ગુજરાતની સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુકત શાળાકીય શિક્ષણ આપવાના ઉદ્દેશથી શિક્ષણ વિભાગે મિશન સ્કૂલ ઓફ એકસેલન્સની શરૂઆત કરી છે. આ પ્રોજેકટમાં ખાનગી સંસ્થા કે વ્યકિત સરકારી સ્કૂલોના તેજસ્વી વિદ્યાર્થીઓને કારકિર્દીના ઘડતરમાં મદદરૂપે તમામ પ્રકારની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડશે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આ પ્રોજેકટ હેઠળ એક લાખ વિદ્યાર્થી તૈયાર કરાશે.
પ્રત્યેક વિધાર્થી પાછળ સરકાર 60 હજાર રૂપિયાનો ખર્ચ કરશે
આ નીતિ પ્રમાણે, ધોરણ–1થી ધોરણ–5ના સૌથી વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શોધીને તેમને આગળના ધોરણોમાં ગુણવત્તાયુકત શિક્ષણ વિનામૂલ્યે આપવાનું પ્રયોજન છે. શિક્ષણ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને આ નીતિમાં આવરી લેવાથી પ્રત્યેક વિદ્યાર્થી પાછળ સરકાર 60 હજાર રૂપિયાનો ખર્ચ કરશે, જેથી સમગ્ર પ્રોજેકટનો કુલ ખર્ચ 600 કરોડ રૂપિયા થવા જાય છે. પ્રોજેકટ પાર્ટનર્સની પસંદગી માટે કુશળ અને અનુભવી વ્યક્તિઓની બનેલી સમિતિ દ્વારા ચકાસણી કરાશે. આ સમિતિ પસંદગી પામેલા અરજદારોની મંજૂરી માટે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સચિવની બનેલી ગવર્નિંગ કાઉન્સિલને ભલામણ કરશે.
ધોરણ–6 થી 12 સુધીના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ
હાલ રાજ્યમાં સરકારી નિવાસી સ્કૂલોમાં જવાહર નવોદય વિદ્યાલય, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત છે. આ સ્કૂલોમાં પ્રવેશ માટે દર વર્ષે મોટી સંખ્યામાં અરજીઓ આવે છે. શિક્ષણ વિભાગે આ બાબતને ધ્યાને લઇ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડલ પર વિશ્વસ્તરની રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સની નીતિ બનાવી છે. આ નીતિ પ્રમાણે, રાજ્યની સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા ધોરણ–6થી 12 સુધીના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે.
સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે કોચિંગની સુવિધા પૂરી પડાશે
શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ, ઉચ્ચ અધ્યાપન સામગ્રી અને વૈકલ્પિક શૈક્ષણિક માધ્યમ, જે ખાનગી સ્કૂલોમાં હોય એવી સુવિધા આ નિવાસી સ્કૂલમાં પ્રદાન કરાશે. આ સ્કૂલોમાંથી પ્રતિભાવંત વિદ્યાર્થીઓને શોધી તેમના માટે JEE, NEET તેમજ સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે કોચિંગની સુવિધા પૂરી પાડવામાં આવશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધોરણ 6થી ધોરણ 12ના કુલ એક લાખ વિદ્યાર્થીઓને ક્ષમતાવાળી રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એકસેલન્સ પીપીપી મોડલથી સ્થપાશે. આ માટે સરકારે ખાનગી વ્યક્તિઓ, સંસ્થાઓ, કોર્પેારેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળના વિકલ્પ તેમજ ભાગીદારોને આવી સ્કૂલ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવાનો નિર્ણય કર્યો છે.
શૈક્ષણિક સ્ટાફને કરારના આધારે ભરતી કરવાનો રહેશે
આ પ્રોજેકટમાં સંપૂર્ણ મૂડીરોકાણ પાર્ટનર દ્વારા કરવામાં આવશે અને પ્રોજેકટ પાર્ટનર્સને રિકરિંગ ખર્ચ માટે શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીદીઠ ઉચ્ચક રકમ આપવામાં આવશે. પાર્ટનરે જમીન અને શિક્ષણની તમામ સુવિધાઓનું રોકાણ કરવાનું રહેશે. નિવાસી સ્કૂલોનું પરિસર ન્યૂનતમ 2 હજાર અને મહત્તમ 10 હજાર વિદ્યાર્થીને ક્ષમતાવાળું રહેશે. ભવિષ્યમાં આવા કેમ્પસ રાષ્ટ્ર્રીય શિક્ષણનીતિમાં જણાવ્યા પ્રમાણે, શૈક્ષણિક ઝોન તરીકે પણ વિકસિત કરી શકાશે. આ સ્કૂલોમાં શૈક્ષણિક તેમજ બિન- શૈક્ષણિક સ્ટાફને પ્રોજેકટ પાટર્નર દ્વારા કરારના આધારે ભરતી કરવાનો રહેશે.
આ સ્કૂલમાં શ્રેષ્ઠ શિક્ષકની જ નિમણૂક કરવાની રહેશે
કર્મચારીઓ સાથે તેઓ સીધો કરાર કરશે અને તેમને પગાર તેમજ ભથ્થાં ચૂકવશે. આ સ્કૂલમાં શ્રેષ્ઠ શિક્ષકની જ નિમણૂક કરવાની રહેશે. આ પ્રોજેકટ માટે સમગ્ર શિક્ષા– ગુજરાત શાળા શિક્ષણ પરિષદ અમલીકરણ સંસ્થા રહેશે. ગવર્નિંગ કાઉન્સિલમાં શિક્ષણના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત શિક્ષણવિદો પણ હશે. આ સ્કૂલોનું માધ્યમ ગુજરાતી તેમજ અંગ્રેજી રહેશે. આદેશમાં જણાવ્યા પ્રમાણે, આ સ્કૂલોના વિદ્યાર્થીઓને સંભવિત કારકિર્દી માટે યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉપરાંત સ્કૂલોમાં NDA, NID,NEET, કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ અને સિવિલ સર્વિસીઝ જેવા અભ્યાસના વિકલ્પ રાખવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.