તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂમાફિયા સામે કાર્યવાહી:અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગની 400 પૈકી 100 અરજીનો નિકાલ, રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં મોટી કાર્યવાહી

અમદાવાદ11 દિવસ પહેલા
અમદાવાદ કલેક્ટરની જમીન માફિયા વિરૂદ્ધ કાર્યવાહી
  • 34 હેક્ટર જમીન પચાવી પાડનાર 53 આરોપી વિરૂદ્ધ FIR નોંધાઇ
  • કલેક્ટરે પ્રાંત અધિકારીઓ સાથે માત્ર 3 બેઠકમાં મોટી સફળતા મળી
  • રૂ. 1350 કરોડની જમીન પચાવી પાડનાર વિરૂદ્ધ કાર્યવાહી કરી

રાજ્યમાં ભૂમાફિયા વિરુદ્ધ રાજ્ય સરકારે નવો કાયદો લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલમાં મુક્યો છે. જેને લઈને હવે ભૂમાફિયા પર સરકાર આકરા પગલાં ભરી રહી છે. ત્યારે ગુજરાતમાં સૌપ્રથમવાર લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે એને અમદાવાદ જિલ્લાની 400 પૈકી 100 અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. લોકોની ગેરકાયદે જમીન પચાવીને પોતાના નામે કરી લેનારા ભૂમાફિયા વિરૂદ્ધ આ કાયદા અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં 21 દિવસની અંદર આરોપી વિરુદ્ધ યોગ્ય પગલાં લેવાની જોગવાઈ કરવામાં આવી છે. સાથે તે માથાભારે વ્યક્તિ હોય તો તપાસ સમિતિને પોલીસ મદદ પણ મળી શકે છે.

53 આરોપીની ધરપકડ કરાઈ છે
અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા જ્યારથી આ કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. ત્યારથી અમે આવા આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યા છે. અમારી પાસ આવેલી અરજીમાંથી અત્યાર સુધી અમે 100 જેટલાં કેસનો નિકાલ કર્યો છે. જેમાં 53 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.

ભૂમાફિયા પાસેથી 34 હેક્ટર જમીન મુક્ત કરાવી
કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, આ કેસોમાં લગભગ અત્યાર સુધી અમે ત્રણ બેઠક કરી છે. જેમાં 34 હેક્ટર જેટલી અલગ-અલગ જમીન પચાવી પાડનાર લોકો સામે કાર્યવાહી કરી છે. આ જમીનની અંદાજીત કિંમત રૂ. 1350 કરોડ થાય છે. જેને અમે ગેરકાયદે જમીન પર કબ્જો કરનાર વ્યક્તિ પાસેથી મુક્ત કરવી છે. અમે લોકોની ફરિયાદ સાથે અમે જાતે પણ પ્રાંત અધિકારીઓને સૂચના આપી છે કે કોઈ ગેરકાયદે જમીન પચાવી પાડનાર વ્યક્તિ ધ્યાનમાં આવે તો તેની સામે પણ અમે જાતે કાર્યવાહી કરીશું.

અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલે
અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલે

ભૂમાફિયા વિરૂદ્ધ ઝડપી કાર્યવાહી
અમદાવાદ જિલ્લામાં આ જમીન પચાવી પાડનાર લોકો સબધી 400 જેટલી અરજી જિલ્લા કલેકટર ને મળી હતી. આ કાયદા જ્યારથી અમલી બન્યો ત્યારથી આ ફરિયાદને લઈને કલેક્ટરે આ અરજી ન નિકાલ માટેના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. જોકે કોરોનાની બીજી લહેરના કારણે આ બાબતે વધું તપાસ થઈ ન હતી, પરંતુ અત્યાર સુધી આ અરજીઓને લઈને 3 બેઠક કલેક્ટર, પ્રાંત અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓ સાથે મળી હતી. જેમાં 100 જેટલી અરજીનો નિકાલ લાવી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં સૌપ્રથમ વાર આ ભૂમાફિયા વિરુદ્ધ આટલી ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં પણ આ ભૂમાફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ
મહેસૂલ વિભાગ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન વિધેયક, 2020 પાસ કરાયું હતું. આ કાયદામાં જણાવાયા અનુસાર જો કોઇ વ્યક્તિ કે વધુ વ્યક્તિઓ સરકારી, ધર્માદાની સંસ્થા કે અંગત માલિકીની જમીન પચાવી પાડીને તેને વેચે, અન્ય કોઇને સોંપે,વેચાણ હેતુ જાહેરાત આપે કે આ હેતુથી કબ્જામાં લે, બીજાને જમીન પચાવી પાડવા માટે ઉશ્કેરે, પોતે આવી જમીનનો ઉપયોગ કરે કે અન્યને ઉપયોગની પરવાનગી આપે, તેના પર મકાન ચણવાના કરારોમાં સામેલ થાય, અને પોતે કે અન્ય વ્યક્તિઓ મારફતે આ પ્રવૃત્તિઓ કરાવે તો તેના વિરુદ્ધ આ કાયદાની જોગવાઇ લાગુ પડશે. જો એવું માલૂમ પડશે કે જમીન પચાવી પાડવાના ગુનામાં કોઇ કંપની સામેલ છે તો તે કંપનીના તમામ પ્રભારી વ્યક્તિઓ વિરુદ્ધ આ ગુન્હો લાગુ પડશે. સરકાર આ માટે દરેક જિલ્લે સ્પેશિયલ કોર્ટની રચના કરશે જ્યાં આવા કેસનો ખટલો ચલાવવામાં આવશે.