ધોળકા નગરપાલિકા દ્વારા ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ 2019ના નવા કાયદા પ્રમાણે દુકાનદારોએ પોતાની દુકાનની નોંધણી નહીં કરાવતા ગુમાસ્તાધારા નિયમનો ભંગ કરતા 59 દુકાનદારોને નોટિસ ફટકારી હતી. ગુજરાત સરકારે મુંબઈ એકટ 1948નો કાયદો રદ કરી તારીખ 01/05/2019થી ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ 2019નો નવો કાયદો અમલમાં મુકેલ છે.
જેમાં આ અધિનિયમની કલમ 7(1) પ્રમાણે ધંધો રોજગાર શરૂ કર્યાના 60 દિવસની અંદર પોતાની દુકાનના માલિકે સપ્રમાણિત દસ્તાવેજો સાથે રજીસ્ટ્રેશન માટે રજૂ કરવાનું થતું હોય છે. જેમા પ્રકરણ 8માં દુકાનોની બિન નોંધણી માટે રૂપિયા 10 હજાર સુધીનો દંડની જોગવાઈ કરેલ છે તેમજ આ અધિનિયમની કલમ 6 હેઠળ જેઓએ અગાઉથી દુકાન, સંસ્થાના અધિનિયમ 1948 હેઠળ અગાઉથી રજીસ્ટ્રેશન ધરાવતી દુકાન, સંસ્થાઓએ પણ પોતાના રજીસ્ટ્રેશનની રીન્યુની મુદત પૂરી થઇ હોય તે 2019 નવા કાયદા પ્રમાણે રજીસ્ટ્રેશન કરાવી લેવા જોગવાઈ કરી છે.
પરંતુ ઘણા ખરા વેપારીઓએ પોતાની દુકાનની નોંધણી નહીં કરાવતા, ગુમાસ્તા ચેરમેન હેતલબેન ધોળકિયા તેમજ ચીફ ઓફિસર જતીનકુમાર મહેતાની સુચના અનુસાર ગુમાસ્તાધારા અધિકારી અશોક પંજાબી દ્વારા 59 જેટલા વ્યાપારીઓને ગુમાસ્તાધારા ભંગ બદલ નોટિસ આપી હતી. પાલિકા દ્વારા નિયત સમયમાં દુકાન સંસ્થા નોંધણી નહીં કરાવનાર સામે કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે, તેવું ગુમાસ્તાધારા અધિકારી અશોક પંજાબીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.