AMC સામાન્ય સભા:અમદાવાદમાં ટ્રી પ્લાન્ટેશન પાછળ 4 વર્ષમાં સાડા 12 કરોડનો ખર્ચ કરાયો છતાં 40 ટકા નિષ્ફળ ગયું: કોંગ્રેસ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સામાન્ય સભામાં વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે સવાલ ઉઠાવ્યા - Divya Bhaskar
સામાન્ય સભામાં વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે સવાલ ઉઠાવ્યા
  • ક્યારેક એર ક્વોલિટી ઇન્ડેક્ષ 300થી વધુ, અમદાવાદ હવે દિલ્હી અને મુંબઈની જેમ પ્રદુષણયુક્ત બની રહ્યું છે: વિપક્ષ નેતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વૃક્ષો વાવવામાં તો આવે છે, પરંતુ તેનો કોઇ પણ પ્રકારનું જતન કરવામાં આવતું નથી. જેના કારણે વૃક્ષો ઓછા થઈ રહ્યા છે. છેલ્લા ચાર વર્ષમાં 15 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેની પાછળ રૂ. 12.50 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ 40 ટકા વૃક્ષો નિષ્ફળ ગયા છે. તેવો આક્ષેપ સામાન્ય સભામાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.

શહેરમાં ગ્રીન કવર અને પ્લાન્ટેશનનું કોઈપણ પ્રકારનું અમલીકરણ કરાતું નથી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામાં વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા શહેરમાં પ્રદૂષણને લઈને સવાલ ઉભા કર્યા હતા. તેઓએ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપના શાસક ઉપર આક્ષેપ કર્યા હતા કે, તેઓ પોલ્યુશન ફ્રી સિટીની વાત કરે છે પરંતુ શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્ષ સતત વધી રહ્યો છે. ક્યારેક એર ક્વોલિટી ઇન્ડેક્ષ 300થી વધુ હોય છે અને હવે અમદાવાદ શહેર દિલ્હી અને મુંબઈની જેમ પ્રદુષણયુક્ત શહેર થઈ રહ્યું છે. શહેરમાં ગ્રીન કવર અને પ્લાન્ટેશનની વાત કરવામાં આવે છે પરંતુ તેમાં કોઈપણ પ્રકારનો અમલીકરણ કરવામાં આવતું નથી.

કેન્દ્ર સરકારનું ક્લીન એર પ્રોગ્રામનું બજેટ વણવપરાયું
ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત રૂ.182 કરોડનું કેન્દ્ર સરકારનું બજેટ મળ્યું છે, પરંતુ તેમાં એક પણ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો નથી. શહેરમાં પોલ્યુશન ઓછું કરવા માટે ICLEI તે સંસ્થાની મહિના પહેલા જ નિમણૂક કરવામાં આવી છે અને એક કરોડથી વધુની તેમને ચૂકવવામાં આવશે. રાજ્યના સુરત રાજકોટ જેવા શહેરો દ્વારા એર પોલ્યુશન ઓછું કરવા માટે એજન્સીની નિમણૂક કરવામાં આવી છે પરંતુ અમદાવાદ શહેર દ્વારા કોઈપણ પ્રકારની નિમણૂક કરવામાં આવી નથી.

પાણીના નિકાલ માટે ગટર લાઈન નાખવામાં તંત્ર નિષ્ફળ હોવાનો આક્ષેપ
શહેરમાં પાણીના નિકાલ માટે ગટર લાઈન નાખવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર નિષ્ફળ રહ્યું હોવાના પણ આક્ષેપ કર્યા હતા. શહેરમાં એક ઇંચ વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જાય છે. શહેરના નવા પશ્ચિમ ઝોન વિસ્તારમાં એક માત્ર જોધપુર વોર્ડમાં સ્ટોર્મ લાઇન નાખવામાં આવી છે. બાકી અન્ય કોઈ જગ્યાએ સ્ટોર્મ લાઇન નાખવામાં આવી નથી. શહેરમાં 32 જેટલા પમ્પીંગ સ્ટેશનો બનાવ્યા છે, જેમાં પશ્ચિમ વિસ્તારમાં માત્ર બે જ પંપીંગ સ્ટેશન છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં 30 પંપીંગ સ્ટેશન પૂર્વ વિસ્તારમાં આવેલા છે અને જેમાં 27 ખારીકટ કેનાલની નજીક છે. શહેરમાં આવેલા તળાવો ભરવા વિશે પણ તેઓએ જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને શહેરમાં કેટલાક તળાવ છે તેની જાણ નથી અને અમારી માહિતી મુજબ 142 જેટલા તળાવો શહેરમાં છે, જેમાં મલાવ તળાવ, પાંચા તળાવ, અસારવા અને નિકોલ જેવા મોટા ભાગના તળાવો ખાલી છે, જેથી આ તળાવોને તાત્કાલિક ભરવામાં આવે કેટલાક તળાવ તો કાગળ ઉપરથી નીકળી ગયા છે. જ્યાં ગેરકાયદેસર દબાણ અને ઝૂંપડપટ્ટીઓ ઊભી થઈ ગઈ છે જેથી આવા તળાવો અને શોધી અને તેને ભરવામાં આવે.

આયુષ્યમાન કાર્ડની યોજના વિશે સવાલ
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અને દરિયાપુરના કાઉન્સિલર નીરવ બક્ષીએ આયુષ્યમાન કાર્ડની યોજના વિશે સવાલ ઉભા કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આયુષ્યમાન કાર્ડની યોજનાનો દરેક હોસ્પિટલમાં લાભ મળે તે રીતે આયોજન કરવું જરૂરી છે. અત્યારે હાલમાં દરેક જગ્યાએ આ યોજનાનો લાભ મળતો નથી. ઉપરાંત તે વી.એસ. હોસ્પિટલનું ટેન્ડર થઈ ગયું છે, પરંતુ તેનું કામ શરૂ થયું નથી. જેથી આ કામ ઝડપથી શરૂ કરવામાં આવે તેવી પણ માગણી કરી હતી. સરસપુર વિસ્તારમાં આવેલા ડૉ બાબાસાહેબ આંબેડકર હોલનું નવીનીકરણ પણ ઝડપથી કરવામાં આવે તેવી માગણી કરી હતી. 24 માર્ચ સુધીમાં આ નવીનીકરણનું કામકાજ શરૂ કરવાનું હતું પરંતુ હજી સુધી કર્યું નથી.

સરદાર પટેલનું અપમાન થયું હોવાનો આક્ષેપ
બીજી તરફ અમદાવાદમાં આઇપીએલ મેચ યોજાઈ છે. ગુજરાત ટાઈટન્સની ટીમને અભિનંદન આપતા અને સરદાર વલ્લભભાઈ પટેલના ફોટા સાથેના તેમના નામ સાથેના હોર્ડિંગ જે ગુજરાત કોંગ્રેસ દ્વારા મોટેરા સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા. તેને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા દૂર કરી દેવામાં આવતા તેઓએ સરદાર પટેલનું અપમાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સરદાર પટેલના ફોટાવાળા હોર્ડિંગ અને ત્યાંથી દૂર કરી અને તેને ગાડીમાં ગમે તે રીતે નાખી દેવા આ રીતે સરદાર પટેલનું અપમાન થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. જેની સામે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ એ જવાબ આપતા કહ્યું હતું કે સરદાર પટેલને સૌથી વધારે સન્માન અમે આપ્યું છે અને ભારત રતન પણ તેઓને આપ્યું હતું.

શહેરમાં 350 MLD પાણીનો વપરાશ વધાર્યો
આજે મળેલી સામાન્ય સભામાં ભાજપના ઘાટલોડિયાના કાઉન્સિલર જતીન પટેલે શહેરમાં સ્ટ્રોમ વોટરલાઇન અને પાણી બાબતે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે છે. વર્ષ 2017માં 65 લાખની વસતી હતી અને આજે 72 થી 75 લાખ વસ્તી છે. આજે 1550 MLD પાણી દરરોજ આપવામાં આવે છે. આજે 240 જેટલી ટાંકીઓ શહેરમાં બનાવવામાં આવી છે અને 350 MLD પાણીનો વપરાશ વધાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...