આજથી શ્રીગણેશ:80 સ્કૂલ, 80 અર્બન હેલ્થ સેન્ટર પર 15થી 18 વર્ષના 1 લાખ બાળકોને કોરોનાની રસી મુકાશે

અમદાવાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
15થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસીના મહાઅભિયાનનો પ્રારંભ ચાંદખેડા ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટર પરથી શરૂ થશે. રસી માટે રવિવારે જ બધી તૈયારી પૂરી કરી લેવામાં આવી હતી. - Divya Bhaskar
15થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસીના મહાઅભિયાનનો પ્રારંભ ચાંદખેડા ખાતે આવેલા અર્બન હેલ્થ સેન્ટર પરથી શરૂ થશે. રસી માટે રવિવારે જ બધી તૈયારી પૂરી કરી લેવામાં આવી હતી.
 • ભાસ્કર અપીલ - છેલ્લા 21 મહિનામાં શહેરના 17 હજારથી વધુ બાળકોને ચેપ લાગ્યો હોવાથી વેક્સિન અચૂક લઈ લેવી
 • આધાર કાર્ડ કે અન્ય પુરાવો ન હોય તો પણ માતા-પિતા કે સ્કૂલના શિક્ષક-આચાર્યના મોબાઈલ પરથી રજિસ્ટ્રેશન કરાવી રસી લઈ શકાશે

15થી 18 વર્ષ સુધીના બાળકોને કોરોનાની રસી માટે સોમવારથી મહાઅભિયાન શરૂ થશે. 2007 પહેલા જન્મેલા અને 18 વર્ષ સુધીના બાળકોને રસી મૂકવાની યોજના છે. પ્રથમ દિવસે શહેરની 80 સ્કૂલ અને 80 અર્બન હેલ્થ સેન્ટર પર 1 લાખ બાળકોને રસી મૂકવાનો ટાર્ગેટ પૂરો કરી શકાય તેટલો સ્ટોક મ્યુનિ.એ તૈયાર રાખ્યો છે. રસી માટે વાલીઓ ઓનલાઈન www.cowin.gov.in પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત જે લોકોએ અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈને સીધા રસી મૂકાવી હશે તેમના માટે ઓફલાઈન વિકલ્પની પણ સુવિધા રખાઈ છે. તમામ બાળકોને કોવેક્સિન રસી મૂકવામાં આવશે. શહેરની 700 સ્કૂલના 15થી 18 વર્ષના 2.5 લાખ બાળકને 7 જાન્યુઆરી સુધીમાં રસી આપવાનો લક્ષ્યાંક છે. અભિયાનની શરૂઆત ચાંદખેડાથી થશે.

કોરાના વાઈરસ સામે રક્ષણ અને તકેદારીના ભાગરૂપે સરકારે 15થી 18 વય જૂથના બાળકોને રસી આપવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને રાજ્યના 60 ટકા કોરોના કેસ માત્ર અમદાવાદમાં આવી રહ્યાં છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં ડેલ્ટા વેરિયન્ટ અને ઓમિક્રોન વેરિયન્ટ બંનેનો ખતરો છે. નિષ્ણાતો કહે છે કે, બીજી લહેરમાં મોટાભાગે કોરોનાનો ચેપ મોટી ઉંમરની વ્યક્તિને લાગ્યો હતો. જોકે હવે આ ચેપ સ્કૂલે જતાં બાળકોમાં પણ ફેલાઈ રહ્યો છે.

છેલ્લા એક મહિનામાં અમદાવાદની સ્કૂલોમાં ભણતા સંખ્યાબંધ બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. હકીકત એ પણ છે કે, છેલ્લા 21 મહિનામાં માત્ર અમદાવાદમાં 18 વર્ષ કરતા નાની ઉંમરના 17 હજારથી વધુ બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. મ્યુનિ. આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીએ કહ્યું કે, અમદાવાદ શહેર અને ગ્રામ્ય શિક્ષણ વિભાગના અધિકારીઓની સંયુક્ત બેઠક મળી હતી જેમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માહિતી એકત્ર કરવામાં આવી હતી.

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આશરે 700 સ્કૂલો છે જેમાં રસી લેવા માટે એલિજીબલ હોય એવા બાળકોની સંખ્યા આશરે 2.5 લાખ છે. એટલું કે, માતા-પિતા તેમના બાળકોના ડોઝનો સમય સુનિશ્ચિત કરી લે તે જરૂરી છે. રસી લેવા ઉતાવળ કરવાની જરૂર નથી. મ્યુનિ. ના આયોજન મુજબ એક અઠવાડિયા સુધીમાં એલિજીબલ બાળકોને રસીનો પ્રથમ ડોઝ મળી જશે. સમગ્ર પ્રક્રિયામાં વાલીઓનો સહકાર મળવો જરૂરી છે. જિલ્લાની સરકારી અને ખાનગી મળી અંદાજે 282 સ્કૂલો ઉપરાંત અન્ય પીએસસી સેન્ટરો પર સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી રસી આપવાની કામગીરી 7 જાન્યુઆરી સુધી ચાલશે.

સ્કૂલોમાં જ રજિસ્ટ્રેશન, રસી, ઓબ્ઝર્વેશન રૂમ રહેશે
સ્કૂલમાં વેક્સિનેશન પ્રક્રિયા સોમવારથી શરૂ થઈ રહી છે, આ માટે ઘણી સ્કૂલોએ અત્યારથી વાલીઓ પાસેથી સંમતિ પત્રક મગાવવાનું શરૂ કરી દીધું છે. સ્કૂલમાંથી વેક્સિને લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું ત્યાં જ રજિસ્ટ્રેશન કરાશે અને રસી અપાશે. આ માટે સ્કૂલના 3-4 રૂમનો ઉપયોગ કરાશે. જેમાં એક રૂમમાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ રહેશે. બીજા રૂમમાં વેક્સિન અપાશે અને અન્ય રૂમમાં વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવશે.

રસી લેવા માટે ભૂખ્યાપેટે ન જવું

 • રસી લેવા બાળકોએ ખાલી પેટ ના આવવું, હલકો નાસ્તો કરીને આવવું { સ્કૂલમાં જતા વિદ્યાર્થીએ આઈકાર્ડ સાથે રાખવું { સ્કૂલે ના જતા બાળકે રસી માટે અર્બન હેલ્થ સેન્ટ પર આધારકાર્ડ, જન્મ તારીખનો પુરાવો સાથે રાખવો.

ઓનલાઈન રજિસ્ટ્રેશન આ રીતે કરી શકાશે

 • સૌથી પહેલા https://www.cowin.gov.in/ પર જાઓ.
 • એપ પર જઈ મોબાઈલ નંબર નાખો. OTP નાખીને લોગ-ઈન કરો.
 • આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરે ID પ્રૂફ તરીકે પસંદ કરો.
 • પસંદ કરેલા આઈડીનો નંબર, નામ નાખો પછી જેન્ડર અને જન્મ તારીખ પસંદ કરો.
 • મેમ્બર એડ થયા પછી તમારા વિસ્તારનો પિન કોડ નાખો.
 • હવે તમારી સામે વેક્સિનેશન સેન્ટરનું લિસ્ટ આવી જશે.
 • હવે વેક્સિનેશનની ડેટ, ટાઈમ સિલેક્ટ કરો.
 • વેક્સિનેશન સેન્ટર પર રજિસ્ટ્રેશનમાં મળેલા રેફરન્સ આઈડી, સિક્રેટ કોડ આપો.
 • આધાર કાર્ડ અથવા શાળાના આઈ.ડી. કાર્ડનો ઉપયોગ કરી ઓનલાઈન સ્લોટ બુક કરી શકાશે. ઓનલાઈન બુકિંગ હશે તો રસી નિર્ધારિત સમયે મળી જશે.
અન્ય સમાચારો પણ છે...