મેટ્રોને બખ્ખાં AMTSને ખોટ:અમદાવાદમાં મુસાફરો ઘટતાં AMTSને રોજનું 10થી 12 લાખનુ નુકસાન, દિવાળીમાં મેટ્રોની કુલ આવક દોઢ કરોડે પહોંચી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં લાઈફ લાઈન કહેવાતી મેટ્રો ટ્રેન હવે દોડતી થઈ ગઈ છે. 2 ઓક્ટોબરથી શરૂ થયેલી મેટ્રો હવે શહેરીજનોને પોસાવા માંડી છે. જેના કારણે વર્ષોથી ચાલતી AMTS બસને મોટો ફટકો પડ્યો છે. દિવાળીના દિવસોમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતાં AMTSને રોજનું 10થી 12 લાખનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જ્યારે બીજી બાજુ દિવાળીને દિવસે 60 હજારથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરતાં મેટ્રોની કુલ આવક દોઢ કરોડને આંબી ગઈ છે. 23 અને 24 ઓક્ટોબરના રોજ મેટ્રોમાં કુલ એક લાખથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. ટ્રાફિક અને વધુ ભાડાથી બચવા લોકોએ ખરીદી સહિત કાલુપુર રેલવે સ્ટેશને પહોંચવા મેટ્રો ટ્રેનનો ઉપયોગ કર્યો હતો.

AMTSને રોજની 10 લાખની આવકમાં ઘટાડો થયો
અમદાવાદમાં દિવાળીના છેલ્લા એક સપ્તાહના તહેવારમાં AMTS બસના પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતા રોજિંદી 10થી 12 લાખની આવકમાં પણ ભારે ફટકો પડયો છે. દેખીતી રીતે જ દિવાળીના તહેવારના છેલ્લા સપ્તાહમાં શહેરીઓ દિવાળીની છેલ્લી ખરીદીમાં વ્યસ્ત હોવાથી અને કેટલાક વતન ચાલ્યા ગયા હોવાની અને કેટલાક પ્રવાસમાં ગયા હોવાથી રોજિંદી આવકમાં ફટકો પડયો છે. આ ફટકા પાછળના અનેક પરિબળો પૈકી શહેરના કોટ વિસ્તારમાં કાલુપુરથી થલતેજ અને વસ્ત્રાલથી અમરાઈવાડી સુધીના રૂટ પર મેટ્રોરેલ દોડતી થતા મેટ્રો રેલના સસ્તા ભાડાના કારણે પ્રવાસીઓ મેટ્રોરેલમાં વધી રહ્યા છે તો બીજી તરફ બીઆરટીએસ વધુ સુવિધાવાળી હોવાથી મ્યુનિ. બસની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે.

દિવાળીમાં મેટ્રોને કારણે AMTSને ખોટ ગઈ
કોર્પોરેશનના સુત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા સપ્તાહના પ્રારંભથી દિવાળીના દિવસો દરમિયાન ઓછામાં ઓછી રૂ. 8 લાખ અને વધુમાં વધુ રૂ. 13 લાખ 57 હજાર જેટલી આવક થવા પામી છે. એટલે કે, રોજની 21થી 22 લાખને બદલે રૂ. 10થી 12 લાખનો રોજિંદો ઘટાડો થતા મ્યુનિ.ટ્રાન્સપોર્ટ સર્વિસની આર્થિક સ્થિતિ પડતા ઉપર પાટુ જેવી થવા પામી છે. મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ રૂ. 800થી 900 કરોડના દેવા તળે દબાયેલી છે એ સ્થિતિમાં બસ સર્વિસે રોજેરોજ પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની તિજોરીની મહેરબાની પર શ્વાસ લેવો પડે છે. મ્યુનિ. તિજોરીમાંથી સરેરાશ રોજ દોઢથી બે કરોડ રૂ. રોકડા મળે છે તે મદદથી જ બસના પૈડાં શહેરમાં ફરી રહ્યા છે.

મેટ્રોની આવક રૂ. દોઢ કરોડ સુધી પહોંચી
દિવાળીના તહેવારમાં કોટ વિસ્તાર સહિતના બજારોમાં ભીડ તેમજ વધુ ભાડાથી બચવા માટે ખરીદી માટે તેમજ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચવા માટે મેટ્રોનો વધારે ઉપયોગ કર્યો હતો. મેટ્રો ફેઝ-1ના બંને રૂટો પર 23મી ઓક્ટો. અને 24મી ઓક્ટો.ના રોજ 1 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી હતી, જેથી મેટ્રોની આવક રૂ. 17 લાખથી વધુ થઈ હતી. મેટ્રોમાં દિવાળીના દિવસે 60 હજારથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. 9મી ઓક્ટો અને 16મી ઓક્ટો બાદ સૌથી વધુ લોકોએ દિવાળીના દિવસ સોમવારે મુસાફરી કરી હતી. જ્યારે મેટ્રોમાં બંને રૂટો પર અત્યાર સુધી 9 લાખથી વધુ લોકોએ મેટ્રોની મુસાફરી કરતાં મેટ્રોની આવક રૂ. દોઢ કરોડની પાસે પહોંચી છે.

થલતેજ- વસ્ત્રાલ રૂટ પર 6,82,674 લોકોએ મુસાફરી કરી
મેટ્રોની શરૂઆતના 24 દિવસોમાં થલતેજ- વસ્ત્રાલ સહિત મોટેરા- વાસણા APMC રૂટ પર સૌથી વધારે ભીડ 9મી ઓક્ટો.ના રોજ 92,493 લોકોએ, 16મી ઓક્ટો.ના રોજ 72,663 અને 24મી ઓક્ટો.એ 60,296 લોકોએ મેટ્રોની મુસાફરી કરી હતી. આ ત્રણ દિવસોમાં જ મેટ્રોની આવક રૂ.36.54 લાખ થઈ હતી. છેલ્લાં 24 દિવસોમાં મેટ્રોના થલતેજ- વસ્ત્રાલ રૂટ પર 6,82,674 લોકોએ મુસાફરી કરતાં આ રૂટ પર મેટ્રોની આવક રૂ. 1.11 કરોડ થઈ છે. જ્યારે મોટેરા- વાસણા APMC રૂટ પર 2,41,672 લોકોએ મુસાફરી કરતાં આ રૂટ પર મેટ્રોની આવક રૂ.35.96 લાખ થઈ છે. બંને રૂટમાં મેટ્રોને સૌથી વધુ આવક થલતેજ- વસ્ત્રાલ રૂટ પર થઈ છે.

અન્ય સમાચારો પણ છે...