ગ્રાઉન્ડ રિપોર્ટ:અમદાવાદમાં 10 ડોમમાં કોરોના ટેસ્ટ માટે લાઇન લાગી, ખાનગી લેબમાં ટેસ્ટિંગ માટે સૌથી વધુ ભીડ

અમદાવાદ13 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
વસ્ત્રાપુરમાં કોરોના ટેસ્ટિંગ ડોમની તસવીર.
  • અમદાવાદમાં 10થી વધુ ખાનગી લેબ કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે
  • વસ્ત્રાપુર, ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં ટેસ્ટિંગ માટે લાઈનો જોવા મળી

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો હવે 1500ને પાર પહોંચ્યા છે, ત્યારે શહેરમાં કોરોનાના ટેસ્ટિંગનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ખાનગી લેબોરેટરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઊભા કરવામાં આવેલા ટેસ્ટિંગ તેમજ અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે. દિવ્ય ભાસ્કરે અમદાવાદમાં થતા કોરોનાના ટેસ્ટિંગ અંગે રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેમાં દરરોજના ખાનગી લેબોરેટરીમાં સૌથી વધુ ટેસ્ટિંગ માટે ભીડ જોવા મળે છે. ઉપરાંત 50થી વધુ અર્બન હેલ્થ સેન્ટરમાં પણ રોજના 1000 જેટલા ટેસ્ટ થાય છે. કોર્પોરેશન દ્વારા ઊભા કરવામાં આવેલા 45થી વધુ ડોમમાંથી માત્ર 10 જેટલા ડોમમાં જ 100થી વધુ સૌથી વધુ ટેસ્ટિંગ થાય છે.

શહેરમાં માત્ર બે-ચાર ડોમમાં જ વધુ ટેસ્ટિંગ
DivyabBhaskarએ અમદાવાદના અલગ અલગ જગ્યાએ ઊભા કરવામાં આવેલા ટેસ્ટિંગ ડોમનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. જેમાં વસ્ત્રાપુર, ઘાટલોડિયા, સાબરમતી, ન્યૂ રાણીપ સહિતના વિસ્તારમાં આવેલા ટેસ્ટિંગ ડોમની તપાસ કરી હતી. ઘાટલોડિયા પ્રભાત ચોકમાં ટેસ્ટિંગ ડોમ ઊભો કરવામાં આવ્યો છે, જ્યાં સવારથી ટેસ્ટિંગ માટે લાઈન જોવા મળી હતી. લોકો ડોમમાં ટેસ્ટ કરાવવા માટે લાઈનમાં ઊભા હતા. આ ટેસ્ટિંગ ડોમમાં રોજના 100 જેટલા લોકો આવતા હોવાનું અને બે જેટલા પોઝિટિવ આવતા હોવાનું જાણવા મળ્યું હતું.

ઘાટલોડિયામાં પ્રભાતચોક ખાતે કોરોના ટેસ્ટિંગ ડોમની તસવીર.
ઘાટલોડિયામાં પ્રભાતચોક ખાતે કોરોના ટેસ્ટિંગ ડોમની તસવીર.

રોજના 14000થી વધુ ટેસ્ટ
વસ્ત્રાપુર આલ્ફાવન મોલની બહાર પણ ટેસ્ટિંગ ડોમ ઊભો કરાયો છે, જેમાં રોજના સૌથી વધુ 100 જેટલા લોકો ટેસ્ટ કરાવવા આવે છે, જેમાં બેથી ચાર લોકો પોઝિટિવ આવે છે. સામાન્ય તાવ કે શરદી હોય તેવા લોકો ટેસ્ટ કરાવે છે. બહારગામ ફરીને આવેલા લોકો પરિવાર સાથે અહીં ટેસ્ટ માટે આવે છે, જોકે કોઈ પોઝિટિવ આવ્યા હોય એવા કેસ નથી આવ્યા. સવારે 10થી 12 વચ્ચે જ વધુ ટેસ્ટ માટે લોકો આવે છે. અમદાવાદમાં ખાનગી લેબોરેટરી, ટેસ્ટિંગ ડોમ અને અર્બન હેલ્થ સેન્ટરમાં મળીને દરરોજના 14000 જેટલા ટેસ્ટ થતા હોવાનું મ્યુનિસિપલ કમિશનરનું કહેવું છે. છેલ્લા ત્રણ દિવસથી કોરોના ટેસ્ટ વધાર્યા છે.

શહેરમાં 45 સ્થળે AMCના ટેસ્ટિંગ ડોમ કાર્યરત છે.
શહેરમાં 45 સ્થળે AMCના ટેસ્ટિંગ ડોમ કાર્યરત છે.

ખાનગી લેબમાં રોજના 500 ટેસ્ટમાંથી 25-30 પોઝિટિવ કેસ
ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગની વાત કરીએ તો અમદાવાદમાં 10થી વધુ ખાનગી લેબોરેટરીમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવે છે. એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ખાનગી લેબોરેટરીના મેનેજમેન્ટના જણાવ્યા મુજબ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં રોજના 150થી 200 જેટલા ટેસ્ટ થતા હતા. જોકે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં હવે કોરોનાના અંદાજે 500 જેટલા ટેસ્ટ રોજના થાય છે અને જેમાં 25થી 30 જેટલા કોરોના પોઝિટિવ આવે છે.

સાબરમતી વિસ્તારમાં કોરોના ટેસ્ટ કરાવતી મહિલાની તસવીર.
સાબરમતી વિસ્તારમાં કોરોના ટેસ્ટ કરાવતી મહિલાની તસવીર.