માંડલ તાલુકાના ઢેડાસણા ગામના વતની હાલ ઉમા બંગ્લોઝ માંડલમાં રહેતા પ્રેમજીભાઈ ગાડાભાઈ પટેલ મધ્યપ્રદેશના નીમચ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેતીની ઉપજ વેચી તેના રોકડ રૂ.16.50 લાખ લઈને માંડલ પરત આવી રહ્યા હતા. તે દરમિયાન નાના ચિલોડા પંડિત હોટલથી માંડલ તેમના ઘર સુધીમાં ખેતીની ઉપજના રોકડા રૂપિયા16,50000ની ચોરી થયાનું માલૂમ પડ્યું હતું. જે અંગેની પોલીસ ફરિયાદ માંડલ પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે.
માંડલ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ માંડલ તાલુકાના ઢેડાસણા ગામના વતની અને હાલ માંડલ ઉમિયા બંગ્લોઝમાં રહેતા પ્રેમજીભાઈ ગાડાભાઈ પટેલ ખેતીવાડી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ ખેતીની ઉપજ અજમો અડદ અને કલોજી ટ્રકમાં ભરી વેચવા મધ્યપ્રદેશના નીમચ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ગયા હતા. ખેતીની ઉપજના રૂપિયા16,50000 રોકડા જેમાં તમામ નોટો 500ની હતી.
થેલામાં રોકડ રકમ મૂકી નીમચથી ખાનગી ટ્રાવેલ્સ દ્વારા નાના ચિલોડા પંડિત હોટલ પાસે ઉતર્યા હતા. નાના ચિલોડાથી અડાલજ પુલ સુધી દૂધના વાહનમાં મુસાફરી કરી હતી. અડાલજ પુલ નીચેથી રિક્ષામાં બેસી ત્રિમંદિર સુધી આવ્યા હતા અને ત્રિમંદિર થી છત્રાલ ઈકોમાં મુસાફરી કરી હતી. છત્રાલથી રિક્ષા દ્વારા કડી પહોંચ્યા હતા. કડીથી બહુચરાજી વાળી બસમાં બેસી વિઠલાપુર ચોકડી ઉતર્યા હતા ત્યાંથી રિક્ષામાં બેસી માંડલ, પુત્રના બાઈક પર બેસી ઘરે પહોંચી તપાસ કરતાં થેલીમાં રહેલા રૂપિયા નહીં હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ અડાલજ નરોડા સહિતના સ્થળે તપાસ કરી હતી. આખરે માંડલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.