અમદાવાદ વેક્સિનેશન:100%ને પ્રથમ ડોઝ, 279 દિવસમાં રોજ સરેરાશ 16,606ને રસી મુકાઈ; 46,33,148 લોકોને રસી અપાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં પ્રતિ મિનિટ સરેરાશ 35ને કોરોનાની રસી આપી વેક્સિનેશનનો લક્ષ્યાંક હાંસલ કરાયો
  • રસીની​​​​​​​ શ્રેષ્ઠ કામગીરી બદલ મ્યુિન.ના 11 કર્મચારીનું સન્માન

મ્યુનિસિપલ કોર્પોરેશને 16 જાન્યુઆરીથી કોરોનાની રસી આપવાની શરૂઆત કર્યાના 279 દિવસમાં કુલ 46,33,148 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે. આ સાથે મ્યુનિ.એ રસી માટે પાત્ર 100 ટકા લોકોને પ્રથમ ડોઝ આપી દીધો છે. આ ગણતરીએ રોજ સરેરાશ 16,606ને રસી અપાઈ. ફેબ્રુઆરીમાં યોજાયેલી મ્યુનિ.ચૂંટણીમાં 18 કે તેથી વધુ વયના મતદારોને આધારે 100 ટકાનો લક્ષ્યાંક હાંસલ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે.

મ્યુનિ. હેલ્થ અધિકારીઓએ છેલ્લા 279 દિવસમાં પ્રતિ મિનિટ 35 લોકોને વેક્સિન આપીને 100 ટકા વેક્સિનેશનનો ટાર્ગેટ પૂરો કર્યો છે. દેશમાં 100 કરોડ લોકોને વેક્સિન અપાયાનું લક્ષ્યાક પણ પૂરું થયું છે. અમદાવાદમાં વેક્સિનેશન સાથે જોડાયેલા અને શ્રેષ્ઠ કામગીરી કરનાર 11 કર્મચારીઓનું મ્યુનિ.એ સન્માન કર્યું હતું. આ કર્મચારીઓમાં ડો. ચેતન ચૌધરી, નિમિષાબેન, ડો. સરફરાઝ, રાહુલ દેસાઇ, ફેરીયલ ભીમાણી, કવિતા પરમાર, વિશાલ રાવલ, હિના રાવત, જૈના રજત, અજય રાઠોડ અને ગૌતમ રાવતનો સમાવેશ થાય છે. મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, પ્રભારી ધર્મેન્દ્ર શાહની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ગુરુવારે શહેરમાં કોરોનાના 2 કેસ નોંધાયા હતા. જ્યારે 22,458 લોકોને રસી આપવામાં આવી હતી.

સન્માન કાર્યક્રમમાં ડે.મેયરને નહીં બોલાવાતા વિવાદ
કોરોના વેક્સિન અભિયાનમાં જોડાયેલા અને શ્રેષ્ઠ કામગીરી કરનાર 11 વોરિયર્સને સન્માનવાના કાર્યક્રમમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને પ્રભારી ધર્મેન્દ્ર શાહને બોલાવીને તેમના હસ્તે સન્માન કરાયું હતું. જોકે આ પ્રસંગે તે ફ્લોર પર જ હાજર ડે. મેયર ગીતાબેન પટેલને નહીં બોલાવતાં સમગ્ર મામલે વિવાદ ઉભો થયો હતો. જેમાં ગીતાબેન બાદમાં આ મામલે પદાધિકારીઓ સમક્ષ પણ નારાજગી વ્યક્ત કરતાં જણાયા હતા.

હું ફેફસાંના એક્સરે લઇ મસ્જિદોમાં ફર્યો હતો
મુસ્લિમ વિસ્તારોમાં રસીકરણ ઓછું હોવાથી હું બીજા વેવમાં સિવિલમાંથી મેળવેલા ફેફસાંના બે એક્સ રે સાથે લઇને ફરતો, મસ્જિદોમાં જઇને ધર્મગુરુઓને પણ સમજાવ્યા કે જેમણે વેક્સિન નથી લીધી તેના ફેફસાં પર શું અસર થઈ છે. - ડો. સરફરાઝ શેખ, મેડિકલ ઓફિસર, એએમસી

400 સોસાયટીઓએ અમારો સંપર્ક કર્યો, અમે ઘરે જઈ રસી આપી
રસીકરણ વધારવા ઝૂંપડપટ્ટીમાં ફર્યા લોકોને સમજાવ્યા, 400 સોસાયટીના સેક્રેટરીનો સામેથી સંપર્ક કર્યો. તેમને કહ્યું કે, અમે અમારી ટીમ સાથે તમારી સોસાયટીમાં આવીએ છીએ, જેમને પણ વેક્સિન લેવાની બાકી હોય તેમને પ્લીઝ, લઇ આવો. અમે અમારી ફરજ નિભાવી છે. - ડો. ચેતન ચૌધરી, મેડિકલ ઓફિસર

વિસ્તારમાં 5000 લોકોને ફોન કરીને લોકોને બીજા ડોઝ માટે બોલાવ્યા
બીજો ડોઝ લેવા નહીં આવતાં લોકોનું લિસ્ટ તૈયાર કરી 5000 થી વધુ લોકોને ફોન કરીને બોલાવ્યા અને બીજો ડોઝ આપ્યો.અમે અમારા વિસ્તારના શિક્ષકો, આંગણવાડી હેલ્થ વર્કર સહિત અનેક કર્મચારીઓને પણ અભિયાનમાં જોડ્યા અને મહત્તમ વેક્સિનેશન થાય તેનું ધ્યાન રાખ્યું. - નિમિષાબેન પટેલ, પબ્લિક હેલ્થ મેનેજર

અન્ય સમાચારો પણ છે...