અમદાવાદ જિલ્લામાં કાર્યરત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ભેટાવાડામાં વિનામૂલ્યે શિક્ષણ સહિત રહેવા, જમવાની સુવિધા સાથે વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓને ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. તો આ ભેટાવાડા ગામે કાર્યરત કે.જી.બી.વી માં ધોરણ- 9 અને 10 સુધી અભ્યાસ કરનારી ધોળકા તાલુકાની રાયપુર ગામની દીકરી વાઘેલા અનામિકાબાળા ધીરુભાઈ કસ્તુરબા જેવી જ સેવા ભાવના સાથે જોડાયેલી છે.
નાનપણથી જ ભણવામાં તેજસ્વી અનામિકાબાળા ધોરણ-10 પછી ધો-11-12 સાયન્સ અને ત્યારબાદ બી.એસ.સી નર્સિંગમાં અમદાવાદ ખાતે એ.એમ.સી.મેટ નર્સિંગ કોલેજમાં એડમિશન લીધા બાદ કોરોના મહામારીમાં અમદાવાદ શેઠ વી.એસ. હોસ્પિટલમાં 2 મહિના સુધી સેવા આપીને ઉત્તમ કામગીરી બજાવી છે.
આ સંદર્ભે અનામિકાબાળાએ જણાવ્યું હતંુ કે , અમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હતા. આ સમય દરમિયાન ભેટાવાડાના સી.આર.સી.કો.ઓર્ડીનેટર નગીનભાઈ પટેલની મુલાકાત થતાં મને કેજીબીવી વિશે માહિતી પ્રાપ્ત થઈ. વાતચીત દરમ્યાન મારી આર્થિક પરિસ્થિતિ ને જોઈ, મારી શિક્ષણ મેળવવાની તીવ્ર ઇચ્છાને ધ્યાનમાં લઈ મને કેજીબીવીમાં એડમિશન મળ્યું હતું. જ્યાં રહેવા, જમવા તથા ભણવાની એમ તમામ સુવિધા સરકાર દ્વારા પુરી પાડવામાં આવે છે.
કેજીબીવીનાં શિક્ષિકા બહેનોનાં સતત માર્ગદર્શનથી મને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીમાં વિશેષ રસ જાગ્યો તેથી મને ધો-12 પછી બી.એસ.સી. નર્સિંગમાં અમદાવાદ ખાતે એ.એમ.સી.મેટ નર્સિંગ કોલેજમાં એડમિશન મળ્યુ, સ્ટડી દરમ્યાન કોરોના મહામારીના કારણે મને દર્દીઓની સારવાર કરવાની તક મળી. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં રહેવા, જમવા તથા ભણવાની એમ તમામ સુવિધા સરકાર દ્વારા પુરી પાડવામાં આવતી હતી, ત્યાંનાં શિક્ષિકા બહેનો વિદ્યાર્થિનીઓનું જીવન ઘડતર અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરું પાડે છે. તો મારી પણ ફરજ છે કે હું પણ નર્સ બનીને દેશની સેવા કરું, કોરોના કાળમાં ચાલુ અભ્યાસે દર્દીઓની સેવા કરવાનો મને અવસર મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.