હાલાકી:ગુજરાતના 10 લાખ ઘરો હજુ પણ નળજોડાણની સુવિધાથી વંચિત

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 12 હજારથી વધુ ગામોમાં 100 ટકા નળજોડાણથી પાણી અપાતું હોવાનો દાવો
  • છેલ્લાં 3 વર્ષમાં જલજીવન મિશનમાં 4300 કરોડનો ખર્ચ કરાયો

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ 10 લાખથી વધારે ઘરો ઘરઆંગણે પીવાના પાણીની સુવિધાથી વંચિત છે. રાજ્યના દરેક ઘરે પીવાનું પાણી પહેોંચાડી દેવાના સરકારના દાવાઓ વચ્ચે હજુ 13 ટકા ઘરો નળની સુવિધા ઝંખી રહ્યા છે. જલ જીવન મિશન ડેશબોર્ડની માહિતી મુજબ, 6 જિલ્લામાં 100 ટકા નળજોડાણની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. આ જેમાં મહેસાણા, ગાંધીનગર, આણંદ, વડોદરા, બોટાદ, પોરબંદરનો સમાવેશ થાય છે.

ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 92.92 લાખ ઘરોમાંથી 82.18 લાખ ઘરોમાં નળજોડાણથી પાણી આપવામાં આવી રહ્યું છે. અંદાજે 10 લાખથી વધારે ઘરો હજૂ પણ ઘરઆંગણે નળથી શુદ્ધ પાણીથી વંચિત છે. છેલ્લા 3 વર્ષમાં આ કામગીરી માટે રૂપિયા 4300 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. રાજ્યમાં 59 તાલુકા અને 12705 ગામોમાં 100 ટકા નળજોડાણ પૂર્ણ થયાનો દાવો મિશન દ્વારા કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2020-21માં 10 લાખથી વધારે નળજોડાણની કામગીરી કરવાનો દાવો મિશન દ્વારા કરાયો છે.

આ જિલ્લાઓ નસીબદાર

  • 100 ટકા નળજોડાણ: મહેસાણા, વડોદરા, ગાંધીનગર, આણંદ, બોટાદ, પોરબંદર
  • 95 ટકાથી વધુ નળજોડાણ: મોરબી, જૂનાગઢ, પાટણ, જામનગર, કચ્છ, રાજકોટ, ભરૂચ, ડાંગ,ગીર સોમનાથ

(મોરબી, જામનગર, પાટણ, ભરૂચ જિલ્લામાં 99 ટકાથી વધારે ઘરોને આવરી લેવાયા છે જ્યારે ડાંગ, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, રાજકોટમાં 95 ટકાથી વધારે કામગીરી થઇ ચૂકી છે.)

1289 ગામોમાં કામગીરીની શરૂઆત થવાની જ બાકી!
17 લાખ ઘરોને આ મિશન હેઠળ આવરી લેવામાં આવ્યા છે. 15મી ઑગસ્ટ, 2019થી અત્યાર સુધી અંદાજે 18 ટકા ઘરોને નળજોડાણ મળ્યા છે. 12705 ગામોમાં 100 ટકા નળજોડાણ આવી ગયા છે. 4197 ગામોમાં નળજોડાણ માટેની કામગીરી ચાલી રહી છે જ્યારે 1289 ગામોમાં હજૂ સુધી કોઇ કામગીરી કરાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...