મહિલાઓ માટે યોજના:રાજ્યમાં આવતીકાલે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લાગૂ કરાશે, 10 લાખ મહિલાઓને ઝીરો ટકા વ્યાજે રાજ્ય સરકાર દ્વારા રૂ. 1000 કરોડની લોન સહાય

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં બાળકો સાથે મુખ્યમંત્રીએ ભોજન લીધું તે ફાઈલ તસવીર - Divya Bhaskar
રાજ્યમાં બાળકો સાથે મુખ્યમંત્રીએ ભોજન લીધું તે ફાઈલ તસવીર
  • સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂ.3511 કરોડની જોગવાઇ
  • જેન્ડર ઇક્વાલિટીની દિશામાં ગુજરાતે આગેકદમ બઢાવી વ્હાલી દીકરી યોજના' લાગૂ કરી
  • 181 અભયમ મહિલા હેલ્પલાઈન અંતર્ગત 8.25 લાખથી વધુ મહિલાઓને આ સેવા પૂરી પડાઈ

પાંચ વર્ષ નારી ગૌરવના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રીએ મહત્વાકાંક્ષી 'મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લાગૂ કરીને મહિલાઓના આર્થિક સશક્તિકરણ દ્વારા વિકાસ પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી વધારીને ગુજરાતને દેશનું રોલમોડલ બનવા મક્કમતાથી પ્રયાસો હાથ ધર્યા છે. આ યોજના અંતર્ગત રાજ્યની ગરીબ, મધ્યમવર્ગીય, સામાન્ય મહિલાઓના સપનાઓને સાકાર કરવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો નક્કર અમલ થઇ રહ્યો છે. આ માટે 10 લાખ મહિલાઓને ઝીરો ટકા વ્યાજે રાજ્ય સરકાર દ્વારા રૂ. એક કરોડની લોન સહાય જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 50 હજાર અને શહેરી વિસ્તારોની 50 હજાર મળીને કુલ 1 લાખ મહિલા સ્વસહાય જૂથની રચના કરવામાં આવી છે.

મહિલા અને બાળ વિભાગે રૂ 3511 કરોડની જોગવાઈ કરી
સમગ્ર રાજ્યમાં જ્યારે મહિલાઓની સંખ્યા 50 ટકા જેટલી હોય ત્યારે તેમના માટેનું બજેટ પણ મહત્વનું બની જતું હોય છે. ચાલુ વર્ષે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂ.3511 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાતની નિર્ણાયક સરકારે મહિલાઓને સત્તામાં ભાગીદાર બનાવવા ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં 50 % મહિલા અનામતની જોગવાઇ કરી છે. આ સાથે સરકારી નોકરીઓમાં પણ મહિલાઓ માટે 33 % અનામતની જોગવાઇ કરી છે.

ઘો-1માં 4 હજાર અને ધો-9માં 6 હજાર તથા 18 વર્ષે લગ્ન માટે 1 લાખની સહાય
જેન્ડર ઇક્વાલિટીની દિશામાં ગુજરાતે આગેકદમ બઢાવી વ્હાલી દીકરી યોજના લાગૂ કરી છે. આ યોજના દીકરીના જન્મ વેળા માતા-પિતાને આર્થિક સહાય આપીને જેન્ડર રેશિયો જાળવવાની દિશામાંનું ગુજરાતનું મહત્ત્વનું પગલું છે. જે અંતર્ગત રૂપિયા બે લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારને પ્રથમ બે દીકરી માટે આ યોજનાનો લાભ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 59 હજાર જેટલા પરિવારોને રૂ. 22 કરોડથી વધુ સહાય આ યોજના હેઠળ મળી છે. ધોરણ-1માં પ્રવેશ લેતી કન્યાને રૂ. 4,000 ધોરણ 9માં પ્રવેશ લેતી કન્યાને રૂ. 6,000 અને ઉચ્ચ શિક્ષણ માટે અથવા 18 વર્ષની ઉંમરે લગ્ન વખતે રૂ. 1 લાખની આર્થિક સહાય આપવામાં આવે છે.

189 જેટલી યોજનાઓ સંપૂર્ણપણે મહિલાલક્ષી
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે જેન્ડર બજેટ સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં આવે છે. વર્ષ 2021-22ના જેન્ડર બજેટ સ્ટેટમેન્ટમાં કુલ રૂ. 87,111.1૦ કરોડની મહિલાલક્ષી જોગવાઈ કરવામાં આવેલી છે. જેન્ડર બજેટ 2021-22માં 867 જેટલી યોજનાઓ આવરી લેવાઈ છે. આ પૈકી, 189 જેટલી યોજનાઓ સંપૂર્ણપણે મહિલાલક્ષી છે, જેમાં મહિલાઓ અને કન્યાઓની શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૌશલ્યવર્ધન અને આર્થિક સશક્તિકરણ જેવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રૂ.5112.88 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે.

ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના
વિજય રૂપાણીએ તેમના જન્મદિવસે સંવેદનાસભર જાહેરાત કરી છે, જેમાં રાજ્યની વિધવા મહિલાઓના સમાજમાં પુન:સ્થાપન માટે ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર રૂ. 50 હજાર આપશે. કષ્ટપૂર્ણ વૈધવ્ય જીવન જીવતી મહિલા પુન:લગ્ન કરવા પ્રેરાય અને પગભર બની નવું જીવન જીવે તે માટે આ યોજના શરૂ કરી છે રાજ્યના તમામ જિલ્લાઓમાં ગંગા સ્વરૂપા બહેનોને ડીબીટી મારફત સહાય ચૂકવવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં 7,66,740 વિધવા બહેનોને આર્થિક સહાય ચૂકવાઈ છે.

વિધવા સહાય યોજનામાં બે તબક્કામાં સહાય
વિધવા સહાય યોજનાને સન્માનજનક નામ આપી ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના જાહેર કરવામાં આવી છે. બે તબક્કામાં સહાયની રકમને વધારવામાં આવી, પહેલા તબક્કામાં સહાયની રકમ રૂપિયા 750થી વધારીને રૂ. એક હજાર અને બીજા તબક્કામાં રૂપિયા હજારથી વધારીને રૂપિયા 1,250 કરવામાં આવી. આ યોજના અંતર્ગત અગાઉ 21 વર્ષની ઉંમરનો પુત્ર થાય પછી સહાય બંધ કરવાની જોગવાઈ રદ કરવામાં આવી છે. જેના પરિણામે 10 લાખ ઉપરાંત ગંગા સ્વરૂપા બહેનોને આવરી લેવાઈ છે.

વ્હાલી દીકરી યોજના LIC સાથે 20 વર્ષનો એમ.ઓ.યુ
મિલકતો બહેનોના નામે ખરીદાય ત્યારે સ્ટેમ્પ ડ્યૂટી માફ કરવાની પણ રાજ્ય સરકારે જોગવાઇ કરી છે. જેનાથી મોટી સંખ્યામાં બહેનો મિલકતોની માલિક બની છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વ્હાલી દીકરી યોજનાના અમલીકરણ સંદર્ભે LIC સાથે 20 વર્ષનો એમ.ઓ.યુ. કરીને પ્રિમિયમ પેટે રૂ. 22 કરોડની રકમનું પ્રિમિયમ ચેક મુખ્યમંત્રીના વરદ્‍ હસ્તે LICને આપવામાં આવ્યું હતું.

વિધવા પુન: લગ્ન માટે 3 હજાર કરોડની જોગવાઈ
વિધવા બહેન જો પુન: લગ્ન કરે તો તેને રૂ. 50 હજારની સહાય આપવી. જે માટે વર્ષ 2021-22ના અંદાજપત્રમાં નવી બાબત તરીકે રૂ 3.000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારે બાળકો, કિશોરીઓ, ધાત્રી માતા, સગર્ભા માતાની તંદુરસ્તીની ચિંતી કરી છે. ગુજરાત એક માત્ર રાજ્ય છે જેમાં 6 માસથી 3 વર્ષના બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને ઘરે લઇ જવા ટેક હોમ રેશન (THR) આહાર આપવામાં આવે છે. ટેક હોમ રેશન (THR) માટે આગામી વર્ષના બજેટમાં રૂ. 500 કરોડ જેટલી જોગવાઇ કરવામાં આવી છે.

કિશોરીઓ માટે પૂર્ણા યોજના
15થી 18 વર્ષની કિશોરીઓ શાળાએ જતી તેમજ ન જતી તમામ કિશોરીઓ માટે પૂર્ણા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. દર મહિને સરેરાશ 11 લાખ જેટલી કિશોરીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. વર્ષ 2021- 22માં જેના માટે રૂ. 229 કરોડની કરવામાં આવી છે.

181 અભયમની મોબાઈલ એપ્લિકેશનથી 8.25 લાખથી વધુ મહિલાને સેવા પૂરી પાડી
વર્ષ 2018-19માં 181 અભયમ મહિલા હેલ્પલાઈનની નવી મોબાઈલ એપ્લિકેશન લોંચિંગ કરવામાં આવી. જેમાં હિંસાથી પીડિત મહિલાઓને જરૂરી માર્ગદર્શન એક જ જગ્યાએથી મળી રહે. અત્યાર સુધીમાં 8 લાખ 25 હજારથી વધુ મહિલાઓને આ સેવા પૂરી પાડવામાં આવી છે. તથા 1 લાખ 66 હજાર મહિલાઓને રેસ્ક્યૂ વાનની સેવા પૂરી પાડવામાં આવી છે. ચાલુ વર્ષના બજેટમાં આ અંગે રૂ.11.50 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મહિલા સ્વાવલંબન યોજના 2579 બહેનોને લોન
રાજ્યની મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને, કુટુંબના આર્થિક વિકાસમાં ફાળો આપી શકે તે માટે ગૃહ ઉદ્યોગ, વ્યવસાય શરૂ કરવા માટે ગુજરાત રાજ્ય આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલા સ્વાવલંબન યોજના અમલમાં લાવવામાં આવેલા છે. છેલ્લા ત્રણ વર્ષમાં 2579 બહેનોને રૂ. 9,67,48,690 લોન તથા રૂ. 3,04,31,087 સબસિડી આપવામાં આવેલી છે.

નારી ગૌરવ દિવસનો સીએમ વડોદરાથી શુભારંભ કરાવશે
આવતીકાલે ''પાંચ વર્ષ નારી ગૌરવના''ની થીમ આધારિત મુખ્યમંત્રી તેમજ રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી 4થી ઓગસ્ટે ‘નારી ગૌરવ દિવસ’ નિમિત્તે રાજ્યની મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાઓ સાથે સંકળાયેલા મહિલાલક્ષી વિવિધ કાર્યક્રમોનું વડોદરાથી શુભારંભ કરાવશે. રાજ્યના 10 હજાર જેટલી મંડળોની 1 લાખ બહેનોને કુલ 100 કરોડ રૂપિયા રાજ્ય સરકાર વગર વ્યાજે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે આપશે.

રાજ્યના 10 હજારથી વધઉ સખી મંડળો ભાગ લેશે
શહેરી વિસ્તારમાં 38 અને ગ્રામ્ય વિસ્તારમાં 70 મળીને કુલ 108 જેટલા મહિલા ઉત્કર્ષ યોજનાના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં શહેરી વિસ્તારમાં 5 હજાર અને ગ્રામ્ય વિસ્તારમાં 5 હજાર આમ કુલ 10 હજારથી વધુ સખી મંડળો ભાગ લેશે. તદઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે 200 આંગણવાડી મકાનોનું લોકાર્પણ તેમજ 143 આંગણવાડી મકાનોનું ખાતમૂર્હૂતના કાર્યક્રમો પણ યોજાશે. આ સાથે લુણાવાડા અને નવસારીમાં સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ તેમજ મોડાસા, હિંમતનગર અને ગાંધીનગર ખાતે ખાતમૂર્હૂત કરાશે.