આ બે મહિલાની કહાની રડાવી દેશે:એકે કહ્યું,'મારી જિંદગી લઠ્ઠાકાંડે ઉજાડી, કેવી રીતે છોકરા ભણાવીશ?', બીજી બોલી, 'કોઈ કમાનારું નથી,બાળકો ને હું કેવી રીતે જીવીશું?'

ધંધુકા22 દિવસ પહેલાલેખક: સારથી એમ. સાગર, કિશન પ્રજાપતિ
  • બંને વ્યક્તિ પોતપોતાના પરિવારમાં એકમાત્ર કમાનારા વ્યક્તિઓ હતા
  • કમલેશભાઈ સ્કૂલે ગયા હતા, જ્યાં બેભાન થઈ ગયા હતા, સારવાર દરમિયાન મોત થયું
  • ચેતનભાઈ હોટલેથી દારૂ પીવા ગયા, પાછા આવ્યા બાદ તબિયત લથડી

"લઠ્ઠાકાંડે અમારું જીવન ઉજાડી નાખ્યું. કેવી રીતે બંને છોકરાઓને ઉછેરીશ અને ભણાવીશ? હવે મારો આધાર કોણ? સરકાર અમને સહાય કરે." આ શબ્દો છે લઠ્ઠાકાંડમાં પોતાનો પતિ ગુમાવનારાં ધંધુકાના પુષ્પાબેનના. જેમના જીવનમાંથી લઠ્ઠાકાંડના પગલે સુખનો સુરજ આથમી ગયો છે. આ સિવાય ઘરના એકમાત્ર કમાનારા ધંધુકાના ચેતનભાઈનું પણ મોત થતાં તેમનાં વિધવા ભાભી અને તેમનાં બાળકો નિરાધાર થયાં છે. સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 57થી વધુ લોકોના મોત થયા છે. ધંધુકા અને તેની આસપાસના ગામમાં કુલ 15થી વધુ લોકોના મોત થયા છે. સમગ્ર ઘટનાને પગલે દિવ્ય ભાસ્કરની ટીમ ધંધુકા પહોંચી હતી. જ્યાં સ્કૂલમાં પ્યૂનની નોકરી કરતા કમલેશભાઈ મકવાણાનું અને એક હોટલમાં નોકરી કરતા 20 વર્ષના ચેતનભાઇનું લઠ્ઠો પીવાને લીધે મોત થયું હતું. બંનેના મોતને પગલે તેમનો પરિવાર નિરાધાર થયો છે. ઉપરાંત બંને વ્યક્તિ પોતપોતાના પરિવારમાં એકમાત્ર કમાનારા વ્યક્તિઓ હતા, જેથી હવે આ લોકો કોના સહારે જીવશે એ પ્રશ્ન તેમને સતત કોરી ખાઈ રહ્યો છે.

મૃતક કમલેશભાઈનો ફાઈલ ફોટો
મૃતક કમલેશભાઈનો ફાઈલ ફોટો

"સવારે સ્કૂલે ગયા અને બેભાન થઈ ગયા"
44 વર્ષના કમલેશભાઇએ 25 તારીખે રાત્રે લઠ્ઠો પીધો હતો, જેના બાદ તેઓ સવારે સ્કૂલે ગયા હતા જ્યાં તેઓ બેભાન થઈ ગયા હતા અને ત્યાંથી તેમને હોસ્પિટલ લઈ ગયા હતા અને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ચેતનભાઇ જે હોટલમાં કામ કરતા હતા એ હોટલથી તેઓ દારૂ પીવા ગયા હતા અને ત્યાંથી પાછા આવ્યા બાદ તેમની તબિયત ધીમે ધીમે બગડી હતી. વધુ તબિયત બગડતા તેમને બરવાળાની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું.

કમલેશભાઈના મોતથી પરિવાર નિરાધાર થયો
કમલેશભાઈના મોતથી પરિવાર નિરાધાર થયો

પરિવારમાં બંને એકમાત્ર કમાનારા વ્યક્તિઓ
આ પરિવારમાં બંને એકમાત્ર કમાનારા વ્યક્તિઓ હતા, જેથી બંનેનો પરિવાર નોંધારો થયો છે. કમલેશભાઈના બંને દીકરા ભણી રહ્યા છે. કમલેશભાઈના પત્ની અને બાળકોનું કહેવું છે કે આ લઠ્ઠાકાંડ માટે જવાબદાર કોણ? સરકાર અમને સહાય કરે જેથી આગળ ભણી શકાય. ચેતનભાઇના પત્ની કહી રહ્યા છે કે પરિવારમાં હવે કમાનારું કોઈ નથી, ત્રણ બાળકો અને તેઓ પોતે ખુદ કોના આધારે જીવશે.

પુષ્પાબેનનો મૃતક પતિ કમલેશભાઈ સાથેનો ફોટો
પુષ્પાબેનનો મૃતક પતિ કમલેશભાઈ સાથેનો ફોટો

દીકરો એક્ઝામ આપીને આવ્યો ને સમાચાર મળ્યા કે પિતા ગંભીર છે
આ અંગે કમલેશભાઈના દીકરા નિકુંજે દિવ્યભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, હું અમદાવાદ રહીને પીએચડીની એન્ટ્રસ એક્ઝામ આપીને ઘરે જ આવ્યો હતો. ફોન આવ્યો કે તમારા પપ્પા ગંભીર છે. અમને એવી જાણ કરવામાં આવી હતી કે 30 તારીખે રાત્રે દારૂ પીધો છે અને સવારે તેની અસર થઈ છે. સ્કૂલમાં ચાલુ ડ્યુટીએ એમને ચક્કર આવ્યા છે અને હોસ્પિટલ દાખલ કરાયા છે. ધંધુકાની હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

પુત્રની વેદના, "લઠ્ઠાકાંડે અમારું જીવન ઉજાડી નાખ્યું"
પુત્રની વેદના, "લઠ્ઠાકાંડે અમારું જીવન ઉજાડી નાખ્યું"

આ મોત થયું છે એનું જવાબદાર કોણ?
નિકુંજે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે હાલ તેમના પરિવારમાં તેમના મમ્મી અને એક નાનો ભાઈ છે જે કોલેજમાં છે. હવે આ પરિસ્થિતિમાં એમનો પરિવાર નોંધારો બની ગયો છે. લઠ્ઠાકાંડનું જવાબદાર કોણ? સરકાર અમને સહાય આપે જેથી અમે ભણી શકીએ. અમારા પપ્પા દારૂ પીતા હતા એની ઘરમાં બધાને જાણ હતી. તેઓ હંમેશા તેમની મર્યાદામાં પીતા હતા, પણ આ વખતે એમણે દારૂ પીધો અને આવું થઈ ગયું તો એનો જવાબદાર આખરે કોણ? અમારા ઘરમાં મારા એ પિતા એક જ કમાતા હતા. અમે બંને ભાઈઓ ભણીએ છીએ હવે ઘરનું ગુજરાત કેવી રીતે ચાલશે અને અમે બંને ભાઈઓ કેવી રીતે ભણીશું?

મૃતક ચેતનભાઈનાં ભાભી રમિલાબેન
મૃતક ચેતનભાઈનાં ભાભી રમિલાબેન

"કેવી રીતે બંને છોકરાઓને ઉછેરીશ અને ભણાવીશ?"
કમલેશભાઈના પત્ની પુષ્પાબેને જણાવ્યું હતું કે, તે દારૂ પીધેલી હાલતમાં અને બેભાન અવસ્થામાં હતા. અમે મળી પણ શક્યા નથી. રાત્રે દારૂ પીધા બાદ તેઓ સવારે સ્કૂલે ગયા હતા. જ્યાં તેમને ચક્કર આવતા પડી ગયા હતા. સ્કૂલે થઈને જ એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. મારા પતિ દારૂ પીતા જ હતા. આ લઠ્ઠા કાંડ જીવ લેશે એ ખબર નહોતી. લઠ્ઠાકાંડે અમારું જીવન ઉજાડી નાખ્યું. કેવી રીતે બંને છોકરાઓને ઉછેરીશ અને ભણાવીશ? હવે મારો આધાર કોણ? સરકાર અમને સહાય કરે.

મૃતક ચેતનભાઈ (ડાબી બાજુ)
મૃતક ચેતનભાઈ (ડાબી બાજુ)

"રાત્રે દારૂ પીને સૂઈ ગયા, સવારે ઉઠીને જોયું તો અધમૂઈ હાલતમાં"
બીજી તરફ ધંધુકાના અન્ય એક મૃતક ચેતનભાઈનાં ભાભી રમીલાબેન કે જેમણે ઘણા વર્ષો પહેલાં પોતાના પતિ ગુમાવ્યા છે, એ પણ ચેતનભાઈનાં મોતથી નિરાધાર થયાં હતાં. ચેતનભાઈ ઘરના એકમાત્ર કમાનારા વ્યક્તિ હતા. આ અંગે રમીલાબેને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 20 વર્ષના ચેતનભાઇ રાત્રે દારૂ પીને સૂઈ ગયા હતા. સવારમાં જોયું ત્યારે તેઓ અધમુઈ હાલતમાં હતા. પછી તેમને બરવાળા હોસ્પિટલે લઈ ગયા હતા. હોસ્પિટલમાંથી એમનું પોસ્ટમોર્ટમ કરવા લઈ ગયા હતા. એમના અંતિમ સંસ્કાર ગઈકાલે કરાયા છે.

રમિલાબેન અને તેમનાં બાળકો નિરાધાર થયાં, જીવન કેમનું જશે એ જ મોટો પ્રશ્ન
રમિલાબેન અને તેમનાં બાળકો નિરાધાર થયાં, જીવન કેમનું જશે એ જ મોટો પ્રશ્ન

"હવે અમે પરિવારમાં ચાર લોકો જ છીએ, જેમાં ત્રણ બાળકો છે"
ચેતનભાઇ છેલ્લા એક વર્ષથી દારૂ પીતા હતા એની એમને જાણ હતી. પરિવારના લોકો ચેતનભાઇને ઘણું સમજાવતા પણ હતા પણ તેઓ સમજતા ન હતા. ચેતનભાઇ એક હોટલમાં કામ કરતા હતા અને ત્યાં જ રહેતા હતા, ક્યારેક ઘરે આવતા હતા. ચેતનભાઇના દારૂ પીધા બાદ તેમની તબિયત બગડી એની જાણ હોટલ માલિકે ફોન કરીને જાણ કરી હતી. જો કે ચેતનભાઈના મૃત્યુ બાદ હવે એમના પરિવારમાં તેમના ભાભી અને ત્રણ બાળકો છે. આ લોકોનો આધાર કોણ?

અન્ય સમાચારો પણ છે...