કોરોના વાઈરસને પગલે રાજ્યમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યમાં નાના મોટા દુકાનદારો, વ્યવસાયકારો અને ધંધાર્થીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીએ આ નિર્ણયની જાહેરાત કરી છે. 50 ટકા સ્ટાફ સાથે આવતીકાલે 26મી એપ્રિલ રવિવારથી મોલ તેમજ માર્કેટિંગ કોમ્પલેક્સ સિવાયની તમામ દુકાનો ખોલવાની રાજ્ય સરકારે છૂટ આપી છે. શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ-ગુમાસ્તા ધારા હેઠળ નોંધાયેલી દુકાનો અને ધંધા વ્યવસાયો ચાલુ કરી શકાશે. રાજ્યમાં હેરકટીંગ સલૂન-બાર્બર શોપ તેમજ પાન-ગુટકા-સીગારેટનું વેચાણ કરતી દુકાનો અને ટી-સ્ટોલ તથા રેસ્ટોરન્ટ અને હોટલ્સ ચાલુ રાખી શકાશે નહીં, આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેના અંગે મુખ્યમંત્રીના અગ્ર સચિવ અશ્વિનીકુમારે માહિતી આપી હતી.
નાના મોટા ધંધાર્થીઓને આપવામાં આવેલી છૂટ શરતોને આધિન છે. જેમાં ધંધો કે દુકાનનું સ્થળ કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવું જરૂરી છે.તેમાં 50 ટકા સ્ટાફ જ રાખવાનો રહેશે. માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ પાળવું ફરજિયાત છે.
કેન્ટન્ટેમેન્ટ વિસ્તારો સ્થાનિક સત્તામંડળે નક્કી કરેલા હોવા જોઈએ. સાથે જ IT તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ 50 ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.