હાઈકોર્ટની ફટકારની અસર:મ્યુનિ. સહિતની તમામ હોસ્પિટલોમાં દર્દી ખાનગી વાહનમાં જઇ શકશે, આધાર કાર્ડની જરૂર નહીં પડેઃ AMC

અમદાવાદ7 મહિનો પહેલા
 • કૉપી લિંક
AMC સંચાલિત હોસ્પિટલમાં દાખલ થવા 108માં જવું ફરજિયાત હતું - Divya Bhaskar
AMC સંચાલિત હોસ્પિટલમાં દાખલ થવા 108માં જવું ફરજિયાત હતું
 • હાઈકોર્ટના આકરા વલણ બાદ 108થી જ એડમિશનનો નિર્ણય આખરે રદ
 • દરેક હોસ્પિટલે કેટલા બેડ ખાલી છે તેની વિગતો બહાર ડિસપ્લે બોર્ડ પર અપડેટ કરવાની રહેશે
 • શહેરની તમામ હોસ્પિટલોમાં હવે 75 ટકા બેડ કોરોના દર્દી માટે અનામત રહેશે, 1 હજાર બેડનો વધારો થશે
 • હોસ્પિટલોના બેડ મર્યાદિત છે, ગંભીર લક્ષણો હોય તો જ દાખલ થાવ,જેથી ક્રિટકલ દર્દી બેડ વિના ન રહે

હાઇકોર્ટના સ્પષ્ટ આદેશો અને સૂચનો બાદ આખરે કોર્પોરેશનને કોરોનાને લગતી તેની તમામ નીતિમાં ધરમૂળથી ફેરફાર કરવો પડ્યો છે. અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કોર્પોરેશન સહિત તમામ હોસ્પિટલમાં સારવાર માટે દર્દીએ હવે 108માં જવું ફરજિયાત નથી. ખાનગી વાહનમાં જશે તો પણ હોસ્પિટલે દર્દીને દાખલ કરવો પડશે. જ્યારે આધાર કાર્ડની પણ જરૂર નહીં પડે. ગુરુવાર સવારથી આ નિર્ણય લાગુ પડશે. કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ કોરોનાની સારવાર માટે 75 ટકા બેડ રિઝર્વ રાખવાના રહેશે. 25 ટકા બેડ કોરોનાની સારવાર સિવાયના દર્દીઓ માટે રહેશે. જેથી મ્યુનિ.ના આ નિર્ણયથી શહેરમાં વધુ 1 હજાર બેડનો વધારો થશે.

બેઠક બાદ નિર્ણય લેવાયો
ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને દાખલ કરવામાં આવતા ન હતા. ગુજરાત હાઈકોર્ટે આ બાબતે ગંભીર નોંધ લઈ સરકારની ઝાટકણી કાઢ્યા બાદ આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડો. રાજીવકુમાર ગુપ્તા અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓની મળેલી બેઠક કેટલાક નિર્ણય લેવામાં આવ્યા હતા.

108 સિવાયના ખાનગી એમ્બ્યુલન્સ કે વાહનના દર્દીને એડમિટ કરાતા ન હતા
108 સિવાયના ખાનગી એમ્બ્યુલન્સ કે વાહનના દર્દીને એડમિટ કરાતા ન હતા

અધિકારીઓની બેઠકમાં લેવાયેલા નિર્ણય

 • કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલમાં દર્દી કોઈપણ વાહનમાં આવશે તો તેને દાખલ કરવાનો રહેશે. AMC સંચાલિત હોય, ખાનગી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ હોય કે તમામ સરકારી હોસ્પિટલ જે ડેઝીગ્નેટેડ હોય કે ના હોય તમામ હોસ્પિટલોએ દર્દીને દાખલ કરવાના રહેશે.
 • 29 એપ્રિલ સવારે 8 વાગ્યાથી કોરોનાં દર્દી કોઈપણ રીતે હોસ્પિટલ જઈ સારવાર લઈ શકશે. બેડની ઉપલબ્ધતાના આધારે હોસ્પિટલે દાખલ કરવાના રહેશે.
 • ઝડપથી દર્દીને દાખલ કરી શકાય તેના માટે અમદાવાદના આધારકાર્ડની જરૂરિયાતનો નિયમ પણ પરત ખેંચવામાં આવ્યો છે.
 • કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ કોરોનાની સારવાર માટે 75 ટકા બેડ રિઝર્વ રાખવાના રહેશે. 25 ટકા બેડ કોરોનાની સારવાર સિવાયના દર્દીઓ માટે રહેશે. જેથી 1000 વધારાના બેડ ઉપલબ્ધ થશે.
 • કોરોનાની સારવાર માટે AMC ક્વોટામાં દાખલ કરવા માટે 108 કે 108 કંટ્રોલરૂમના રેફરન્સની હવે જરૂર નથી
 • કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ રાજય સરકારના પોર્ટલ પર જોડાઈ જાહેર જનતા માટે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે.
 • દરેક હોસ્પિટલોએ હોસ્પિટલની બહાર વિશાળ ડિસ્પ્લે બોર્ડ દ્વારા સુવાચય રીતે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે.
 • કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલ તાત્કાલિક દર્દીને સારવારની જરૂરીયાત હોય તો દાખલ કરવાની ના નહિ પાડી શકે.
 • 108 સેવાના કંટ્રોલરૂમનું સંચાલન AMC અને રાજય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ સંયુક્ત રીતે રહીને કરશે.
 • કોરોનાના દર્દીઓની ઝડપથી તપાસ અને સારવાર થઈ શકે તેના માટે હોસ્પિટલોએ તાત્કાલિક દાખલ કરી શકાય તેના માટે OPD અને TRIAGEની સુવિધા પૂરી પાડવાની રહેશે.

તમામ હોસ્પિટલને આદેશ અપાયો છેકે, રાજ્ય સરકારની વેબસાઇટ પર રિયલ ટાઇમ બેડની ઉપલબ્ધતાની માહિતી સતત અપલોડ કરવાની રહેશે. તમામ હોસ્પિટલની બહાર ડિસપ્લે બોર્ડ મુકવાનું રહેશે. જેમાં કેટલા બેડ ખાલી છે તે દર્શાવવાનું રહેશે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં કોરોનાના નવા 5672 કેસ નોંધવાની સાથે 26 દર્દીના મૃત્યુ થયા છે. રાહતની વાત એ છે કે,2200થી વધુ દર્દી સાજા થતાં વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હજુ પણ શહેરમાં 55,618 એક્ટિવ કેસ છે. 207 ક્રિટીકલ કેરના બેડ ઉપલબ્ધ હોવાનું પણ મ્યુનિ.એ જણાવ્યું છે. શહેરમાં કુલ કેસનો આંકડો દોઢ લાખને પાર કરી ગયો છે. બુધવારે 20624 લોકોએ વેક્સિન લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...