ગાંધીનગર:ધો.10 -12ની ઉત્તરવહિના મૂલ્યાંકનનું કામ સ્થગિત રાખવા સભ્યની માગ

ગાંધીનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વાઈરસને રોકવા મધ્યસ્થ મૂલ્યાંકન કરતા શિક્ષકોને માસ્ક અપાયા

ગાંધીનગર: ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની ઉત્તરવહિના મૂલ્યાંકનની કામગીરી કરી રહેલા શિક્ષકો કોરોના વાઈરસના સંક્રમણનો ભોગ બને નહી તે માટે મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરીને હાલ પુરતી સ્થગિત રાખવા કે શિક્ષકોને માસ્ક અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરવાની માંગણી સાથે શિક્ષણ બોર્ડના સભ્યએ શિક્ષણ બોર્ડના ચેરમેનને રજૂઆત કરી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષાર્થીઓની ઉત્તરવહિના મૂલ્યાંકનની કામગીરી હાલમાં ચાલી રહી છે. રાજ્યના 389 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં ચાલી રહી છે. મૂલ્યાંકનની કામગીરીમાં ધોરણ-10 અને 12ના અલગ અલગ વિષયના અંદાજે 54000 શિક્ષકોને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે  હાલમાં કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે ભીડ થાય તેવા કાર્યક્રમોને રોકવા રાજ્ય સરકારે આદેશ કર્યો છે. ત્યારે મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરીમાં એક જ કેન્દ્રમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહેતા હોય છે. 
ત્યારે તેઓ કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બને નહી તે માટે કામગીરીને હાલ પુરતી સ્થગીત રાખવી કે મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી કરી રહેલા કર્મચારીઓને માસ્ક આપવા તેમજ હાથની સફાઇ માટે સેનેટાઇઝર કે સાબુની વ્યવસ્થાની માંગણી સાથે શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે.શાહને શિક્ષણ બોર્ડના સભ્ય ડો.પ્રિયવદન કોરાટે રજુઆત કરી છે. જ્યારે ગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ પંકજભાઇ પટેલે માંગણી કરી છે કે મધ્યસ્થ મૂલ્યાંકન કરી રહેલા શિક્ષકોની વચ્ચે એક મીટરનું અંતર રહે તેવી વ્યવસ્થા કરવાની માંગણી કરી છે.
મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી નાના રૂમને બદલે હોલમાં કે મોટા રૂમમાં કરાવવાની માંગણી કરી છે. મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી સ્થગિત રાખી છે કે નહી તે અંગે પુછતા શિક્ષણ બોર્ડના સચિવ આરીફખાન પઠાણે જણાવ્યું છે કે તારીખ 22મી, રવિવારે ધોરણ-10 અને 12ના મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી બંધ રાખી છે. મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરીમાં રોકાયેલા શિક્ષકોના આરોગ્યની સલામતી માટે માસ્કની વ્યવસ્થા કરાઇ છે. ઉપરાંત હાથ સાફ કરવા સાબુ તેમજ સેનેટાઇઝરની વ્યવસ્થા રાજ્યના તમામ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં કરવામાં આવી હોવાનું શિક્ષણ બોર્ડના પરીક્ષા સચિવે જણાવ્યું છે.
કોરોના વાઈરસનું સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકારે આકરા નિર્ણય લીધા છે. જેમાં લોકોને ભીડ થાય તેવા કાર્યક્રમો નહી કરવાનો આદેશ કર્યો છે. જે અંતર્ગત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, અમદાવાદ સંચાલિત શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત રાજ્યના 12 જિલ્લાઓમાં કડિયાનાકા વિસ્તારમાં આવેલા 119 ભોજન વિતરણ કેન્દ્રોને 31મી, માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...