ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં ચાલી રહેલા પ્રશ્ન પ્રત્યુત્તરના ગાળામાં ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બિલમાં અપાતી સબસીડી અંગેના પ્રશ્નનો ઉત્તર આપતા ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજબીલમાં સંતોષકારક સબસીડી આપવામાં આવી રહી છે. તેમજ મંત્રીએ જામગર, સુરત અને કચ્છમાં ચૂકવવામાં આવેલી સબસીડી અંગે માહિતી આપી હતી. ત્યારે જળ સંપત્તિ રાજ્ય મંત્રીએ સૌની યોજના અન્વયે પાઈપ લાઈનની કામગીરીના પ્રશ્નનો પ્રત્યુત્તર આપ્યો હતો. સાથે જ તેમણે આ યોજના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ માટે આશીર્વાદરૂપ હોવાનું જણાવ્યું હતું.
3 જિલ્લામાં ખેતીવાડી વીજ ગ્રાહકોને સબસીડી ચૂકવાઈ
વિધાનસભા ગૃહમાં ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બિલમાં અપાતી સબસીડી સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું હતું કે, આ સરકાર દ્વારા રાજ્યના ખેતીવાડી ગ્રાહકોને વીજબીલમાં સંતોષકારક સબસીડી આપવામાં આવી રહી છે. રાજ્યના ત્રણ જિલ્લાઓ જામનગર, સુરત અને કચ્છના 4,57,329 ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂપિયા 1762.80 કરોડની સબસીડી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે.
જામનગરમાં 203.90 કરોડની સબસીડી ચૂકવાઈ
જામનગર જિલ્લાના ખેતીવાડી વીજ ગ્રાહકોને અપાયેલી સબસીડી અંગે માહિતી આપતા મંત્રીએ ઉમેર્યું કે, તા.31મી ડિસેમ્બર 2022ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લામાં બે વર્ષમાં કુલ 2,17,598 ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂપિયા 376.45 કરોડની સબસીડી આપવામાં આવી છે. જેમાં વર્ષ 2021માં કુલ 1,07,753 ખેતીવાડી વીજ ગ્રાહકોને અને વર્ષ 2022માં કુલ 1,09,845 ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજબીલમાં સબસીડી આપવામાં આવી છે. જે અંતર્ગત વર્ષ 2021માં રૂપિયા 172.55 કરોડ અને વર્ષ 2022માં રૂપિયા 203.90 કરોડની સબસીડી આપવામાં આવી છે.
સુરત અને કચ્છમાં પણ અપાયેલી સબસીડી અંગે માહિતી આપી
મંત્રીએ સુરત જિલ્લામાં અપાયેલી સબસીડીની વિગતો આપતા વધુમાં જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાં બે વર્ષમાં 1,14,790 ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂપિયા 190.57 કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે. જેમાં વર્ષ 2021માં કુલ 56,926 ખેતીવાડી વીજ ગ્રાહકોને અને વર્ષ 2022માં કુલ 57,864 ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજબીલમાં સબસીડી આપવામાં આવી છે. જે અંતર્ગત વર્ષ 2021માં રૂપિયા 85.97 કરોડ અને વર્ષ 2022માં રૂપિયા 104.60 કરોડની સબસીડી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. તેવી જ રીતે કચ્છ જિલ્લામાં બે વર્ષમાં 1,24,941 ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂપિયા 1195.78 કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે. જેમાં વર્ષ 2021માં કુલ 61,701 ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂપિયા 549.24 કરોડ સબસીડી ચૂકવવામાં આવી છે. જ્યારે વર્ષ 2022માં કુલ 63,240 ખેતીવાડી વીજ ગ્રાહકોને રૂપિયા 646.54 કરોડની સબસીડી વીજબીલમાં આપવામાં આવી હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.
સૌની યોજના હેઠળ 1,298 કિ.મીની પાઇપલાઇનના કામો પૂર્ણ
આજે વિધાનસભામાં સૌની યોજના અન્વયે પાઈપ લાઈનની કામગીરીના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી પટેલ ઉમેર્યું કે, નર્મદાના ત્રણ મિલિયન એકર ફીટ વહી જતા પાણીનો લાભ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છને મળી રહે એ આશયથી સૌની યોજનાનો શુભારંભ કરાયો હતો. એ આજે ખેડૂતો-નાગરિકો માટે સાચા અર્થમાં આશીર્વાદ રૂપ પુરવાર થઈ રહી છે. નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રના જળાશયો ભરવા માટે સૌની યોજના અન્વયે 9,371 કિ.મી પાઇપલાઇનના કામો માટે મંજુરી આપવામાં આવી છે. એ માટે રૂપિયા 16,721 કરોડનો ખર્ચ કરાયો છે. આ યોજના હેઠળ 1,298 કિ.મીની પાઇપલાઇનના કામો પૂર્ણ કરાયા છે. જ્યારે 73 કિલોમીટર લંબાઈની પાઇપલાઇનના કામો બાકી છે, જે સત્વરે પૂર્ણ કરાશે.
737 ગામોને નર્મદાના નીરનો લાભ મળશે
મંત્રીએ ઉમેર્યું કે, સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના 115 જળાશયોનું જોડાણ કરવાનું આયોજન હતું. જે પૈકી 95 જળાશયોનું જોડાણ કરી દેવાયું છે અને બાકી રહેતા 20 જળાશયોના જોડાણ સત્વરે પૂર્ણ કરી દેવાશે. સૌરાષ્ટ્રમાં આ યોજના થકી 11 જિલ્લાના 972 ગામોના આશરે 8.25 લાખ એકર વિસ્તારને સિંચાઇઓનો લાભ તથા 31 શહેર અને 737 ગામોને પીવાના પાણી માટે નર્મદાના નીરનો લાભ મળશે. આ ઉપરાંત સૌની યોજના હેઠળ 25 મુખ્ય પંપિંગ સ્ટેશન 8 ફીડર પંપિંગ સ્ટેશન મળી કુલ 33 સ્ટેશનની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે.
17 તળાવો પાઇપલાઇન દ્વારા ભરવાનું આયોજન
સૌની યોજના હેઠળ ત્રણ મિલિયન એકર ફીટ વધારાનું વહી જતું પાણી ખેડૂતો-નાગરિકોને પીવાના પાણી, સિંચાઈની સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે. જેમાં એક મિલિયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્ર વિસ્તારને, એક મિલિયન એકર ફીટ ઉત્તર ગુજરાતને આપવા માટે સુજલામ સુફલામ યોજના હેઠળ 9 જાળાશયો અને 17 તળાવો પાઇપલાઇન દ્વારા ભરવાનું આયોજન છે. જ્યારે 1 મિલિયન એકર ફીટ પાણી કચ્છ માટે ના કામો હાથ ધરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.