ઇન્કમટેક્સના દરોડા:અમદાવાદના એક બિઝનેસ ગ્રૂપમાંથી 1 હજાર કરોડનું કાળું નાણું પકડાયું

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઇન્કમટેક્સ વિભાગે 20 જુલાઈએ સાગમટે 58 સ્થળે સર્ચ હાથ ધર્યું હતું
  • ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં પણ મોટાપાયે ચેડાં થયા હોવાનું ખૂલ્યું

ઇન્કમટેક્સ વિભાગે અમદાવાદના એક બિઝનેસ ગ્રૂપ પર તાજેતરમાં પાડેલા દરોડામાં 1000 કરોડથી વધુ રકમની બિનહિસાબી આવક પકડી પાડી છે. સીબીડીટીએ એક નિવેદનમા કહ્યું કે, આ બિનહિસાબી આવકમાં 24 કરોડ રોકડા, 20 કરોડની જ્વેલરી, સોના-ચાંદીનો સમાવેશ થાય છે.

ઇન્કમટેક્સ વિભાગે અમદાવાદ ઉપરાંત ખેડા, મુંબઈ, હૈદરાબાદ અને કોલકાતામાં 20 જુલાઈએ કુલ 58 સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ બિઝનેસ ગ્રૂપ ટેક્સટાઇલ, કેમિકલ, પેકેજિંગ, રિઅલ એસ્ટેટ અને શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલું છે. જોકે સીબીડીટીએ બિઝનેસ ગ્રૂપનું નામ આપ્યું ન હતું. વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં દસ્તાવેજ અને ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવ્યો છે. ગ્રૂપે રોકડમાં મોટાપાયે સોદા કરી જંગી ટેક્સ ચોરી કરી હોવાનું ઇન્કમટેક્સનું કહેવું છે.

આ ઉપરાંત ગ્રૂપે રિઅલ એસ્ટેટ ક્ષેત્રે મોટું રોકાણ કરી સોદાની વિગતો છુપાવી હતી. ગ્રૂપે કોલકાતાની શેલ કંપનીઓમાં બિનહિસાબી નાણાંનું રોકાણ કર્યું હતું. દરોડા દરમિયાન ગ્રૂપે બિનહિસાબી નાણાંના કરેલા સરાફી વ્યવહાર પણ પકડાયા છે. આ ઉપરાંત જૂથની કંપનીઓના લિસ્ટેડ શેરના ભાવમાં પણ મોટાપાયે ચેડાં કરવામાં આવ્યાં હતાં. આ સંદર્ભમાં કેટલાક ઓપરેટરોની પણ સંડોવણી ખુલી છે. ગ્રૂપના પ્રમોટરોએ નકલી કંપનીઓ મારફતે નાણાંની ઊચાપત કરી તેનો અંગત વપરાશ માટે ઉપયોગ કર્યો છે.

જૂથની પબ્લિક લિમિટેડ કંપનીઓના હિસાબોમાં પણ ગોટાળા કરી મોટી રકમની હેરાફેરી કરવામાં આવી હોવાનું પકડાયું છે. આવકવેરા વિભાગ હજુ પણ વધુ તપાસ કરી રહ્યો હોવાથી વધુ બિનહિસાબી રકમ પકડાવાની શક્યતા રહેલી છે.

કોલકાતાની શેલ કંપનીઓમાં રોકાણ
ડિજિટલ ડેટાના એનાલિસીસ કરવામાં આવતા એવો ઘટસ્ફોટ થયો છે કે કંપનીના પ્રમોટરો બ્લેકમની કોલકત્તાની બોગસ કંપનીઓને ડાઇવર્ટ કરતા હતા. આ રકમ પાછળથી શરાફી પેઢીઓને ધિરાણ કરાયું હતું. હકીકતમાં બ્લેકમની ફરીને પ્રમોટરો પાસે પાછું આવ્યું હતું. આ ઉપરાંત બિનહિસાબી નાણાંથી મોટાપાયે રોકડમાં સોદા કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...