રક્ષાબંધન:ભદ્રાયોગ છતાં સવારે 10.40થી સાંજે 5.17 સુધી રાખડી બાંધવાનું શ્રેષ્ઠ મુહૂર્ત

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુરુવારે પુણ્યવર્તી ભદ્રા પાતાળ લોકમાં ભ્રમણ કરતી હોવાથી દોષ નહિ લાગે
  • રાત્રે 8.51 વાગ્યે ભદ્રાની અસર પૂરી થયા બાદ પણ રક્ષાબંધન મનાવી શકાશે

રક્ષાબંધન પર્વ દરમિયાન દર વખતે કંઈ ને કંઈ વિઘ્નો અને ભદ્રા કરણ વિષ્ટિ યોગને કારણે મુહૂર્તોનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. આ વર્ષે શ્રાવણ સુદ પૂનમના દિવસે સાંજે 5.17 વાગ્યા પહેલા જ રક્ષાબંધન કરવાની સાથે જનોઈ બદલી શકાશે. જો આ સમયમાં રક્ષાબંધન ન થઈ શક્યું તો રાત્રે 8.51 વાગે ભદ્રાની અશુભ અસર સમાપ્ત થયા બાદ પણ રક્ષાબંધન મનાવી શકાશે. રક્ષાબંધનના દિવસે સૂર્યોદય પ્રમાણે સવારે 10.40થી પૂનમ તિથિ પ્રારંભ થશે અને 12મીએ સવારે 7.07 વાગે પૂર્ણ થશે. તેથી 11મીએ દિવસ પર્યંત પૂનમ હોવાથી રાહુકાળ (બપોરે 2.22થી 3.59 વાગ્યા સુધી) સિવાય રક્ષાબંધન ઊજવવા માટે શ્રેષ્ઠ સમય છે.

જ્યોતિષ ચેતન પટેલે જણાવ્યું કે, શાસ્ત્ર અનુસાર ભદ્રવિષ્ટિ કાલમાં રાખડી બાંધવી અશુભ ગણાય છે. શાસ્ત્રો મુજબ, ભદ્રા યમદેવની પુત્રી અને શનિ દેવની બહેન છે, જેને બ્રહ્માજીએ શ્રાપ આપ્યો હતો કે, જે પણ ભદ્રામાં શુભ કાર્ય કરશે તેને અશુભ ફળ મળશે. આમ રાહુ કાળ અને ભદ્રાના સમયે શુભ કાર્યો કરાતા નથી. આ વર્ષે રક્ષાબંધન ગુરુવારે હોવાથી પુણ્યવર્તી ભદ્રા કહેવાય અને તે સમયે ચંદ્ર મકર રાશિમાં હોવાથી ભદ્રા પાતાળમાં ભ્રમણ કરતી હશે જેથી તેનો દોષ પણ લાગતો નથી.

દિવસ દરમિયાન રાખડી બાંધવાના શ્રેષ્ઠ મુહૂર્ત

  • સવારે 11.07થી 12.45 વાગ્યા સુધી (ચલ)
  • બપોરે 12.45થી 2.22 વાગ્યા સુધી (લાભ)
  • રાત્રે 8.52થી 10.00 વાગ્યા સુધી (ચલ)
  • મોડી રાતે 12.45થી સવારે 7-07 વાગ્યા સુધી.

ભદ્રા વિષ્ટિ યોગમાં શુભ કાર્યો વર્જિત મનાય છે
ભદ્રા વિષ્ટિ કરણમાં લગ્ન કરવા, બાળકનું મુંડન કરવું, નવું ઘર લેવું, ઘરમાં પ્રવેશ કરવો, રક્ષાબંધન વગેરે શુભ અને માંગલિક કાર્યો વર્જિત ગણવામાં આવે છે. એક પૌરાણિક માન્યતા અનુસાર, લંકાપતિ રાવણે ભદ્રામાં રાખડી બંધાવી હતી અને તેનો એક વર્ષમાં જ વિનાશ થયો હતો. તેથી ભદ્રા સમય સિવાય બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે છે. શાસ્ત્રોની કથા અનુસાર, બલિરાજાને વચન આપી ભગવાન વિષ્ણુ પાતાળમાં રોકાઈ ગયા હતા ત્યારે શ્રાવણ સુદ પૂનમે માતા લક્ષ્મીએ બલિરાજાને રક્ષા સૂત્ર બાંધી ભાઈ બનાવીને ભગવાન વિષ્ણુને મુક્ત કરાવ્યા હતા. જ્યારે મહાભારત કાળમાં રાજસૂય યજ્ઞ વખતે દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને રક્ષાસૂત્ર બાંધ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...