કેસ બગડ્યો:દિવાળીના 5 દિવસમાં કોરોનાના 1067 કેસ, 147 દિવસ પછી ફરી 225થી વધુ કેસ આવ્યા, હોસ્પિટલોમાં રાતોરાત 1300 બેડ વધારાયા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વસ્ત્રાપુર તળાવ પાસે કોરોનાના ટેસ્ટ માટેના ડોમ બહાર લાંબી લાઈન લાગી. - Divya Bhaskar
વસ્ત્રાપુર તળાવ પાસે કોરોનાના ટેસ્ટ માટેના ડોમ બહાર લાંબી લાઈન લાગી.
  • ગુરુવાર સવાર સુધી ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિ. ક્વોટાના 90% બેડ ભરાઈ ગયા

દિવાળીના તહેવારમાં બજારોમાં જામેલી ભીડને કારણે અમદાવાદમાં કાબૂમાં આવેલું કોરોના સંક્રમણ ફરી વણસ્યું છે. 15થી 19 નવેમ્બર સુધીના 5 દિવસમાં નવા 1067 કેસ અને 16 મૃત્યુ નોંધાતાં આખરે શુક્રવારે રાત્રે 9થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ નાખવો પડ્યો છે. અગાઉ 8 દિવસમાં 1 હજાર કેસ નોંધાતા હતા. જે માત્ર પાંચ દિવસમાં નોંધાયા છે. લગભગ 147 દિવસ પછી ગુરુવારે શહેરમાં 230 કેસ નોંધાયા હતા. અગાઉ 25 જૂને 238 કેસ હતા.

દરમિયાન અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું છે કે, શુક્રવાર રાતથી સોમવાર સવાર સુધીના કર્ફ્યૂ દરમિયાન દૂધ અને દવાની દુકાનો ચાલુ રહેશે. શુક્રવારે ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ યોજાશે જેમાં કઈ ઈમરજન્સી સેવાને કયા ધારાધોરણ હેઠળ મુક્તિ આપવી તેનો નિર્ણય લેવામાં આવશે. કર્ફ્યૂ દરમિયાન શહેરભરમાં પોલીસનું પેટ્રોલિંગ ચાલુ રહેશે.

10-15 દિવસમાં સ્થિતિ કાબૂમાં આવશે
રાજ્યના કોવિડ કોર કમિટીના સભ્ય પદ્મશ્રી ડો. તેજસ પટેલે જણાવ્યું હતું કે, દિવાળીના દિવસોમાં લોકો મોટાપાયે બહાર નીકળતા કોરોનાનું સંક્રમણ વધ્યું છે. હાલમાં વાઈરસ એટલો ઘાતક રહ્યો નથી, જેથી મૃત્યુદર ઘણો ઓછો છે. રાત્રિ કફર્યુ અમલમાં આવતાં આગામી 10થી 15 દિવસમાં કોરોના કંટ્રોલ આવી જશે. તેમ છતાં નાગરિકોએ કોરોનાને ગંભીરતાથી લઈ માસ્ક પહેરવા સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. આગામી દિવસોમાં ક્રિસમસ આવતી હોવાથી પશ્ચિમના દેશોમાં કોરોનાના કેસ વધવાની શકયતા છે.

શહેરમાં વધુ 600 ડોક્ટર અને 108ની 40 એમ્બુલન્સ મુકાશે
કોરોનાના કેસ વધતાં સરકારે વધુ 300 ડોક્ટર અને મેડિકલના 300 વિદ્યાર્થીને ડ્યુટી પર મૂકવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કોરોનાના દર્દીને લાવવા લઈ જવા વધારાની 20 એમ્બુલન્સ પણ ફાળ‌વવામાં આવશે. હાલ 20 જેટલી 108 એમ્બુલન્સ સેવા પૂરી પાડે છે. આમ એમ્બુલન્સની કુલ સંખ્યા 40 થશે.

દર્દી અમદાવાદ આસપાસની હોસ્પિટલોમાં ખસેડવા તૈયારી
અમદાવાદમાં કોરોનાના કેસ વધતાં હોસ્પિટલોમાં વધુ બેડની જરૂરિયાત ઊભી થવાની ગણતરીએ મ્યુનિ. અધિકારીઓએ અમદાવાદ નજીકના કડી, કલોલ, ખેડા, આણંદ, સાણંદ, ધંધૂકાની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીને રાખવાની વ્યવસ્થા છે કે નહીં તેનો સરવે કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મ્યુનિ.એ અમદાવાદ આસપાસની કેટલીક ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ પણ કર્યા છે. એકસાથે વધુ કેસનો વિસ્ફોટ થાય તો અમદાવાદ આસપાસના આ વિસ્તારોમાં દર્દીને ખસેડવાની વ્યવસ્થા ગોઠવવા માટેની વિચારણા ચાલી રહી છે. એમ મનાય છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન આ હોસ્પિટલોમાં પોતાનો કેટલોક સ્ટાફ પણ ઉતારે તેવી શક્યતા છે.

ખાનગી હોસ્પિટલોમાં 160 દર્દી વેન્ટિલેટર પર, 358 ICUમાં

બેડનો પ્રકારભરેલા બેડખાલી બેડ
આઈસોલેશન81587
એચડીયુ80752
આઈસીયુ (વેન્ટિલેટર વગર)35811
આઈસીયુ (વેન્ટિલેટર સાથે)16016

હાઇકોર્ટના 3 જસ્ટિસ પોઝિટિવ, 23 નવેમ્બરથી કોર્ટ શરૂ થવા સામે પ્રશ્નાર્થ ​​​​​​
ગુજરાત હાઇકોર્ટના 3 જજને કોરોના પોઝિટિવ આવ્યો. સાથે જ હાઇકોર્ટના પૂર્વ જજ રાજસ્થાનના પૂર્વ ચીફ જસ્ટિસ કલ્પેશ ઝવેરીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. સાથે હાઇકોર્ટ સ્ટાફના પાંચ કરતા વધુ વ્યકિતને પણ કોરોના પોઝિટિવ આવતાં 23-નવેમ્બરથી કોર્ટ શરૂ કરવા સામે પ્રશ્નાર્થ ઉભો થઇ શકે છે. હાઇકોર્ટના જજ એ.સી રાવ, જસ્ટિસ રાજેન્દ્ર શરીન, જસ્ટિસ જી.આર ઉધવાણીને કોરોના પોઝિટિવ આવ્યો છે. હાઇકોર્ટના પૂર્વ રજિસ્ટ્રાર પી.પી ભટ્ટ પણ કોરોના પોઝિટિવ આવતા હાઇકોર્ટમાં હાહાકાર મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, 23 નવેમ્બરથી કોર્ટ શરૂ થવાની હતી, પરતું કોર્ટના જજ સહિતનો સ્ટાફ પોઝિટિવ આવતાં કોર્ટ શરૂ કરવા અંગે નવેસરથી વિચારણા હાથ ધરાશે.

છઠ પૂજાનો ઘાટ પતરાં મારી બંધ કરાયો
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં કોર્પોરેશને રિવરફ્રન્ટ પર છઠ્ઠ પૂજા માટે બનાવવામાં આવેલો વિશેષ ઘાટ પતરાં મારી બંધ કરી દીધો છે. મ્યુનિ.એ પોલીસને પણ આ અંગે જાણ કરી છે. આ નિર્ણયથી આ વર્ષે ઘાટ પર છઠ્ઠ પૂજા થઈ શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...