તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે ડેલ્ટાનો ડર:વડોદરાની મહિલામાં ડેલ્ટા+ વેરિએન્ટ મળ્યો, હોમ ક્વોરન્ટીન થયા બાદ સ્વસ્થ થઈ, સુરતમાં પણ એક કેસ

અમદાવાદ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કોરોનાના તમામ વેરિયન્ટ પર કોવિશીલ્ડ, કો-વેક્સિન પ્રભાવી
 • મહારાષ્ટ્રમાં 20 કેસ નોંધાયા, કુલ બેનાં મોત થયાં: આરોગ્ય મંત્રાલય
 • શુક્રવાર સુધીમાં 10 રાજ્યમાંથી 45 હજાર સેમ્પલની તપાસ કરાઈ જેમાંથી 48મા ડેલ્ટા+ વાઈરસ મળી આવ્યો

દેશની સાથે સાથે હવે ગુજરાતમાં પણ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટનો ખતરો વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે જાણકારી આપી કે અત્યાર સુધીમાં ભારતના 18 જિલ્લામાં કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 48 કેસ સામે આવી ગયા છે. આ 48 કેસમાંથી બે કેસ ગુજરાતમાં નોંધાયા છે. ​જેમાં એક કેસ સુરતમાં જ્યારે એક કેસ વડોદરામાં નોંધાયો છે. સુરતમાં સ્મીમેરનો મેડિકલ સ્ટુડન્ટ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ વડોદરાની મહિલામાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ મળ્યો છે. જો કે આ મહિલા હોમ ક્વોરન્ટીન થઈને સ્વસ્થ થઈ ગઈ છે. આ અંગે રાજ્યના આરોગ્ય વિભાગે પણ સાંજે સત્તાવાર જાહેરાત કરી હતી. તેમાં પણ સુરતમાં તો એપ્રિલમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો કેસ નોંધાયો હતો અને આ દર્દી તો સાજો પણ થઈ ગયો છે.

વડોદરાની મહિલાનો કેસ મહારાષ્ટ્રમાં નોંધાયો હતો
વડોદરાના વાઘોડિયા તાલુકાના જરોદ ખાતે રહેતી 38 વર્ષીય મહિલાને કોરોના બાદ જીનોમ સેમ્પલ લેતા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ જોવા મળ્યો હતો. આ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયો હતો. કોરોના સંક્રમણ થતા જિનોમ ટેસ્ટ માટે લેવાયેલા નમૂનામાંથી જાણકારી ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મળ્યો હતો. તેમણે હોમ ક્વોરન્ટીન થઈને સારવાર લીધી હતી. મહિલાના પતિ વાઘોડિયા તાલુકાના જરોદ એન.ડી.આર.એફમાં નોકરી કરતા હોવાથી 8 મે પછી વડોદરા આવ્યા હતા.

મહારાષ્ટ્રના 20 કેસમાંથી 2 સંક્રમિતોની ટ્રાવેલ હિસ્ટ્રી સુરત
તાજેતરમાં મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિયન્ટ ડેલ્ટા પ્લસના 20 પોઝિટિવ કેસો સામે આવતા ત્રીજી લહેરને લઇ ચિંતા વધી છે. પરંતુ મહારાષ્ટ્રમાં જે નવા વેરિએન્ટના 20 કેસ સામે આવ્યા છે, તેમાંથી બે કેસની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સુરતની છે. સુરતના લગ્ન સમારોહમાં આવેલા આ બે જ્વેલર્સ જ્યારે મુંબઇ પહોંચ્યા ત્યારે તેઓ કોરોના પોઝિટિવ થયા હતા અને તેમના જીનોમ સિકવેન્સિંગ લેબમાં તપાસ કરવામાં આવ્યા તો આ નવા વેરિએન્ટની જાણ થઈ હતી.

એપ્રિલમાં થયો હતો કોરોના ઘરમાં રહીને જ સાજો થયો
સુરતઃ સ્મીમેરમાં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલા અને 22 વર્ષીય વિદ્યાર્થીને એપ્રિલ મહિનામાં કોરોના થયો હતો. જે તે સમયે પાલિકાએ તેની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસી હતી પણ એપ્રિલ પહેલાના એક મહિનામાં તે સુરત બહાર ક્યાંય પણ ગયો ન હતો. કોરોના થતાં તેને હોમ આઇસોલેશનમાં સારવાર લીધી હતી. દરમિયાનમાં 10 એપ્રિલે તેનું સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે પૂણે મોકલવામાં આવ્યું હતું, જેમાં ડેલ્ટા+ વેરિયેન્ટ હોવાની પુષ્ટી થઈ છે.

રેન્ડમ સેમ્પલિંગ ટેસ્ટમાં ડેલ્ટા પ્લસ હોવાનું ખૂલ્યું
​​​​​​​વડોદરાના જરોદના NDRFના જવાનની પત્નીનો સમાવેશ થાય છે. આ જવાન જરોદથી પોતાના પરિવારજન સાથે પોતાના વતન જલગાંવ જતો હતો ત્યારે તેના પોતાના સહિત તેની પત્નીનું ટેસ્ટિંગ કરાવ્યું હતું. રેન્ડમ સેમ્પલિંગ ટેસ્ટિંગમાં તેના વાઇરસ ડેલ્ટા પ્લસ હોવાનું ખૂલ્યું છે. જોકે ઘરે રહીને જ તે સાજી થઈ હતી. આ જવાન, પરિવાર મહારાષ્ટ્ર અને વડોદરાની બોર્ડર પર ટેસ્ટિંગ થયું હતું. હાલમાં પરિવારમાં કોઈને લક્ષણ નથી.

સારી વાત, બંને દર્દીઓને કારણે કોઈને ચેપ પણ ન લાગ્યો
હાલ ગુજરાતમાં દૈનિક જેટલાં ટેસ્ટ પોઝિટિવ આવે છે તેના 40 ટકા જેટલાં સેમ્પલ ગુજરાત સરકારની ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટમાં મોકલાય છે. અત્યાર સુધીમાં લગભગ 1000 સેમ્પલ પરિક્ષણ માટે મોકલી અપાયાં છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને સૂરતમાંથી કેટલાંક સેમ્પલ પૂણે એનઆઇવીમાં મોકલી અપાય છે. આ બે સિવાય હજુ એક પણ સેમ્પલ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પોઝિટિવ જણાયું નથી. - મનોજ અગ્રવાલ, આરોગ્ય સચિવ

મ્યૂટેશન્સ અને વેરિયન્ટ્સ શું છે?

 • મ્યૂટેશન્સ એટલે કે વાયરસની મૂળ જિનોમિક સંરચનામાં થનારા ફેરફાર. આ ફેરફાર જ વાયરસને નવું સ્વરૂપ આપે છે, જેને વેરિયન્ટ કહે છે. વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજમાં પ્રોફેસર ડો. ગગનદીપ કંગ કહે છે કે વાયરસમાં ફેરફાર થવો સામાન્ય છે. જેમ જેમ વાયરસ ફેલાશે, એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચવામાં એમાં ફેરફાર થશે જ.
 • મહામારી વિશેષજ્ઞ ચંદ્રકાંત લહારિયા કહે છે કે આ સ્પેલિંગ મિસ્ટેક જેવું છે. દવાઓ અને એન્ટિબોડીથી બચવા માટે વાયરસમાં આ ફેરફાર થાય છે. આ સ્વાભાવિક છે, પરંતુ જો મહામારીમાં વાયરસને રોકવો છે તો એનાથી બે કદમ આગળ રહેવું પડશે. આ માટે એમાં થઈ રહેલા પ્રત્યેક ફેરફાર પર નજર રાખવી અત્યંત જરૂરી છે.

આ ડેલ્ટા-પ્લસ વેરિયન્ટ શું છે?

 • ભારતમાં મળેલા કોરોના વાયરસના ડબલ મ્યૂટેન્ટ સ્ટ્રેન B.1.617.2ને જ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ડેલ્ટા નામ આપ્યું છે. B.1.617.2માં અન્ય એક મ્યૂટેશન K417N થયું છે, જે આ પહેલાં કોરોના વાયરસના બીટા અને ગામા વેરિયન્ટ્સમાં પણ મળ્યું હતું. નવા મ્યૂટેશન પછી બનેલા વેરિયન્ટને ડેલ્ટા+ વેરિયન્ટ કે AY.1 કે B.1.617.2.1 કહેવામાં આવે છે.
 • K417N મ્યૂટેશનવાળા આ વેરિયન્ટ્સ ઓરિજિનલ વાયરસથી વધુ ઈન્ફેક્શિયસ છે. વેક્સિન તેમજ દવાઓની અસરને નબળી કરી શકે છે. વાસ્તવમાં, B.1.617 લાઈનેજથી જ ડેલ્ટા વેરિયન્ટ (B.1.617.2) નીકળ્યો છે. આ જ લાઈનેજના બે વધુ વેરિયન્ટ્સ છે-B.1.617.1 અને B.1.617.3, જેમાં B.1.617.1ને WHOએ વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ (VOI)ની યાદીમાં રાખ્યો છે અને કપ્પા નામ આપ્યું છે.

શું ડેલ્ટા-પ્લસ વેરિયન્ટને લઈને ડરવાની જરૂર છે?

 • હાલ નહીં, નીતિ આયોગના સભ્ય (હેલ્થ) ડો. વી. કે. પૉલ કહે છે કે અત્યારસુધીમાં ડેલ્ટા પ્લસ વેરિયેન્ટ ભારતમાં વેરિયન્ટ ઓફ કન્સર્ન બન્યો નથી. ન તો એને WHOએ પોતાના VOC લિસ્ટમાં રાખેલો છે. ભારતમાં માત્ર એની હાજરી મળી છે, એ જ આધારે ગ્લોબલ ડેટા સિસ્ટમને રિપોર્ટ કરવામાં આવ્યો છે.
 • પરંતુ દિલ્હી એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ ગત સપ્તાહે એક ટીવી ચેનલને કહ્યું હતું કે આપણે આ વાયરસને હળવાશથી ન લઈ શકીએ. આપણે એ સમજવાનું રહેશે કે વાયરસ બદલાઈ રહ્યો છે. એ જીવિત રહેવા માગે છે અને વધુમાં વધુ લોકોને ઈન્ફેક્ટ કરવા માગે છે. યુકેથી બોધપાઠ લેવો જોઈએ, જ્યાં અનલોક શરૂ થતાં જ નવા કેસ સામે આવી રહ્યા છે. ડેલ્ટા વેરિયન્ટ અને તેનું નવું રૂપ વધુ લોકોને ઈન્ફેક્ટ કરી રહ્યું છે. સાવધ નહીં રહીએ તો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ આપણા માટે પણ વેરિયન્ટ ઓફ કન્સર્ન બની જશે. ભારતે યુકે પાસેથી બોધપાઠ લેવો જોઈએ,જ્યાં કેસ ઝડપથી વધે છે.

શું આપણી વેક્સિન આ વેરિયન્ટ્સ વિરુદ્ધ અસરકારક છે?

 • હા. અમુક અંશે. ભારતમાં ICMR-NIV(નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી) અને CSIR-CCMB (સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજી, હૈદરાબાદ)એ સ્ટડી કર્યો છે. એમાં ડેલ્ટા વેરિયન્ટ વિરુદ્ધ કોવિશીલ્ડ અને કોવેક્સિનની અસર જોવાની કોશિશ કરવામાં આવી છે. પરિણામો જણાવે છે કે વેરિયન્ટ વિરુદ્ધ એન્ટિબોડી તો બની રહ્યા છે, પરંતુ એ ઓરિજિનલ કોરોના વાયરસના મુકાબલે બની રહેલા એન્ટિબોડીના મુકાબલે ઓછા છે.
 • વિશેષજ્ઞ કહે છે કે એન્ટિબોડી લેવલ ક્યારેય પણ ઈમ્યુનિટીનું એકમાત્ર માર્કર હોતું નથી. ડેલ્ટા-પ્લસ વેરિયન્ટથી વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યું છે, એના પણ ઘણા ઓછા પુરાવા છે. આ કારણથી WHOએ હાલ વેરિયન્ટ ઓફ કન્સર્ન (VOC) લિસ્ટમાં એને રાખ્યો નથી.
 • ઈંગ્લેન્ડમાં જે 36 ડેલ્ટા-પ્લસ દર્દી મળ્યા છે તેમાંથી 18એ વેક્સિન લીધી નહોતી. માત્ર બે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હતા. સારી વાત એ છે કે આ 36 કેસમાં કોઈ મોત થયું નથી. આ રીતે ડેલ્ટા-પ્લસ કેસોમાં માત્ર બે જ 60+ના હતા, એટલે કે મોટા ભાગના કેસ 60 વર્ષથી ઓછી વયના લોકોમાં છે.
અન્ય સમાચારો પણ છે...