કોરોનાકાળમાં પૂર્વ ઝોનના તત્કાલીન ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. અશ્વિન ખરાડીએ કેટલાક શિક્ષકોને કમિશનરનો હુકમ હોવાનું કહી પોતે શિક્ષકોને હોસ્પિટલના હેલ્પ ડેસ્ક પર ફરજો સોંપી હતી. બાદમાં કમિશનરના હુકમની નકલ શિક્ષકોએ આરટીઆઈથી માગતા ખરાડી તથા ડો. વિપુલ પ્રજાપતિએ નહીં આપતાં જાહેર માહિતી આયોગે બંનેને રૂ.1-1 હજારનો દંડ ફટકાર્યો છે. સાથે આ દંડની રકમ તેમના પગારમાંથી કાપીને સરકારમાં જમા કરાવવા આદેશ આપ્યો છે. પૂર્વ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. અશ્વિન ખરાડીએ તેમના વિસ્તારની હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક ઉપર મ્યુનિ. સ્કૂલ બોર્ડના શિક્ષકોને હાજર થવા માટે ઓર્ડર કર્યા હતા. જેથી તે સમયે મોટાભાગના શિક્ષકો તેમના સ્થળે હાજર થઇ ગયા હતા. તે સમયે ડો. ખરાડીએ કહ્યું હતું કે, આ હુકમ કમિશનરનો છે. માર્ચ 2021માં શિક્ષકોએ ખરાડી પાસે માહિતી માગી હતી કે, તેમણે કઈ સત્તા હેઠળ આ ફરજ સોંપી હતી. કમિશનરે તેમને સત્તા આપી હોય તો નકલ આપો. જોકે ડો. ખરાડી એવું કહ્યું કે, આ માહિતી અહીં લાગુ પડતી નથી. જે બાદ શિક્ષકોએ જાહેર માહિતી આયોગમાં અરજી કરી હતી. ત્યાં પણ અધિકારી દ્વારા કોરોના કાળમાં વધુ કામગીરી સહિતી બાબતો રજૂઆત કરી હતી, જોકે તેમણે કઇ સત્તા હેઠળ આ શિક્ષકોને ફરજ સોંપી તેનો જવાબ આપ્યો ન હતો. આખરે માહિતી આયોગે ડો. અશ્વિન ખરાડી અને ડો.વિપુલ પ્રજાપતિને 1-1 હજારનો દંડ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.