રાજ્ય માહિતી આયોગે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસના પૂર્વ જાહેર માહિતી અધિકારીને 10 હજારનો દંડ ફટકાર્યો છે. અધિકારી હાલમાં નિવૃત્ત થઇ ચૂક્યાં છે, દંડની રકમ કર્મચારીએ પોતાના ભંડોળમાંથી આપવા જણાવ્યું છે. આ પહેલા રાજ્ય માહિતી આયોગે ડીઇઓ કચેરીના કર્મચારીને પોતાનો પક્ષ રજૂ કરવા માટેની તક આપી હતી. પરંતુ કર્મચારી તરફથી યોગ્ય પ્રત્યુત્તર ન મળતા આયોગે દંડ ફટકાર્યો છે.
આ પહેલા અરજદાર દ્વારા અમદાવાદ પૂર્વની એક સ્કૂલે ઉઘરાવેલી ફી મુદ્દે આરટીઆઇના માધ્યમથી માહિતી માગવામાં આવી હતી. પરંતુ રેકોર્ડ ઉપલબ્ધ નથી, વગેરે કારણોસર માહિતી આપવામાં આવી ન હતી. તેથી અરજદારે રાજ્ય માહિતી આયોગમાં અરજી કરી હતી. જેમાં આયોગે બંને પક્ષોની રજૂઆતોને ધ્યાને લઇને ડીઇઓના કર્મચારીને પોતાની બાબતો રજૂ કરવાનો મોકો અપાયો હતો. પરંતુ કર્મચારી દ્વારા રજૂ કરવામાં આવેલો જવાબ સંતોષકારક ન હોવાથી આયોગે દંડ ફટકાર્યો છે.
રેકોર્ડ ઉપલબ્ધ નથી તેવી વાત માની ન શકાય
રાજ્ય માહિતી આયોગે ડિસેમ્બર મહિનામાં કરેલા વચગાળાના આદેશમાં નિરીક્ષણ કર્યું હતું કે અરજદારે માગેલી માહિતી 2013-14ની છે, જેનો રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાની વાત માની શકાય તેમ નથી, સાથે જ અધિકારી દ્વારા કરાયેલ સ્પષ્ટતા પણ આયોગને સંતોષકારક લાગતી નથી. આ ઉપરાંત પ્રથમ અપીલ અધિકારીનો 15 દિવસમાં માહિતી આપવાનો હુકમ હોવા છતા પણ માહિતી માગનારને માહિતી કે યોગ્ય જવાબ આપ્યો ન હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.