મહત્વનો નિર્ણય:અમદાવાદ જિલ્લા પંચાયતના 55 વર્ષ જૂના જર્જરિત બિલ્ડિંગના રિનોવેશન માટે 1 કરોડની મંજૂરી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરવેમાં 3.25 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો
  • વધુ ખર્ચ મંજૂર નહીં થતા તબક્કાવાર કામ કરાશે

અમદાવાદ જિલ્લા પંચાયતના 55 વર્ષ જુના બિલ્ડીંગમાં રીનોવેશન માટે એક કરોડ સુધીના ખર્ચ અને મંજૂર કરવામાં આવ્યો છે જોકે બિલ્ડીંગના સર્વેમાં અંદાજે 3.25 કરોડનો ખર્ચ મૂકવામાં આવ્યો છે. મોટાભાગની દીવાલો જર્જરિત હાલતમાં છે. ઉચ્ચ કક્ષાએથી વધુ ખર્ચ મંજુર કરવામાં નહીં આવતા હવે તબક્કાવાર કામ કરવાનો નિર્ણય કરાયો છે.

બિલ્ડિંગની મોટાભાગની દીવાલો જર્જરિત છે
અમદાવાદ જિલ્લા પંચાયતનું બિલ્ડીંગ જોઈને શહેર અને જિલ્લામાંથી આવતા મુલાકાતીઓ જર્જરિત બિલ્ડીંગ જોઈને ગભરાઈ જાય છે. બિલ્ડિંગની મોટાભાગની દીવાલો જર્જરિત છે. ગેલેરીની દીવાલોને અડીને કોઈ ઊભું રહે તો અચાનક દિવાલ પડી જાય તેવી સ્થિતિમાં છે. આમ છતાં જિલ્લા પંચાયતના કાર્ય પાલક ઇજનેર દ્વારા જર્જરિત તમામ દીવાલો તોડી પાડવામાં આવી નથી. બિલ્ડીંગની કેટલીક દીવાલો જ તોડવામાં આવી છે. જેને લઇને ઘણો વિવાદ ચાલી રહ્યો છે.

કોંગ્રેસના શાસનમાં બિલ્ડીંગ રીપેરીંગ માટે ત્રણ કરોડની જોગવાઈ કરાઈ હતી
ઉલ્લેખનીય છે કે ગત મહિને દિવાલ પડવાથી એક કારના આગળના ભાગનો કાચ તૂટી ગયો હતો. જોકે કોઈ જાનહાની થઈ ન હતી. આમ છતાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અને પદાધિકારીઓ જર્જરીત બિલ્ડિંગને લઇને કોઈ જ ગંભીરતા દાખવતા નથી. આ બિલ્ડિંગ 1965માં બન્યું હતું. હાલ અંદાજે 55 વર્ષ થયા છે. અગાઉ કોંગ્રેસના શાસનમાં બિલ્ડીંગ રીપેરીંગ માટે ત્રણ કરોડની જોગવાઈ કરાઈ હતી. સત્તાપક્ષ ભાજપ દ્વારા 1.80 કરોડની જોગવાઈ કરાઈ છે. પરંતુ હજી સુધી કોઈ કામગીરી શરૂ થઈ નથી. ઇજનેર વિભાગે કહ્યુ કે, અગાઉ બે વખત ટેન્ડર નોટીસ કાઢી હતી. પરંતુ બંને વાર 20 ટકાની આસપાસ વધુ ભાવ આવતા મંજૂરી માટે સરકારમાં મોકલી આપ્યું હતું. જે નામંજૂર થતા ફરી ટેન્ડર પ્રક્રિયા કરવાનો નિર્ણય કરાયો હતો. 2015-16 માં આખા બિલ્ડિંગના રીપેરીંગ માટે પોણા ચાર કરોડ નો એસ્ટીમેન્ટ આપ્યો હતો. પરંતુ રીપેરીંગ કરાવવામાં આવ્યું ન હતું. જિલ્લા પંચાયતના કાર્ય પાલક ઇજનેર એ કહ્યું કે, હાલ વરસાદી વાતાવરણ હોવાથી સપ્ટેમ્બર મહિનામાં રિપેરિંગની કામગીરી શરૂ થશે. આશ્ચર્યની વાત એ છે કે અમદાવાદ જિલ્લામાં ડીડીઓ અને પ્રમુખ માટે નવી ઈનોવા કાર લાવવાની અધિકારીઓને જરૂરિયાત જણાય છે. પરંતુ બિલ્ડિંગના રીનોવેશન માટે કોઈ અધિકારી ગંભીરતા કે જરૂરિયાત દાખવતું નથી.

અંદાજાયેલા ખર્ચની સામે માત્ર 1 કરોડની મંજૂરી આપવામાં આવતા કામ કેવી રીતે થશે તે પ્રશ્ન ઉભો થયો છે
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લા પંચાયતનું મકાન તદ્દન જર્જરીત હાલતમાં ફેરવાઇ ગયું છે. નજીકમાં લાલદરવાજા બસ મથક આવેલું છે. ઉપરાંત અનેક સરકારી કચેરીઓ પણ આવેલી હોવાથી અહીં મોેટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે. ત્યારે આ જર્જરિત બિલ્ડિંગનું સમારકામ કરવામાં નહીં આવે તો તે ગમે ત્યારે ઘરાશાયી થાય તે છે. કાં તો તેનો કેટલોક ભાગ પડી જાય તેમ હોવાથી તેનું રિપેરિંગ કામ કરવાની તાતી જરૂરિયાત છે. પરંતુ અંદાજાયેલા ખર્ચની સામે માત્ર 1 કરોડની મંજૂરી આપવામાં આવતા કામ કેવી રીતે થશે તે પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે તબક્કાવાર બિલ્ડિંગનું કામ કરાય તેમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...