુકા બેઠક પર યુવા નેતાને ટિકિટ આપવા કોંગ્રેસના યુવા કાર્યકરોએ માંગણી કરી હતી. યુવા નેતાઓએ કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરી હતી અને પૈસાથી ભરતસિંહ સોલંકીએ ટિકિટ આપી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે કોંગ્રેસે તોડફોડ કરનાર કાર્યકરો સામે પગલાં લીધા છે.

શિસ્ત સમિતિએ 12 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા
પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની સૂચનાથી 12 કાર્યકરોને શિસ્ત સમિતિના ચેરમેન બાલુ પટેલે સસ્પેન્ડ કર્યા છે. સંજય સોલંકી, નારાયણ ભરવાડ, સફફન રાધનપુરી, ધવલ સોલંકી, અતિક સૈયદ, મુજ્જફર શેખ, ઉવેશ કુરેશી, અફઝલખાન, અસરાર સૈયદ, તોસીત મકવાણા, અક્ષય વાઘેલા અને શંકર પ્રજાપતિને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુવા કાર્યકરોને સસ્પેન્સ કરતા કોંગ્રેસમાં વધુ વિવાદ ઉભો થયો છે.

શાહનવાઝ જૂથે ટિકિટ મુદ્દે વિરોધ કર્યો હતો
ઇમરાન ખેડાવાલાની ટિકિટ જાહેર થતાં જ યુવા કાર્યકરોએ યુવા નેતા શાહનવાઝ માટે જ વિરોધ કર્યો હતો. પક્ષે યુવા કાર્યકરોની માંગ પુરી ના કરી ઇમરાન ખેડાવાલાને ટિકિટ ના આપી તે મામલે યુવા કાર્યકરો રોષે ભરાયેલા હતા. પરંતું હવે 12 કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવતા કાર્યકરોમાં રોષ વધ્યો છે. અન્ય યુવા કાર્યકરોએ પણ પોતાના રાજીનામાં આપવાના શરૂ કર્યા છે. 12 લોકોને સસ્પેન્ડ કરતા રાહીલ શિરમાન અને કૃણાલસિંહ જેતાવતે NSUIમાંથી રાજીનામુ આપ્યું છે. હજુ અનેક લોકો રાજીનામું આપવાના છે.

શાહનવાઝ જૂથ ખેડાવાલાનો વિરોધ કરતું હતું
જમાલપુર ખાડીયા વિધાનસભા બેઠક પરથી ઇમરાન ખેડાવાલાને કાપીને શાહનવાઝ શેખને ટિકિટ આપવા NSUI અને યુથ કોંગ્રેસના આગેવાનો માંગણી કરી રહ્યા હતા. શાહનવાઝને ટિકિટ ના અપાય તો અન્ય ઉમેદવારના વિરોધમાં પ્રચાર કરવા સુધીની યુવા કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી હતી. તોડફોડ બાદ સસ્પેન્ડ કરવામાં આવેલા કાર્યકરો તથા શાહનવાઝના સમર્થકો જમાલપુર-ખાડીયા વિધાનસભામાં ઇમરાન ખેડાવાલાના વિરોધમાં જ પ્રચાર પણ કરી રહ્યા છે. ઇમરાન ખેડવાલાના જીતી ના શકે તે માટે હવે યુવા કાર્યકરો પ્રયત્ન કરી રહ્યા છે.

સસ્પેન્ડ નેતાએ કહ્યું- અમે પક્ષ નહીં વ્યક્તિનો વિરોધ કર્યો
NSUIના નેતા નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે, NSUI અને યુથ કોંગ્રેસના અનેક કાર્યકરોએ પક્ષ માટે આંદોલન કર્યા છે, જેમાં કેસ પણ થયા છે અને હજુ મુદ્દત ભરી રહ્યા છે. પક્ષ વિરોધી નહીં પરંતુ વ્યક્તિનો વિરોધ કોંગ્રેસ કાર્યાલય પર કરવામાં આવ્યો હતો. આ રીતે યુવાઓ કોંગ્રેસમાં ના જોડી શકાય. અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે ખોટું છે.

અન્ય સમાચારો પણ છે...