સ્ટેન્ડિગ કમિટીની બેઠક:અમદાવાદ શહેરના રોડ રિસરફેસની કામગીરીમાં 1.50 લાખ મેટ્રિક ટન ડામર વપરાયો, 10 હોટમિક્સ પ્લાન્ટ કાર્યરત

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં 10 જેટલાં પેવર રોડ રિસરફેસની કામગીરી
  • રોડ રિસરફેસ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાનગી કોન્ટ્રાક્ટરોનાં મળી 10 જેટલા હોટમિક્સ પ્લાન્ટ
  • શહેરમાં 96 ટકા સ્ટ્રીટલાઈટ ચાલુ હોવાનો દાવો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે કર્યો. માત્ર 4 ટકા જ બંધ છે

અમદાવાદ શહેરમાં ચોમાસામાં પડેલા ખાડાઓને પૂરવા અને રસ્તાઓના રિસરફેસ કરવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જોરશોરથી શરૂ થઈ છે. સ્ટેન્ડિંગ કમિટીમાં રોડ રસ્તાઓને લઈ ચર્ચાઓ બાદ ઇજનેર ખાતાનાં અધિકારીએ રોડ રસ્તાઓ સમારકામ તેમજ રિસરફેસ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં વરસાદ બંધ થતાની સાથે જ રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી. નવરાત્રીમાં જ રોડ રિસરફેસની કામગીરી આરંભી દેવામાં આવી છે. 1.50 લાખ મેટ્રિક ટનથી વધારે ડામરનો ઉપયોગ કરીને રોડ રિસરફેસ કરાયા છે.

ત્રણ ઝોનમાં નવા રોડ અને રિસરફેસની કામગીરી શરૂ
રોડ રિસરફેસની કામગીરી માટે જરૂરી હોટમિકસ મટિરીયલ તૈયાર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનો અને ખાનગી કોન્ટ્રાક્ટરોનાં મળી 10 જેટલા હોટમિક્સ પ્લાન્ટ અત્યારે ચાલી રહ્યાં છે. જેમાં ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં 10 જેટલાં પેવર રોડ રિસરફેસની કામગીરી કરી રહ્યાં છે. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, શહેરમાં 1.50 લાખ મેટ્રિક ટન વધુ ડામરનો વપરાશ કરી અને રોડ રિસરફેસની કામગીરી કરવામાં આવે છે. ત્રણ ઝોનમાં નવા રોડ અને રિસરફેસની કામગીરી શરૂ થઈ ગઈ છે.

સ્ટ્રીટલાઈટો બંધ હોવાની ફરિયાદ આજે મળેલી સ્ટેન્ડિગ કમિટી બેઠકમાં ચર્ચા
શહેરમાં કેટલાંક વિસ્તારમાં હજી પણ સ્ટ્રીટલાઈટો બંધ હોવાની ફરિયાદ આજે મળેલી સ્ટેન્ડિગ કમિટી બેઠકમાં કરવામાં આવી હતી. હવે શિયાળામાં સાંજે વહેલા અંધારું થઇ જતું હોવાથી મોટાભાગની સ્ટ્રીટલાઈટ વહેલા ચાલુ કરવાની હોય છે. પરંતુ શહેરમાં હજી પણ કાળીગામ, ચેનપુર, ચાંદખેડા, બોપલ, શીલજ, નરોડા, વટવા સહિતના વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો બંધ છે જેથી તેને ઝડપથી ચાલુ કરવા જણાવ્યું હતું. શહેરમાં 96 ટકા સ્ટ્રીટલાઈટ ચાલુ હોવાનો દાવો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે કર્યો છે. માત્ર 4 ટકા જ બંધ છે.

રખડતાં ઢોર પકડવાની કામગીરી
ઉપરાંત રસ્તે રખડતાં ઢોર પકડવાની કામગીરીમાં પણ વધારો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. રોજની 120થી 140 જેટલા રખડતા ઢોર પકડવામાં આવી રહ્યા છે. આ મહિનામાં સૌથી વધુ 5000 જેટલા ઢોર પકડવામાં આવ્યા હોવાનું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...