ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા ગઈકાલે 9 નવેમ્બરના રોજ પુરી થઈ ગઈ છે. લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓ આવી છે. જેમાં 9.46 લાખ અરજીઓ કન્ફર્મ થઈ છે. 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાઓની અરજીઓ કન્ફર્મ થઈ છે. છેલ્લા દિવસે કુલ 86,188 જેટલી અરજીઓ આવી હોવાનું હસમુખ પટેલે ટ્વિટ દ્વારા જણાવ્યું હતું. ફી સ્વીકારવાની છેલ્લી તારીખ 12 નવેમ્બર છે. ઉમેદવારોને છેલ્લી તારીખ સુધી રાહ ન જોતા આજે જ ફી ભરી લેવા તેઓએ જણાવ્યું હતું.
અરજી કરવાની તારીખ લંબાવવા માગ ઉઠી
લોકરક્ષક દળની ભરતીના ચેરમેન હસમુખ પટેલ દ્વારા અરજી મામલે ટ્વિટ બાદ છેલ્લા બે દિવસમાં હજારો યુવાનો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવામાં આવતા વેબસાઈટનું સર્વર ડાઉન થયું હતું. વેબસાઈટ પર સર્વર ડાઉનના કારણે કેટલાક યુવાનો અરજીઓ કરી ન શકતાં તેઓએ અરજી કરવા તારીખ લંબાવવાની સોશિયલ મીડિયામાં માગ કરી છે.
LRDની ભરતીનું ટાઈમ-ટેબલ | તારીખ |
કોલ લેટર ઇસ્યુ થવાની તારીખ | 20 નવેમ્બર |
શારીરિક પરીક્ષા | 1થી 10 ડિસેમ્બર |
લેખિત પરીક્ષા | માર્ચનું પહેલું અઠવાડિયું |
(આ પરીક્ષાની તારીખનું સંભવિત ટાઈમ ટેબલ છે)
સર્વરમાં પ્રોબ્લમ થતાં અનેક યુવાઓ અરજી કરી શક્યા નહીં
ગઈકાલે 9 નવેમ્બર છેલ્લી તારીખ હોવાના કારણે અનેક યુવાનો અરજીઓ કરવા વેબસાઈટ પર વધુ લોડ આવતા સર્વરમાં પ્રોબ્લેમ આવ્યો હતો. સર્વરમાં લોડ પડતા યુવાનો અરજી કરી શકતા ન હતા. જોકે, વધુમાં વધુ યુવાનો અરજીઓ કરે અને પોલીસમાં જોડાય તેના માટે વધુ ત્રણ સર્વરનો ઉમેરો તાત્કાલિક કરવામાં આવ્યો હતો. હસમુખ પટેલે આ મામલે રાતે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, સર્વરની ઝડપ વધારવા માટે વધુ ત્રણ સર્વરનો ઉમેરો કરવામાં આવ્યો છે. છેલ્લા દિવસે 86 હજારથી વધુ યુવાનોએ અરજી કરી હતી.
12 લાખ જેટલી અરજીઓ આવી છે
લોકરક્ષક દળની ભરતીમાં 12 લાખ જેટલી અરજીઓ આવી છે અને હજી હજારો યુવાનો અરજીઓ કરવામાં માગે છે. મંગળવારે તારીખ પુરી થઈ ગયા બાદ હજી પણ અરજીઓ કરવા માટે સોશિયલ મીડિયામાં યુવાનો અરજીની તારીખ લંબાવવાની માગ કરી છે. બેથી ત્રણ દિવસ સર્વર ધીમું ચાલતા અને પ્રોબ્લેમ આવતા કેટલાક યુવાનોને અરજી થઇ શકી ન હોવાથી તેઓએ હસમુખ પટેલને ટ્વિટ કરીને માગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.