તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:માસ્ક નહિ પહેરનાર પાસેથી 1 હજાર દંડ વસૂલો, ફરી પકડાય તો 5 હજાર સુધીનો દંડ લો : હાઈકોર્ટ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મામલે હાઈકોર્ટે સરકારને આડે હાથ લીધી, 11 જિલ્લામાં RT-PCR ટેસ્ટ, રેપિડ ટેસ્ટની સુવિધા કેમ નથી?
  • ‘કોરોનાના કેસ, ટેસ્ટિંગ, મોતના સાચા આંકડા અખબારમાં આપવા પડશે, તેનાથી જ લોકો જાગ્રત થશે’

કોરોના મામલે હાઈકોર્ટે સુઓમોટો જાહેરહિતની અરજીમાં સરકારને આડે હાથ લીધી હતી. કોર્ટે કહ્યું છે કે, દેશમાં દસ લાખની વસતીએ ટેસ્ટ કરવામાં ગુજરાત સૌથી તળિયે છે. ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે સરકારને મહત્ત્વના 12 મુદ્દા પર પગલાં લેવા આદેશ કરતા કહ્યું છે કે, સરકારે રોજેરોજ લીધેલા સેમ્પલના, પોઝિટિવ કેસના, તેનાથી થતા મૃત્યુના, ડિસ્ચાર્જ કરાયેલા અને હોમ કવોરેન્ટાઇન થયેલા લોકોના સાચા આંકડા અખબારોમાં આપવા પડશે તેનાથી લોકોમાં જાગૃતિ આવશે.

11 જિલ્લામાં RT-PCR ટેસ્ટ કે રેપિડ ટેસ્ટિંગની સુવિધા કેમ નથી? તે અંગે સરકાર તાત્કાલિક ખુલાસો કરે નહિતર હાઇકોર્ટ હુકમ કરી દેશે. રિક્ષામાં બેસનારી વ્યક્તિ માસ્ક ન પહેરે તો રિક્ષા ડ્રાઇવર પાસેથી દંડ વસૂલો. સરકારે માસ્ક નહિ પહેરનાર પાસેથી 1 હજાર દંડ વસૂલવા અને વારંવાર પકડાય તો 5 હજાર સુધી પણ દંડ વસૂલવો જોઈએ. હાલ સરકાર રૂ.500નો દંડ વસૂલે છે તે વધારવા હાઇકોર્ટે અગાઉ પણ આદેશ કર્યો છે.

મહામારીમાં સરકારને પણ કોઈ લાભ નહિ થાય
કોર્ટે અવલોકન કર્યું છે કે, મહામારી અને યુદ્ધ સમાન છે, પણ યુદ્ધમાં કોઈ એકની જીત નક્કી છે, મહામારીમાં બધાએ ગુમાવવાનું છે. આમાં સરકારને કોઈ લાભ થવાનો નથી. સરકારે નાગરિકોના આરોગ્યના હિતને પ્રાથમિકતા આપવી જોઇએ. આપણે એવા સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છીએ કે સરકારે જનહિતમાં કડવા નિર્ણયો પણ લેવા પડે. તેનાથી બધાને રાજી કરી શકાય નહિ, પરતું નાગરિકના સુખાકારી માટે કેટલાંક જૂથને નારાજ કરવા પડે તો તેમાં કોઈ વાંધો હોઈ શકે નહિ.

હર્ડ ઇમ્યુનિટી એ માત્ર ભ્રામકતા છે
હર્ડ ઇમ્યુનિટી વિશે હાઈકોર્ટે સરકારને એવી ટકોર કરી છે કે હર્ડ ઇમ્યુનિટી અંગે લોકોમાં ઘણો ડર વધ્યો છે. વાસ્તવમાં હર્ડ ઇમ્યુનિટી એ ભ્રામકતા છે. તે અંગે લોકોને આશ્વાસન મળે તેવા પ્રયાસો થવા જોઈએ.

કોર્ટે MBBSના વિદ્યાર્થીઓને બિરદાવ્યા
MBBSના 50 વિદ્યાર્થી કોવિડની મહામારીમાં સ્વેચ્છાએ પોતાની જવાબદારી સમજીને ફરજ પર હાજર થયા છે તેમને હાઇકોર્ટે બિરદાવતા કહ્યું કે, આ વિદ્યાર્થીઓએ સમગ્ર રાજ્યને ગર્વ થાય તેવું કાર્ય કર્યું છે.

નફો રળનારા લોકો સામે આકરાં પગલાં લો
હાઈકોર્ટે સરકારને એવો નિર્દેશ કર્યો છે કે, ગરીબ, વૃદ્ધ અને અણસમજુ લોકોની માંદગીનો લાભ લઇને દવા કે તબીબી સેવાના નામે તેમની પાસેથી નફો રળતા લોકો સામે આકરાં પગલાં લેવાની જરૂર છે.

દવાની સરખી ઓળખ જાહેર કરવી જોઈએ
રાજ્યમાં થોડા દિવસ પહેલા ટોસિલિઝુમેબ અને રેમેડિસેવર જેવી દવાઓનું નકલી વેચાણ વધી ગયું હતું જેને ટકોર કરતા હાઇકોર્ટે ટોસિલિઝુમેબ અને રેમેડિસેવર જેવી દવાઓનું વિતરણ વ્યવસ્થા માત્ર સરકાર હસ્તક કરવા નિર્દેશ કર્યો છે. જીવનરક્ષક દવાઓના કાળા બજાર અટકાવવા સરકારે પોતાની વેબસાઇટ પર દવાઓની ઓળખ કરતા ચિત્રો અને તેની સાચી કિમંત જાહેર કરવી જોઇએ તેથી લોકો છેતરાય નહીં. ખાનગી દવા વિતરકો કે અન્ય ત્રાહિત લોકોને દવાઓના વેચાણમાં સામેલ કરી શકાય નહીં.

સુરતથી આવનારા લોકો પર પ્રતિબંધ મૂકો
હાઇકોર્ટે સરકારને સ્પષ્ટ આદેશ કર્યો છે કે, ચોક્કસ સમય મર્યાદા માટે સુરતથી અમદાવાદમાં પ્રવેશતા લોકો પર પ્રતિબંધ મૂકો, જેથી કરીને અમદાવાદમાં કેસોની સંખ્યા વધતી અટકાવી શકાય.

મોલના માલિકો સામે કડક પગલાં લો
વસ્ત્રાપુરના અમદાવાદ વન મોલમાં માસ્ક વગર હજારો લોકો ફરતા હોવાની વાત ઘણી ડરામણી છે. આવા સંજોગોમાં માત્ર દુકાનના માલિકો નહીં, પરંતુ મોલના માલિકો સામે પણ કાયદા અનુસાર યોગ્ય પગલાં લો. મોલમાં માસ્ક વગર પ્રવેશ જ અટકાવવો જોઇએ.

નર્સ-ડોક્ટર્સને બ્રાન્ડેડ PPE કિટ પૂરી પાડો
સરકારને એવો નિર્દેશ કર્યો છે કે, તબીબી સુવિધા વધારવા યોગ્ય માળખાકીય સગવડો વધારવા નવા જોડાયેલા નર્સ અને ડોકટર્સને ગુણવત્તાયુકત પીપીઇ કિટ પૂરી પાડો. તેમનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે. કપરા કાળમાં કામ કરતા કોરોના વોરિયર્સ ગણાતા પોલીસ કર્મચારીઓ, નર્સિંગ સ્ટાફ, હેલ્થ વર્કરોને યોગ્ય વળતર આપો જેથી તેમની કદર થાય.

અન્ય સમાચારો પણ છે...