તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:1200 બેડની કોવિડ હોસ્પિટલમાં 1125 ફ્રન્ટ વોરિયર, કોરોના દર્દીની સેવામાં ત્રણ પાળીમાં 24 કલાક ખડેપગે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જે દર્દીઓ દાખલ થયા હોય ત્યાં દર્દીના કોઈ પણ સગાને ચેપ ન લાગે એટલે સલામતી માટે વોર્ડમાં પ્રવેશ અપાતો  નથી - Divya Bhaskar
જે દર્દીઓ દાખલ થયા હોય ત્યાં દર્દીના કોઈ પણ સગાને ચેપ ન લાગે એટલે સલામતી માટે વોર્ડમાં પ્રવેશ અપાતો નથી
  • દર્દી તેમના સગા સાથે વિડીયો કોલિંગથી વાત કરી શકે તે માટે 50 જેટલા મોબાઈલની વ્યવસ્થા કરી
  • દર્દીઓને સવારમાં અલગ અલગ નાસ્તો, અલગ ફ્રૂટ્સ અને લંચ, સાંજનો નાસ્તો અને ડિનર પીરસવામાં આવે છે
  • 23 બાળકી અને 17 બાળક સહિત કોવિડ હોસ્પિ.માં હાલ 657 દર્દી દાખલ

કોવિડ-19ની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધુ છે. આ રોગને નાથવા રાજ્ય પ્રશાસન સતત કાર્યરત છે. અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં 1200 બેડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરવામાં આવ્યા છે. આ દર્દીઓની સેવામાં ત્રણ પાળીમાં અંદાજે 1125 ફ્રન્ટ વોરિયર 24 કલાક ખડેપગે અવિરત સેવા બજાવી રહ્યાં છે.તેમજ દર્દીઓને ભોજનમાં સવારે 7-00 વાગ્યે ચા, દૂધ, કોફી, બિસ્કીટ, સવારે 8-30 વાગ્યે ફ્રૂટ્સ(મોસંબી,સંતરા,કેળા) સવારે 9-00 વાગ્યે બટાકા પૌંઆ, કાંદા પૌંઆ, મસાલા ભાખરી, સવારે 10-30 વાગ્યે વેજિટેબલ સુપ, બપોરે 12-00 વાગ્યે લંચ (રોટલી,શાક, દાળ, ભાત,સલાડ,છાશ) બપોરે 3-00 વાગ્યે ફ્રૂટ ડિશ (પપૈયા,તરબૂચ,કેળા),સાંજે 5-00 વાગ્યે ચા, સાંજે 7-00 વાગ્યે ડિનર( રોટલી,શાક,કઢી,ખીચડી) રાત્રે 9-30 વાગ્યે ગરમ દૂધ અને બિસ્કીટ પીરસવામાં આવે છે.

પ્રત્યેક પાળીમાં 23 ડોક્ટર, 104 નર્સ, 11 પેરામોડિકલ સ્ટાફ અને 234 વર્ગ-4ના સેવકો
આ હોસ્પિટલના સુચારુ સસંચાલન માટે હોસ્પિટલની ડીન તરીકે મૈત્રેય ગજ્જરને જવાબદારી સોંપવામાં આવી છે. ડૉ ગજ્જર કહે છે કે, અહીં 657 દર્દી દાખલ છે તે પૈકી 528 દર્દી પોઝિટિવ અને 129 દર્દીઓના ટેસ્ટ કરાઈ ચુક્યા છે, પરંતુ તેમના રિઝલ્ટ આવવાના બાકી છે. આ દર્દીઓમાં 278 પુરુષ દર્દી અને 249 મહિલા દર્દીઓ છે. આ દર્દીમાં 23 બાળકી અને 17 બાળકનો સમાવેશ થાય છે. હાલ 7 દર્દી વેન્ટીલેટર પર છે, 27 દર્દીઓ ઓક્સિજન પર છે અને 623 દર્દી નોર્મલ ટ્રીટમેન્ટ મેળવી રહ્યા છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારના માર્ગદર્શન હેઠળ આર્થિક બાબતોના સચિવ મિલિન્દ તોરવણે અને આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે સીધી દેખરેખ રાખી રહ્યા છે. હોસ્પિટલના આર.એમ.ઓ ડૉ. સંજય સોલંકી કહે છે કે, અહીં પ્રત્યેક પાળીમાં 23 ડોક્ટર, 104 નર્સ, 11 પેરામોડિકલ સ્ટાફ અને 234 વર્ગ-4ના સેવકો અત્યંત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. આમ 1125 લોકો પોતાના ઘર-પરિવારની ચિંતા કર્યા વિના અહીં ફરજ બજાવે છે. 

માતા-પિતા બન્ને પોઝિટિવ હોય તો તેના નાના બાળકોને નર્સિંગ સ્ટાફ માતા બનીને સાચવે છે
આ યોધ્ધાઓ, નથી તેમના ઘરની ચિંતા કરતા કે નથી તેમના પરિવારની ચિંતા કરતા, એમને મન તો બસ કોરોના દર્દીઓની સેવા જ મૂળ મંત્ર છે. ઉલ્લેખનીય છે કે, અહીં ખાસ ક્લિન રૂમ પણ શરૂ કર્યો છે. જે પરિવારમાં માતા-પિતા બન્ને કોરોના પોઝિટિવ હોય અને તેમના નાના બાળકો હોય અને કોઈ રાખનાર કે સંભાળ લેનાર ન હોય તો તેવા બાળકોને અહીંનો નર્સિગ સ્ટાફ માતા બનીને સાચવે છે. આ ક્લિન રૂમમાં હાલ 5થી 10 વર્ષના 5 બાળકો છે. જ્યારે એક બાળક તો માત્ર દોઢ વર્ષનું છે.આ બાળકોને સેરેલેક પાવડરથી માંડીને જેં કંઈ જરૂરી હોય તે આપવામાં આવે છે.  આ બાળકો માટે ખાસ એટેન્ડન્ટ પણ રખાયા છે. 

એક વિશાળ ડોમમાં તમામ સગાઓને બેસવાની વ્યવસ્થા 

જે દર્દીઓ દાખલ થયા હોય ત્યાં દર્દીના કોઈ પણ સગાને ચેપ ન લાગે એટલે સલામતી માટે વોર્ડમાં પ્રવેશ અપાતો  નથી.કોઈ ખાસ કિસ્સામાં જરૂર હોય કે દર્દીની લાગણી અને માંગણી હોય કે દર્દી વેન્ટીલેટર પર હોય અથવા પ્રોસિઝર જરૂરી હોય તેવા કિસ્સામાં એક સગાને રક્ષાત્મક સાધનો સાથે જવાની મંજૂરી આપવામાં આવે છે. જ્યારે અન્ય કિસ્સાઓમાં નજીક એક વિશાળ ડોમ બનાવ્યો છે ત્યાં તમામ સગાઓને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં પણ હોસ્પિટાલનો સ્ટાફ તહેનાત કરાયો છે જેમને હોસ્પિટલ તરફથી મોબાઈલ અપાયા છે. જેના દ્વારા દર્દી તેમના સગા સાથે વિડીયો કોલિંગથી વાત કરી શકે છે. આ માટે 50 જેટલા મોબાઈલની વ્યવસ્થા કરાઈ છે. મારુ સ્વજન સારી સ્થિતિમાં છે એટલી ખાતરી કરાવવા માટે  હોસ્પિટલ તરફથી આ વિડીયો કોલિંગની સુવિધા ઉભી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...