23 જાન્યુઆરી સોમવારે અમદાવાદ બહેરામપુરામાં રહેતા 23 વર્ષીય નિલેશ ઝાલાને માથામાં ગંભીર ઈજાના કારણે અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મંગળવારે ડૉક્ટરોએ દર્દીને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો. પેશન્ટ કાઉન્સિલર અને ડૉક્ટરોએ દર્દીના પરિવારને અંગદાન કરવા પ્રેરણા આપી હતી. પરિવારે સ્વજનના અંગોના દાનની સહમતી દર્શવતા અંગદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. આ સાથે સિવિલમાં છેલ્લા 25 મહિનામાં જાહેર કરેલા બ્રેઈન ડેડ દર્દીનો આંકડો 100 થયો હતો. આ બ્રેઈન ડેડ દર્દીઓ થકી કિડની, લીવર, હૃદય, ફેફસાં, સ્વાદુપિંડ જેવા શરીરના વિવિધ અંગો માટે રાહ જોઈને બેઠેલા 300 દર્દીને નવજીવન મળ્યું છે.
વિવિધ અંગો માટે રાહ જોઈને બેઠેલા 300 દર્દીને નવજીવન મળ્યું
અમદાવાદના આ બ્રેઈન ડેડ યુવાનને મંગળવાર રાત્રે 10 કલાકે અંગદાન માટે ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા હતા. સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) દ્વારા બ્રેઈન ડેડ દર્દીની બંને કિડની અને લીવર સિવિલની કિડની હોસ્પિટલ, ફેફસાં સીમ્સ હોસ્પિટલ, અમદાવાદ અને હાર્ટ સુરતની મહાવિર હોસ્પિટલને એલોકેટ કર્યું છે. સિવિલના ડૉક્ટરો કહે છે કે, હોસ્પિટલમાં આઈસીયુ સુવિધાને સુધારવાની જરૂર છે. કારણ કે, સિવિલ આઈસીયુમાં બ્રેઈન ડેડ દર્દીના ઓર્ગન બગડે નહીં તે માટે વિવિધ દવાના ડોઝથી દર્દીને મેન્ટેન રાખવું પડે છે, પણ ઘણા ઓછા કિસ્સામાં તે શક્ય બને છે.
ડૉક્ટરોએ દર્દીના પરિવારને અંગદાન કરવા પ્રેરણા આપી
આ કારણે ઘણી વખત અંગ મેળવનારને ક્વોલિટી ઓર્ગન મળતું નથી. છેલ્લા 5 મહિનામાં અમદાવાદ સિવિલમાં ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા ધીમી પડી છે. ડૉક્ટરો કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં દરરોજ ઓછામાં ઓછા બે બ્રેઈન ડેડ દર્દી આઈસીયુમાં દાખલ હોય છે. ઘણી વખત અકસ્માતના કારણે યુવાન દર્દીઓ બ્રેઈન ડેડ હાલતમાં આવતા હોય છે. જેમાં ક્યારેય સુધારો આવતો નથી.
UN મહેતામાં બે માસમાં 5 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા
યુ.એન. મહેતા હોસ્પિટલમાં છેલ્લા બે મહિનામાં 5 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા છે. સિવિલ હોસ્પિટલના સૂત્રો કહે છે કે, બ્રેઈન ડેડ દર્દીના સગાને સ્વજનના અંગદાન કરવા માટે સમજાવવું ઘણું અઘરું હોય છે. યુ.એન. મહેતાના ડૉક્ટરોનો સંપર્ક કરવામાં આવે ત્યારે તે પૂરતો રસ લેતા હોતા નથી. પાંચ વર્ષ વિતી ગયા બાદ યુ.એન. મહેતામાં માંડમાંડ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઈ છે. અમદાવાદ બહાર બ્રેઈન ડેડ દર્દીમાંથી હાર્ટને લેવા જવા માટે યુ.એન.ના એક પણ ડૉક્ટર તૈયાર થતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.