મહત્વનો નિર્ણય:60 લાખ APL-1 રાશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે એપ્રિલ મહિનાનું અનાજ અપાશે, ટૂંક સમયમાં વિતરણની તારીખો જાહેર કરાશે

ગાંધીનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ આપવામાં આવશે

મધ્યમ વર્ગના APL-1 કાર્ડધારકોને પણ આવું અનાજ વિનામૂલ્યે પ્રવર્તમાન પરિસ્થિતિમાં આપવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં રાજ્ય મંત્રીમંડળે કર્યો છે. આના પરિણામે મધ્યમ વર્ગના પરિવારોને આ નિર્ણયને પરિણામે મોટી રાહત થશે અને વર્તમાન લોક ડાઉનની સ્થિતીમાં સરળતાથી અનાજ મળશે. મુખ્યમંત્રીએ આ અનાજ વિતરણની અન્ય વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને આદેશ આપી દેવામાં આવ્યા છે અને વિતરણની તારીખો હવે જાહેર કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.  
APL-1 કાર્ડધારકોને 10 કિલો ઘઉં સહિતનું અનાજ વિતરણ થશે
તેમણે આ અંગે જાહેર કર્યુ કે, રાજ્યના  મધ્યમ વર્ગીય પરિવારો APL-1 ના કાર્ડધારકો જેઓને રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અંતર્ગત અનાજ મળતું ન હતું તેવા તમામ 60 લાખથી વધુ APL-1 કાર્ડધારકોને મધ્યમ વર્ગના લોકોને કુટુંબ દિઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે આપવામાં આવશે. 
66 લાખ પરિવારોને એપ્રિલ માસનું અનાજ વિતરણ વિનામૂલ્યે કરાયું
રાજ્યમાં અંત્યોદય અને PHH એવા 66 લાખ પરિવારોને એપ્રિલ માસનું અનાજ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું છે ત્યાર બાદ 3.40 લાખથી વધુ એવા કાર્ડધારકો જેઓને NFSA અંતર્ગત માત્ર ખાંડ અને મીઠું જ મળતા હતા તેવા પરિવારોને પણ ઘઉં, ચોખા અને દાળ વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહિ, રાજ્યમાં અત્યંત ગરીબ, શ્રમજીવી, અન્ય પ્રાંત-રાજ્યના શ્રમિકો જે રેશનકાર્ડ ધરાવતા નથી તેમને પણ અન્નબ્રહ્મ યોજના અન્વયે પ્રવર્તમાન સ્થિતીમાં વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.  
હેવ એન્ડ હેવનોટની ખાઇ પૂરવાનું સામાજીક દાયિત્વ અદા કરવામાં આવે
તેમણે આ સંદર્ભમાં એમ પણ ઉમેર્યુ કે હાલની લોકડાઉનની સ્થિતીમાં કોઇ પરિવાર ભૂખ્યો ન રહે સૌને અનાજ મળી રહે તે માટે રાજ્ય સરકારે સંવેદનાથી નિર્ણય લઇને APL-1 કાર્ડ ધરાવતા 60  લાખ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણનો નિર્ણય કર્યો છે ત્યારે જે સંપન્ન વર્ગો છે તેવા APL-1 કાર્ડ ધરાવતા લોકો-પરિવારો પોતાનો અધિકાર જતો કરે અને આવા જરૂરતમંદોને અનાજ પ્રવર્તમાન સમયમાં મળી રહે તે માટે હેવ એન્ડ હેવનોટની ખાઇ પૂરવાનું સામાજીક દાયિત્વ અદા કરે.