છેતરપિંડી:અમદાવાદના બોપલના ઠગ સામે એક જ દિવસમાં 2 પોલીસ ફરિયાદ નોંધાઈ

ધોળકા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરસી બુકમાં નામ ટ્રાન્સફર ન કર્યું ચાંદીમાં પણ ભેળસેળ નીકળી
  • ધોળકાના આધેડ વેપારીને મારી નાખવાની ધમકી આપી
  • ​​​​​​​ધોળકા નગર-ચલોડાના સોની વેપારીઓને બોપલનો ગઠિયો છેતરી ગયો
  • ​​​​​​​ચાંદીના રૂપિયા આપ્યા છતાં સોની વેપારીએ​​​​​​​ સિક્યોરિટી પેટે આપેલા 2 કોરા ચેક પરત ન કર્યા
  • ​​​​​​​ચલોડાના સોનીએ ખરીદેલી કારના પૂરા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં 5 લાખ માગ્યા ​​​​​​​

ધોળકા નગર અને તાલુકાના ચલોડા ગામના 2 સોની વેપારી સાથે અમદાવાદના બોપલ વિસ્તારના સોનીએ છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ધોળકાના વેપારીએ ખરીદેલી ચાંદીના રૂ. 71 હજાર આપ્યા હોવા છતાં રૂપિયાની માગણી કરીને બોપલના ગઠિયાએ કોરા ચેક પાછા ન આપતાં ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ આ જ ગઠિયાએ ચલોડાના વેપારીને કાર વેચી રૂપિયા આપ્યા હોવા છતાં 5 લાખ આપવાનું કહી આરસી બુકમાં નામ ટ્રાન્સફર કર્યું નહોતું. ઉપરાંત, ચાંદીમાં પણ ભેળસેળ નીકળી હતી. આ અંગે ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ચલોડા ગામની મેઇન બજારમાં પ્રકાશ જ્વેલર્સના નામની પ્રકાશભાઈ પ્રવીણભાઈ સોની (રહે. ચલોડા)ની દુકાન આવેલી છે. તેમણે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 17 ડિસેમ્બરે પ્રતીકકુમાર ભરતકુમાર સોની (રહે. 204 ઇસ્કોન પ્લેટિનિયમ, બોપલ, અમદાવાદ) તેમની દુકાને આવી ચાંદીના વેપારી તરીકે ઓળખાણ આપી હતી. પ્રકાશભાઈએ 80 ટચના દાગીના બનાવડાવ્યા હતા. બંને વચ્ચે સંબંધ વધતાં 12 જુલાઈએ પ્રતીકે પોતાની XUV-500 કાર રૂ. 10.51 લાખમાં વેચવાની હોવાનું કહેતાં પ્રકાશભાઈ ખરીદી હતી.

આ સામે 20 જુલાઈએ રૂ. 1 લાખ, 27 જુલાઈએ બાકીના રૂ. 51 હજાર અને બાકીના 9 લાખ માસિક 1 લાખના હપતે ચૂકવવાનું નક્કી થયું હતું. બાદમાં 20 જુલાઈએ રૂ. 1 લાખ અને 27 જુલાઈએ રૂ. 51 હજાર ચૂકવાયા હતા. ત્યાર પછી 4 મહિનામાં પ્રતીકને 1 લાખ ચૂકવ્યા હતા. દરમિયાન પ્રકાશભાઈએ પ્રતીક પાસેથી 5 લાખના દાગીના ખરીદ્યા હતા. આથી દાગીનાના રૂ. 5 લાખ અને કારના રૂ. 5 લાખ મળી કુલ રૂ. 10 લાખ પ્રકાશભાઈએ ગામના મિતેષકુમાર પટેલ તથા નીરમયકુમાર પટેલની હાજરમાં આરટીજીએસથી પ્રતીકે ચૂકવ્યા હતા.

પ્રતીકે બિલબુક અને આરસી બુક ભૂલી ગયો હોવાથી પછી આપવાનું કહ્યું હતું. પ્રકાશભાઈએ અવારનવાર આરસી બુકની માગણી કરતાં પ્રતીકે હજુ 5 લાખ ચૂકવવાના બાકી હોવાનું કહી પૈસા નહીં ચૂકવો તો ફરિયાદ કરવાની ધમકી આપી હતી. વધુમાં પ્રતીક પાસેથી ખરીદેલી ચાંદીની પાયલ ચેક કરાવતાં દાગીના 80ને બદલે 41.50 ટચના નીકળ્યા હતા.

ધોળકાના સોની સાથે અમદાવાદના બોપલમાં રહેતા પરીચિત સોનીએ રૂ. 71 હજારની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પોલીસચોપડે નોંધાઈ છે. પોલીસે આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ધોળકાના સોની બજારમાં 60 વર્ષીય રાજેન્દ્રકુમાર ભગુભાઈ સોની (રહે. વિરાટનગર સોસાયટી, કલિકુંડ, સરોડા) 25 વર્ષથી વેપાર કરે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમણે 5 વર્ષ પહેલાં અમદાવાદના બોપલ વિસ્તારના પ્રતીકકુમાર ભરતકુમાર સોની સાથે ચાંદીના દાગીનાની લે-વેચનો ધંધો કરતો હતો. પ્રતીકકુમાર સાથે સારો સંબંધ હોવાથી રાજેન્દ્રભાઈએ તેમની પાસેથી ચાંદીનો માલ લીધો હતો અને તેના અવેજ વખતે રૂ. 71, 720 આપવાના હતા.

આથી તેમણે સિક્યોરિટી તરીકે પીપલ્સ બૅન્કના 2 કોરા ચેક પ્રતીક સોનીને આપ્યા હતા. ત્યાર પછી રાજેન્દ્રભાઈએ સમયાંતરે નાણાં ચૂકવી આપ્યાં હતાં અને કોરા ચેક પરત માગ્યા હતા. જોકે કોઈ ચેક આપ્યા ન હોવાનું પ્રતીક સોનીએ તેમને કહ્યું હતું. આથી ધોળકાના સોની વેપારીએ કોર્ટમાં કેસ કરવાનું કહેતાં પ્રતીક સોનીએ રાજેન્દ્રભાઈનાં પત્નીને ગાળો બોલી પૈસા નહીં મળે તો જાનથી મારી નાખવાની તેવી ધમકી આપી હતી. એટલું જ નહીં, અવારનવાર તેમના ભત્રીજા તેજન કુમાર નવીનચંદ્ર સોનીને પણ પૈસા પરત આપવા માટે ધમકી આપી હતી. ત્યાર બાદ બોપલના ગઠિયા સામે ધોળકાના આધેડ સોની વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...