તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિની લોકડાઉનનું અનલોક:ગુજરાતમાં 4 ફૂટની પ્રતિમા સાથે સાર્વજનિક ગણેશોત્સવની છૂટ, લગ્નમાં 400 લોકો સામેલ થઈ શકશે, 8 શહેરને રાત્રિ કર્ફ્યૂમાં 1 કલાકની રાહત

અમદાવાદ2 મહિનો પહેલા
  • 31 જુલાઈથી 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂમાં રાહત
  • લગ્ન સમારોહમાં હવે 200 નહીં પણ 400 લોકો ઉપસ્થિત રહી શકશે

રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણો ઉઠાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજ્ય સરકારે આજે અનેક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. 8 શહેરને રાત્રિ કર્ફ્યૂમાંથી 1 કલાકની રાહત આપી છે, જ્યારે ગણેશોત્સવ ઉજવવાની પણ છૂટ આપી છે. આ ઉપરાંત લગ્ન સમારોહમાં હવે 200ને બદલે 400 લોકો ઉપસ્થિત રહી શકશે અને આ 8 મહાનગરોમાં હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

8 મહાનગર હવે રાતના 11 વાગ્યા સુધી ધમધમશે
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈથી 1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ હાલ રાત્રિના 10થી સવારે 6 વાગ્યા સુધીનો છે તે 31 જૂલાઈ થી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.

બંધ હોલમાં યોજાતા લગ્નમાં બેઠક ક્ષમતાના 50 ટકા લોકોની મર્યાદા
રાજ્યમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવામાં જે 200 વ્યક્તિની મર્યાદા છે તે તારીખ 31 જૂલાઈથી વધારીને 400 વ્યક્તિની કરવામાં આવી છે. આવા કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાના રહેશે.

વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા સાથે ગણેશોત્સવ યોજી શકાશે
સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય આજે મળેલી કોર કમિટીમાં લેવામાં આવ્યો છે.

​​​​​​​આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ કોઈપણ નિયંત્રણ વગર ચાલુ રહેશે

  • COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલી સેવાઓ ચાલુ રહેશે.
  • મેડિકલ, પેરામેડિકલ તથા એને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.
  • ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.
  • ડેરી, દૂધ-શાકભાજી,ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા એની હોમડિલિવરી સેવા.
  • શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ્સ માર્કેટ ચાલુ રહેશે.
  • કરિયાણું, બેકરી,બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને એ વેચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ..
  • અનાજ તથા મસાલા દળવાની ઘંટી.
  • ઘરગથ્થુ ટિફિન સર્વિસિસ અને હોટલ / રેસ્ટોરાંમાંથી Take away facility આપતી સેવાઓ.
  • ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.
  • પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા, ન્યૂઝ પેપર ડિસ્ટ્રિબ્યુશન.
  • પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્‍ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રિબ્યુશન અને રિપેરિંગ સેવાઓ.
  • પોસ્ટ અને કુરિયર સર્વિસ.
  • ખાનગી સિક્યોરિટી સેવા
  • પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.
  • કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓનાં ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા.
  • આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા એને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ.
  • તમામ પ્રકારનાં ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને એને રો-મટીરિયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. એ દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
  • બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
  • આ સમયગાળા દરમિયાન એ.ટી.એમ.માં નાણાંનો પુરવઠો સતત જળવાઇ રહે એ અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.
  • તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્‍સિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
  • સંબંધિત પોલીસ કમિશનરો/જિલ્લા મેજિસ્ટ્રેટોએ તેમના અધિકારક્ષેત્રમાં આ હુકમના અમલ માટે Cr.P.C.તથા ગુજરાત પોલીસ એકટની જોગવાઇ હેઠળ જાહેરનામા બહાર પાડવાના રહેશે