જીટીયુની ઈજનેરની વિવિધ સેમેસ્ટરની પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા આશરે 100થી વધુ વિદ્યાર્થીઓની સજા મેમાં નિર્ધારિત કરાશે. જીટીયુની અનફેર મીન્સ કમિટી (યુએફએમ) ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને રૂબરૂ સુનાવણી માટે બોલાવશે.
જીટીયુના પરીક્ષા વિભાગના ઉપક્રમે આયોજિત પરીક્ષા અંતર્ગત આ વિદ્યાર્થીઓએ હાથે લખેલી કાપલીથી, હાથ પરના લખાણથી, ફૂટપટ્ટી પરના લખાણથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ઈજનેરી, ફાર્મસી સહિતની વિવિધ વિદ્યાશાખાની પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ સામે સત્તાવાળાએ નિયત ધારાધોરણ મુજબ કોપીકેસ કર્યા હતા. આ વિદ્યાર્થીની સામે અગાઉ એપ્રિલમાં યુએફએમ કમિટીએ સુનાવણી હાથ ધરીને સજા નિર્ધારિત કરવાની હતી, પરંતુ ટેકનિકલ કારણસર કાર્યવાહી એપ્રિલથી મેમાં પાછી ઠેલાઈ હતી.
અગાઉ જીટીયુએ ઈજનેરીના સેમ-3 અને 5ની પરીક્ષામાં ગેરરીતિ આચરતા આશરે 233 વિદ્યાર્થીઓ સામે સજા નિર્ધારિત કરી હતી. 18 વિદ્યાર્થીઆઓને નિર્દોષ જાહેર કરાયા હતા. બાકીના વિદ્યાર્થીઓને ચાલુ પરીક્ષાનું પરિણામ રદ કરવાથી માંડીને 3 વર્ષ સુધીની પરીક્ષામાંથી બાકાત રાખવાની સજા નિર્ધારિત કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.