USથી આવ્યો પ્રાણવાયુ:અમેરિકાના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા 9 કરોડના ખર્ચે ભારત માટે 1 હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટરની વ્યવસ્થા, પહેલો જથ્થો અમદાવાદ પહોંચ્યો

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાસપુર ઉમિયાધામથી અલગ અલગ હોસ્પિટલો અને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે
  • સાથે જ 20 નિષ્ણાત ડોકટરોની ટીમ વિનામૂલ્યે કોરોના કાઉન્સેલિંગ સેવા આપશે

કોરોનાની બીજી લહેરમાં ગુજરાત રાજ્યની પ્રજા પર આવી પડેલી અણઘારી આફતમાં રાજ્યમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને મેડિકલ ઇન્સ્ટુમેન્ટ્સની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-USAની ટીમે 9 કરોડથી વધુના ખર્ચે એક હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભારત મોકલવાની વ્યવસ્થા કરી, જેનો પહેલો જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો છે. 335 જેટલાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર અમદાવાદ જાસપુર વિશ્વ ઉમિયાધામ મંદિરથી આજથી અલગ અલગ હોસ્પિટલો અને જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે.

20 ડોકટરોની ટીમનું વિનામૂલ્યે કોરોના કાઉન્સેલિંગ
આજે સવારે ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરની પૂજા કરી હતી. ઝડપથી લોકો આ મહામારીથી મુક્તિ મળે એ માટે પ્રાર્થના કરી હતી. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી આર.પી. પટેલે જણાવ્યું હતું કે આજે આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવશે. ઉપરાંત 20 જેટલા નિષ્ણાત ડોકટરોની ટીમ વિનામૂલ્યે કોરોના કાઉન્સેલિંગ સેવા આપશે.

એક હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર સાથે વેન્ટિલેટર, બાયપેક અમેરિકાથી અમદાવાદ આવશે.
એક હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર સાથે વેન્ટિલેટર, બાયપેક અમેરિકાથી અમદાવાદ આવશે.

100 ઓક્સિજન કોન્સન્ટ્રેટરના મેડિકલ ઇન્સ્ટુમેન્ટ્સ અમદાવાદ આવ્યાં
રાજ્યમાં આવી પડેલી આફતમાં સમાજની પડખે ઊભા રહી એક હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર સાથે પાંચ વેન્ટિલેટર, 15 બાયપેક અને અન્ય મેડિકલ ઇન્સ્ટુમેન્ટ્સ ડાયરેક્ટ અમેરિકાથી અમદાવાદ આવશે. ભારતની સાથે અમેરિકામાં પણ કોરોનાની બીજી લહેરની અસર હોવાથી સંસ્થાના ટ્રસ્ટીઓએ અમેરિકન સરકારના નિયમોને આધીન દર અઠવાડિયે પ્લેન દ્વારા 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલવાની વ્યવસ્થા કરી છે, જે પૈકી સૌપ્રથમ 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિત પાંચ વેન્ટિલેટર અને અન્ય મેડિકલ ઇન્સ્ટુમેન્ટ્સ અમદાવાદ આવ્યાં છે.

NRI ગુજરાતીઓએ દિલ ખોલી દાન કર્યાં
દર અઠવાડિયે આવનારાં 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર સ્ટેપવાઈઝ રાજ્યનાં વિવિધ શહેરોની સંસ્થાઓ તેમજ સમાજના જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે. આ સમગ્ર કામગીરીમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમેરિકાના કોર્ડિનેટર રસિકભાઈ બી.પટેલ, અજિતભાઈ પટેલ, વી.પી.પટેલ ,જેપી પટેલ, વિજયભાઈ પટેલ તેમજ સવિશેષ USA યુથ કમિટીના ચેરમેન દિનેશ પટેલ - ડેની (ગામ - નારદીપુર )નું યોગદાન સર્વોત્તમ રહ્યું છે. આ ઉપરાંત સમગ્ર અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારોએ પોતાની ભીતરની સંવેદનાને ઉજાગર કરીને દાનની સરવાણી વહેતી કરી છે એ માટે સંસ્થા તેમના પ્રત્યે અહોભાવની લાગણી વ્યક્ત કરે છે.

ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરની પૂજા કરી હતી.
ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરની પૂજા કરી હતી.

વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે જ ‘ઓક્સિજન બેંક’ શરૂ
અમેરિકાથી આવનારાં એક હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર સાથે સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા જરૂરિયાતમંદ હોસ્પિટલ અને કોરોના દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવા વિશ્વ ઉમિયાધામ મંદિર ખાતે જ ‘ઓક્સિજન બેંક’ શરૂ કરાઈ છે, જેમાં રોજની 300થી વધુ જમ્બો ઓક્સિજન-સિલિન્ડર દર્દીઓ અને હોસ્પિટલ્સને નિઃશુલ્ક અપાઈ રહ્યાં છે. છેલ્લા સાત દિવસમાં લગભગ 2100થી વધુ જમ્બો ઓક્સિજન-સિલિન્ડર નિઃશુલ્ક (એકપણ રૂપિયાનો ચાર્જ લીધા વગર) હોસ્પિટલ્સ અને દર્દીઓને આપવામાં આવ્યાં છે. ઓક્સિજન બેંકના ભગીરથ કાર્યમાં ભારત ઉપરાંત વિદેશમાં વસતા પરિવારો ખૂબ મોટા પ્રમાણમાં આર્થિક યોગદાન આપી સહાય કરી રહ્યા છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સંગઠન ટીમ દ્વારા કોરોના દર્દીઓને પ્રાણવાયુ ન ખૂટે એ માટે દિવસ-રાત મહેનત કરાઈ રહી છે.

મોરબીમાં 300થી વધુ બેડનું કોવિડ કેર સેન્ટર કાર્યરત
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મોરબી જિલ્લા સંગઠન કમિટી દ્વારા મોરબીમાં 600 બેડની સુવિધા સાથે બે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયાં છે. મોરબી પટેલ કન્યા કેળવણી મંડળની ગર્લ્સ હોસ્ટેલમાં છેલ્લા એક મહિનાથી 300થી વધુ બેડ કોવિડ કેર સેન્ટર કાર્યરત છે, સાથે સાથે મોરબી નજીક આવેલા જોધપર ગામમાં આવેલી પાટીદાર સમાજની બોયઝ હોસ્ટેલ (પાટીદાર કોવિડ કેર સેન્ટર)માં વધારાનાં 300 બેડનું કોવિડ કેર સેન્ટર 04/04/21થી કાર્યરત છે.

રોજની 300થી વધુ જમ્બો ઓક્સિજન-સિલિન્ડર દર્દીઓ અને હોસ્પિટલ્સને નિઃશુલ્ક અપાઈ રહી છે.
રોજની 300થી વધુ જમ્બો ઓક્સિજન-સિલિન્ડર દર્દીઓ અને હોસ્પિટલ્સને નિઃશુલ્ક અપાઈ રહી છે.

100થી વધુ બેડમાં ઓક્સિજનની પણ વ્યવસ્થા
આ બંને કોવિડ સેન્ટરમાં સૌરાષ્ટ્રના અનેક દર્દીઓ સેવાનો લાભ લઈ રહ્યા છે. મહત્ત્વનું છે કે આ બંને કોવિડ કેર સેન્ટરમાં સંપૂર્ણ વ્યવસ્થા નિઃશુલ્ક છે. ઉપરાંત 100થી વધુ બેડમાં ઓક્સિજનની પણ વ્યવસ્થા કરાઈ છે. મોરબી કોવિડ કેર સેન્ટરનું ભગીરથ કાર્ય વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-મોરબી જિલ્લા કમિટીના ચેરમેન ત્રમ્બકભાઈ ફેફર, જિતુભાઈ અઘારા અને તેમની ટીમના નેતૃત્વમાં થઈ રહ્યું છે.

અમદાવાદમાં 120 બેડની કોવિડ હોસ્પિટલની શરૂઆત
આ સાથે જ કોરોનાની મહામારીમાં "સેવા પરમો ધર્મ "ને સાર્થક કરવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને અમદાવાદમાં ડી.કે. હોલ - નારણપુરા ખાતે 120 બેડની કોવિડ હોસ્પિટલ દેવસ્ય હોસ્પિટલના સહયોગથી શરૂ કરી છે, જેમાં હાલ તમામ બેડ પર ઓક્સિજનની વ્યવસ્થા કરાઈ છે. આ માટે જીવના જોખમે સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલ તેમજ અન્ય હોદ્દેદાર દીપકભાઈ પટેલ રૂપેશભાઈ પટેલ, ડી.એન. ગોલ, સુરેશભાઈ પટેલ, રસિકભાઈ પટેલ, અનિલભાઈ પટેલ તેમજ અનેક દાતાઓ - મિત્રો રાત-દિવસની મહેનત કરી રહ્યા છે.

એશિયન મિલ્સના માલિકે એક કરોડનું દાન કર્યું
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની આવી ઉમદા પ્રવૃત્તિથી પ્રેરાઈને એશિયન મિલ્સ પ્રા.લિ.ના માલિક ઓમ પ્રકાશ અગ્રવાલજી કે જેમણે અગાઉ પણ રૂપિયા અઢી કરોડનું દાન સંસ્થાને આપ્યું હતું, તેમણે કોરોનાના દર્દીઓની સારવાર અર્થે રૂપિયા એક કરોડનું દાન સંસ્થામાં જમા કરાવી દીધું છે.