ચાંદખેડાના રહેતા એક વૃદ્ધ આસ્ટોડિયા બસની રાહ જોઈને ઊભા હતા, દરમિયાન એક બાઈક પર આવેલા બે શખ્સોએ ‘તમે છોકરીઓની છેડતી કરો છો. અમારા સાહેબ તમને પોલીસ સ્ટેશન બોલાવે છે.’ તેમ કહીને વૃદ્ધને બાઈક પર બેસાડી એટીએમ પાસે લઈ ગયા હતા અને વૃદ્ધ પાસેથી બળજબરીપૂર્વક રૂ.10 હજાર ઉપાડાવ્યા હતા અને ત્યાર બાદ રૂપિયા અને મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયા હતા. આ અંગે વૃદ્ધે ખાડિયા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચાંદખેડામાં આવેલા શ્રેષ્ઠ પરિસર ફ્લેટમાં રહેતા હેમંતભાઈ પ્રપન્ના શુક્રવારે તેમના આણંદ ખાતે રહેતા મિત્રને મળવા ગયા હતા. બાદમાં શનિવારે સાંજે આણંદથી અમદાવાદ એસટી ગીતા મંદિર આવ્યા હતા અને આસ્ટોડિયા બીઆરટીએએસ બસ સ્ટેન્ડની સામેના મેઈન રોડ પર ઊભા રહી બસની રાહ જોતા હતા.
આ સમયે એક બાઈક પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને ‘અમે પોલીસ વાળા છે, તમે છોકરીઓની છેડતી કરો છો. તમને અમારા સાહેબ પોલીસ સ્ટેશન બોલાવે છે.’ તેમ કહીને હેમંતભાઈને બાઈક પર બેસાડીને કાંકરિયા રોડ પરના એટીએમમાં લઈ ગયા હતા. જ્યાં હેમંતભાઈ પાસેથી બળજબરીપૂર્વક એટીએમમાંથી રૂ.10 હજાર ઉપાડાવ્યા હતા. ત્યાર બાદ રૂપિયા અને મોબાઈલ ફોન લઈ લીધા હતા. બાદમાં આ બન્ને શખ્સ હેમંતભાઈને મૂકીને બાઈક પર ફરાર થઈ ગયા હતા. ત્યાબાદ હેમંતભાઈ આ ઘટનાની જાણ તેમના મિત્રને કરી હતી. આ મામલે હેમતભાઈએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ બાદ ખાડિયા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.