મામલતદારને રજૂઆત:ધોળકા વલીશા પીર દરગાહ કમ્પાઉન્ડમાં કાર્યક્રમો અટકાવો

ધોળકા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા મામલતદારને રજૂઆત

ધોળકામાં આજે ધોળકાના મામલતદાર પ્રીતિબેન પટેલને ધોળકા સુન્ની મુસ્લિમ સમાજના નેજા હેઠળ 200 વ્યક્તિઓની સહીઓ સાથેનું એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ આવેદનપત્રમાં જણાવાયું છે કે ધોળકામાં લીલેજપૂર વિસ્તારમાં વર્ષો જૂની વલીશા પીરની દરગાહ આવેલી છે. જ્યાં ગામના તથા બહારગામના સુન્ની અકીદા વાળા શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે. સદર દરગાહના ટ્રસ્ટી તરીકે સુન્ની મુસ્લિમ સમાજની વ્યક્તિ જ રહી શકશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ દરગાહની વકફ બોર્ડમાં નોંધણી થઈ ત્યારથી નક્કી કરવામાં આવેલ તેમ છતાં સદર ટ્રસ્ટમાં શિયા સંપ્રદાયના વ્યક્તિ ખોટી રીતે ટ્રસ્ટી બની ગયેલ હોય ગુજરાત વકફ ટ્રિબ્યુનલ દ્વારા તેમને દૂર કરવામાં આવેલ અને ટ્રસ્ટી તરીકે ધોળકા સુન્ની મુસ્લિમ સમાજની વ્યક્તિની નિમણૂક થયેલ.

ગુજરાત વકફ ટ્રિબ્યુનલનાં હુકમ મુજબ શિયા સંપ્રદાયના દૂર કરવામાં આવેલ વ્યક્તિ એ ગુજરાત હાઇકોર્ટમાં રિવિઝન દાખલ કરેલ છે. આમ સદર ટ્રસ્ટના વહીવટ સંબંધે મહત્વની તકરાર ગુજરાત હાઇકોર્ટમાં પેંડીગ હોઇ સદર વલીશા દરગાહના કમ્પાઉન્ડમાં સુન્ની સંપ્રદાય કે શિયા સંપ્રદાયના લોકો કોઈ પણ કાર્યક્રમ કરે તો બન્ને વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા છે.

તેમજ બન્નેના વર્તનથી ધાર્મિક લાગણી દુભાય તેમ હોય અમો ધોળકા સુન્ની મુસ્લિમ સમાજના લોકો આપને આ આવેદનપત્ર આપી વિનંતી કરીએ છીએ કે વલીશા પીરની દરગાહ કમ્પાઉન્ડમાં કોઈ પણ જાતના ધાર્મિક કાર્યક્રમો કોઈ પણ સંપ્રદાયના લોકો કરે નહીં.