નો-બિઝનેસ ઈન ગુજરાત:કોરોનાની સ્થિતિ વકરતાં 10મી ‘વાઈબ્રન્ટ ગુજરાત’ સમિટ-2021 રદ થવાની શક્યતા, આયોજન પાછું પણ ઠેલાઈ શકે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2003થી શરૂ થયેલી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં શિરમોર ‘વાઈબ્રન્ટ ગુજરાત’ની તૈયારીઓ માટે ફક્ત દોઢ મહિનાનો જ સમય
  • કોરોનાની સ્થિતિ સુધરે તો જૂન કે જુલાઈમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત’ સમિટનું આયોજન કરવા સરકારે તૈયારીઓ કરી હોવાના અહેવાલ

ગુજરાતમાં રોકાણકારોને આકર્ષિત કરવા માટેની સૌથી મોટી ‘વાઈબ્રન્ટ ગુજરાત’ સમિટ આ વખતે યોજાવાની કોઈ શક્યતા દેખાતી નથી. કોરોના મહામારીની ગુજરાતમાં અત્યંત વણસેલી સ્થિતિનો આ સૌથી મોટો પૂરાવો કહી શકાય. ખુદ રાજ્ય સરકારને પણ લાગી રહ્યું છે કે, આગામી જાન્યુઆરી મહિના સુધીમાં સ્થિતિ કાબૂમાં આવી શકે તેમ નથી. આ કારણથી જ ગુજરાતની તમામ ઈન્ડસ્ટ્રીયલ સમિટમાં શિરમોર ગણાતી ‘વાઈબ્રન્ટ ગુજરાત’ સમિટ-2021નું આયોજન આ વખતે પડતું મૂકાઈ શકે છે.

હાલના સમયે દોઢ મહિનામાં વાઈબ્રન્ટ સમિટનું આયોજન અશક્ય
ગુજરાત સરકારના એક ઉચ્ચ અધિકારીએ DivyaBhaskar સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યારે નવેમ્બરનું છેલ્લું સપ્તાહ ચાલી રહ્યું છે અને વાઈબ્રન્ટ સમિટ જાન્યુઆરીના પ્રથમ કે બીજા સપ્તાહમાં યોજાતી હોય છે. આ સ્થિતિમાં હવે દોઢ મહિનાનો જ સમય રહ્યો છે અને હાલ કોરોનાની સ્થિતિને જોતાં કોઈ કાળે જાન્યુઆરી-2021માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ શકે તેમ નથી. આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી પરંતુ આ વખતે વાઈબ્રન્ટ સમિટ યોજાય તેવા હાલ કોઈ અણસાર નથી દેખાતા.

મોદીએ 2003માં શરૂ કરી હતી ‘વાઈબ્રન્ટ ગુજરાત’ સમિટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં દેશ-વિદેશના રોકાણકારોને આકર્ષિત કરવા 2003ની સાલમાં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરી હતી. અત્યાર સુધીની સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ અને મહાનુભાવો વખતો-વખત વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લઈ ચૂક્યા છે. આમાં રિલાયન્સના મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી ઉપરાંત સ્ટીલ માંધાતા લક્ષ્મી મિત્તલ સહિતનાનો સમાવેશ થાય છે. જ્યારે 2015ની વાઈબ્રન્ટ સમિટમાં તો અમેરિકાના તત્કાલીન વિદેશમંત્રી જોન કેરી પણ આવી ચૂક્યા છે અને તેમણે રોકાણકારોને સંબોધન કર્યું હતું.

આ વખતે 10મી સમિટ માટે મેગા આયોજનનો પ્લાન હતો
રસપ્રદ છે કે, 2003માં શરૂ થયેલી ‘વાઈબ્રન્ટ ગુજરાત’ સમિટ દર બે વર્ષે યોજાતો ઉદ્યોગ મેળાવડો છે. અત્યારસુધીમાં નવ વખત ‘વાઈબ્રન્ટ ગુજરાત’ બિઝનેસ સમિટ યોજાઈ ચૂકી છે. આ વખતે 10મી સમિટ યોજાવાની હતી જેના માટે મેગા સેલિબ્રેશન પ્લાન હતો. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં દેશવિદેશના મહાનુભાવોને આમંત્રિત કરવાની યોજના હતી. પરંતુ ગુજરાતમાં કોરોનાની વણસી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ વખતે આયોજન નહીં કરવાનો નિર્ણય લીધો હોવાનું મનાય છે.

કોરોનાની સ્થિતિ સુધરે પછી ‘વાઈબ્રન્ટ ગુજરાત’ યોજાઈ શકે
ઉચ્ચ-સ્તરીય સરકારી સૂત્રોએ ત્યાં સુધી જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સુધરે તે પછી ‘વાઈબ્રન્ટ ગુજરાત’ સમિટનું આયોજન કરવામાં આવી શકે છે. આ માટે હજી સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કે આયોજન જાહેર કરાયું નથી. પરંતુ ‘વાઈબ્રન્ટ ગુજરાત’ સમિટને આ વખતે સંપૂર્ણપણે રદ કરાશે તેવી પણ હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આવું હશે તો જૂન કે જુલાઈ-2021માં પણ ‘વાઈબ્રન્ટ ગુજરાત’ સમિટનું આયોજન કરાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...