મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય:​​​​​​​રાજ્યની નગરપાલિકાઓમાં બાકી વેરો 31 માર્ચ સુધીમાં ભરનારને પેનલ્ટી-વ્યાજમાં 100% રાહત, એડવાન્સ ટેક્સમાં 15 ટકા સુધીનું વળતર

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ફાઈલ તસવીર
  • ટેક્ષ-કરવેરામાં રાહત આપતી "આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના" જાહેર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો-નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે "આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર" યોજના શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે અંતર્ગત રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કર-વેરા જેમાં મિલ્કત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, દિવાબત્તી (લાઇટ) વેરો, ગટર વેરો વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવ્યો છે.

એડવાન્સ ટેક્સ ભરનારને વળતર અપાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના અન્વયે એવો નિર્ણય કર્યો છે કે, નાણાંકીય વર્ષ 2022-23ની વેરાની રકમ જો નાગરિકો 31 મે 2022 સુધીમાં એડવાન્સ ભરપાઇ કરે તો તેમને 10 ટકા વળતર આપવામાં આવશે. એટલું જ નહિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને વેગ આપવા ભૂપેન્દ્ર પટેલે એવો પણ નિર્ણય કર્યો છે કે, આવી વેરાની રકમ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે તા.31 મે 2022 સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને વધારાનું 5 ટકા વળતર અપાશે. એટલે કે, ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ 15 ટકા વળતરનો લાભ મળશે.

અગાઉના વર્ષોનો કરવેરો 31 માર્ચ સુધીમાં ભરવા પર દંડ માફી
રાજ્યની નગરપાલિકાઓની અગાઉના વર્ષોના કરવેરાની પાછલી રકમ પણ જે નાગરિકોને ભરવાની બાકી હોય તેમને આવી રકમ-વેરા ભરવામાં સરળતા મુખ્યમંત્રીએ કરી આપી છે. તદ્દઅનુસાર, ભૂપેન્દ્ર પટેલે એવો નિર્ણય કર્યો છે કે, જે કરદાતા-નાગરિકને તેમની મિલકત પેટે અગાઉના વર્ષોના વેરા ભરવાના બાકી હોય તે જો 31 માર્ચ- 2022 સુધીમાં ભરપાઇ કરે તો નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી, વોરંટ ફીની રકમ 100 ટકા માફ કરવામાં આવશે.

નોંધનીય છે કે, રાજ્યની નગરપાલિકાઓની આવકનો મુખ્ય સ્ત્રોત કરવેરા વસુલાતમાંથી થતી આવક છે. નગરપાલિકાઓ શહેરના વિકાસ કામો તથા નાગરિકોને આવશ્યક સેવાઓ પૂરી પાડવા અંગેનો ખર્ચ આવા કરવેરા-ટેક્ષની આવકમાંથી કરતી હોય છે. મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓની આવી આવકમાં વધારો થાય સાથોસાથ કરદાતાઓને પણ કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે અને પ્રોત્સાહન મળે તેવા હેતુથી આ "આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના"નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...